Jignasa Mistry

Tragedy Inspirational Others

4.3  

Jignasa Mistry

Tragedy Inspirational Others

છેલ્લું પગલું

છેલ્લું પગલું

2 mins
154


ફૂલોની મહેક, શરણાઈનાં સૂર, કરિયાવર, લગ્નમંડપની શોભા, સ્વાદિષ્ટ જમણવાર અને સ્વર્ગમાંથી ઊતરી હોય એવી વર-કન્યાની જોડી સૌનાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં !

નારિયેળ જેવું વ્યકિતત્વ ધરાવનાર શેઠ રસિકલાલે ગરીબ દીકરીઓને માટે અતિભવ્ય સમૂહલગ્નનું આયોજન કર્યું હતું !

'પહેલું પહેલું મંગળીયું...બીજે મંગળ રૂપાનાં... ત્રીજે મંગળ સોનાનાં... 

ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે ! બંને પક્ષે આનંદ અતિ ઊભરાય રે !' 

સપ્તપદીનાં વચનો બાદ કન્યા વિદાયનો અવસર આવ્યો. રસિકલાલે ભારે હૈયે દીકરીઓને આશિષ તથા શિખામણ આપતા કહ્યું, 

"મારી વ્હાલી દીકરીઓ પારકાં ઘરને પોતાનું કરી જાણજો.

સાસુ, સસરા તથા વડીલોનું સન્માન જાળવજો અને સેવા કરજો.

પતિનો પ્રેમ મેળવજો તથા સુખ, દુઃખમાં સાથ આપજો. વહુ નહીં દીકરી બનજો. 

કન્યા વિદાયે એ પણ યાદ રાખજો કે પ્રેમ અને સમર્પણમાં તમારા અસ્તિત્વને ન વિસરજો. 

થોડો સમય તમારા માટે પણ ચોરી લેશો.

સીતા સમાન બનજો પણ સામે રાવણ મળે તો દુર્ગાનું સ્વરૂપ ધારણ કરજો. 

સહન કરજો પણ સહનશક્તિની મૂર્તિ ના બનશો. 

મારી દીકરી રોશનીની જેમ..."

રસિકલાલનો અવાજ થોથવાયો અને આંખોમાંથી અશ્રુધારા સાથે પિતૃહૃદય ઠલવાયું,

"હંમેશા હસતી અને હસાવતી મારી દીકરી રોશની મને જીવથી પણ અધિક વ્હાલી ! રાજકુમારીની જેમ અમે રોશનીને મોટી કરી. દુલ્હનનાં પહેરવેશમાં તો રોશની અપ્સરા જેવી શોભતી હતી. કરિયાવરની સાથે શિક્ષણ તથા સંસ્કારોનાં આભૂષણો પણ અમે એને પહેરાવ્યાં હતાં.

લગ્ન પછીનાં થોડાં મહીના તો સુખમય વીત્યાં પરંતુ ત્યારબાદ અમારાં કમનસીબે તેનાં લાલચુ સાસરિયાનો દહેજનો ત્રાસ શરૂ થયો. રોશની શિક્ષિત હોવા છતાં પોતાનાં માવતરની ઈજ્જત સાચવવાં પિયર પાછા ફરવાની જગ્યાએ અન્યાયને સહેતી રહી. જયારે આ અત્યાચાર અસહ્ય થયો ત્યારે તેણે આપઘાતનું છેલ્લું પગલું ભરી જીવન ટૂંકાવ્યું. 

લાલ સાડીમાં સજજ રોશનીની અર્થી સાસરીમાંથી નીકળી અને આ બાપે હંમેશા માટે કન્યા વિદાય આપી. મારી પત્ની પુત્રી વિરહનો આઘાત સહન ના કરી શકી અને થોડાં મહિનાઓમાં તો પરલોકની દુનિયામાં પહોંચી ગઈ. 

મારી દીકરીઓ તમને પિતાની અરજ છે કે હિંમતવાન બનજો, 

વર-વધૂ સપ્તપદીનાં વચનો યાદ રાખજો.

છતા જીવનમાં મોટી સમસ્યાં આવે તો તમારા આ પિતાને યાદ કરજો પણ આપઘાત જેવું છેલ્લું પગલું ના ભરશો.

મિત્રો, એક બાપ પોતાનો કાળજાનો કટકો તમારે આંગણે મોકલે છે તો એની શોભા વધારજો. 

છેવટે, આપ સૌને એટલું જ કહીશ કે જ્યાં સ્ત્રીઓનું સન્માન જળવાય છે ત્યાં જ દેવો પણ નિવાસ કરે છે. તેથી આ દીકરીઓને એટલો પ્રેમ આપજો કે આ કન્યા વિદાય પછીનું તેમનું જીવન મંગલમય બની રહે." 

ઉપસ્થિત સૌની આંખો પિતૃહૃદયને સાંભળી છલકાઈ. સમૂહ લગ્નમાં વિદાય લઈ રહેલી દરેક કન્યાઓમાં રસિકલાલને વ્હાલી રોશની હસતી દેખાતી. 

પિતા સમાન રસિકલાલે આપેલા અખંડ સૌભાગ્યