Jignasa Mistry

Thriller

4.8  

Jignasa Mistry

Thriller

કોલેજ ટૂર

કોલેજ ટૂર

4 mins
449


“અરે ! રોશની બેટા તું આવી ગઈ ! અમે તારી જ રાહ જોતા હતા બેટા.”

“બેટા, જ્યારથી તન્વી તમારી એ કોલેજ ટૂર પરથી પરત આવી છે ત્યારથી ખૂબ ઉદાસ રહે છે. એની તબિયત ઠીક નથી લાગતી. અમે એને પૂછ્યું પણ એણે કોઈ સરખો જવાબ ના આપ્યો.” તન્વીના પિતાએ તન્વીની ખાસ મિત્ર રોશની આગળ પોતાની ચિંતા વ્યક્ત કરી !  

“અંકલ, ટૂરમાં એવું તો કંઈ નથી થયું. પણ હા, જ્યારથી અમે ‘હવાઈ મહેલ’ ની મુલાકાતેથી પરત ફર્યા ત્યારથી તન્વી મને પણ થોડી બદલાયેલી લાગી. તમે ચિંતા ના કરશો.” કહેતી રોશની તન્વીના મનની વાત જાણવા તન્વી પાસે પહોંચી. 

“તન્વી ઓ તન્વી ! કેમ આમ મૂરઝાયેલી રહું છું. શું થયું ? જ્યારથી આપણે એ હવાઈ મહેલથી પરત ફર્યા ત્યારથી તું કોઈ અલગ દુનિયામાં પહોંચી ગઈ હોય એવું મને કેમ લાગે છે ?” રોશનીએ તન્વીના મનની વાત જાણવા પૂછ્યું. 

“રોશની મને કંઈ જ સમજાતું નથી.” કહેતી તન્વી રોશનીને ભેટી રડવા લાગી અને રડતાં રડતાં પોતાની મનોવ્યથા પોતાની મિત્રને કહેવા લાગી.

“તને યાદ છે એ હવાઈ મહેલ ?”

“હા યાદ છે.” તન્વીએ હકારમાં માથું હલાવ્યું. 

“કેટલો સુંદર હતો એ મહેલ અને એના ઝરૂખા તો ! ઝરૂખા તો એ મહેલની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા. ગાઈડે આપણને એ મહેલ તથા ઝરૂખો બતાવ્યો. સાથે સાથે એ મહેલનો ઈતિહાસ અને રાજકુમારી તથા રાજકુમારની પ્રણયકથા પણ કહી.” 

એક વખત રાજકુમારને આજ ઝરૂખેથી સંદેશો આપતા જયારે રાજાએ જોયો ત્યારે તેની કોઈપણ વાત સાંભળ્યા વગર જ રાજાએ રાજકુમારની ગોળી મારી હત્યા કરી !

રાજકુમારી પોતાના પ્રેમીનો વિરહ સહન ના કરી શકી અને એક દિવસ આ ઝરૂખામાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યા. આજે પણ એ રાજકુમાર એ રાજકુમારીને મળવા આ ઝરૂખામાં આવે છે. એવી એક લોકવાયકા છે. એવું ગાઈડે જણાવ્યું હતું.

“ઓહ ! કેટલી રોચક અને દુઃખદ હતી એ પ્રણયગાથા !”

“તમે બધા એ ગાઈડ સાથે મહેલને જોવા આગળ નીકળ્યા. પણ મારું મન તો એ ઝરૂખામાં જવા થનગની રહ્યું હતું ! બસ મારા પગ એ જ ઝરૂખા તરફ આગળ વધ્યા ! મને થયું આ ઝરૂખા સાથે મારો વર્ષોનો કોઈ સંબંધ છે. કોઈ રાજકુમારીની છટાથી હું એ જ ઝરૂખામાં ફોટો પડાવવા બેઠી અને મેં જેવો મારો ફોન કાઢ્યો ત્યાં જ એક ખૂબ જ મનમોહક યુવકે મને કહ્યું. “લાવો હું તમારો ફોટો પાડું.” એ યુવકના ચહેરા પર મારી નજર થંભી ગઈ ! એને જોતાં જ મને થયું જાણે મારી વર્ષોની ખોજનો અંત આવ્યો. મને પહેલી નજરમાં જ એ યુવક સાથે જાણે પ્રેમ થઈ ગયો ! પછી તો એણે એ ઝરૂખામાં અમારા ઘણા બધા ફોટા પાડ્યા. ઝરૂખાની બહારથી એ યુવકે મને આખું શહેર બતાવ્યું અને રાજકુમાર તથા રાજકુમારીના પ્રણયના ઘણા કિસ્સા પણ કહ્યાં. એ રાજકુમારીનો કક્ષ મને મારો જ લાગતો હતો ! એ યુવકે મને કહ્યું. તમે બધું જ ભૂલી ગયા પણ હું તો વર્ષોથી તમારી પ્રતીક્ષા કરું છું. હું કંઈ સમજું એ પહેલાં જ મને આપણા સરનો તથા બસના હોર્નનો અવાજ સંભળાયો. હું થોડી સ્વસ્થ થઈ એ ઝરૂખા સાથે મારો આત્મા જોડાયેલો હોય એમ મને કેમે કરીને ત્યાંથી પરત ફરવાનું મન જ નહોતું થતું !

બસના હોર્નનો અવાજ સતત વધતો જતો હતો. મારા પગએ ઝરૂખેથી પાછા ફરવા જતા હતા ત્યાં જ એ યુવકે મારો હાથ પકડ્યો ! મારા શરીરમાં એક ધ્રુજારી આવી ગઈ ! 

એણે મને કહ્યું. “જલ્દી પાછી આવજે.” અને મને આલિંગનમાં લઈ મારા કપાળ પર એક ચુંબન કર્યું ! 

મારા ધબકારા તીવ્ર બન્યા ! હું વીજળીવેગે એ ઝરૂખામાંથી ભાગી ! બસમાં આવી. મારું શરીરએ ટૂરમાંથી તમારી સાથે પાછું આવ્યું પણ મારો આત્મા તો એ ઝરૂખામાં જ રહી ગયો હતો. થોડા જ કલાકોની મુલાકાત પણ વર્ષોથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય એવી અનુભૂતિ થતી હતી ! ઘરે આવી મમ્મી પપ્પાને એ યુવક સાથે લગ્ન કરવા સમજાવીશ એવો મનમાં નિર્ણય કર્યો.

હું ખૂબ જ ખુશ હતી. એ યુવકનો ફોટો બતાવવા મેં જેવાંએ ઝરૂખાના ફોટા કાઢ્યા ત્યાં તો મારા હોશ ઉડી ગયા ! એ ફોટામાં હું તો હતી પણ... પણ... 

પણ શું તન્વી ? રોશની પોતાની જિજ્ઞાસાને રોકી ના શકી.

પોતાના ફોટા બતાવતા તન્વીએ કહ્યું “રોશની જો આ ફોટા. આ બધા ફોટા અમે સાથે પડાવ્યા હતા. ફોટામાં હું તો છું. પણ એ યુવક ક્યાં ? તો શું એ યુવક રાજકુમારનો આત્મા હશે ! મારું મન એ યુવકને મળવા અને એ ઝરૂખામાં જવા તડપે છે ! એણે મને કહ્યું હતું કે જલ્દી પાછી આવજે. તો શું હું એ રાજકુમારી ?”

અચાનક ઘરના અરીસામાં તન્વીને એ રાજકુમાર તથા ઝરૂખો દેખાયા અને અરીસા તરફ આંગળી ચીંધતી તન્વી ત્યાં જ બેભાન થઈ ઢળી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller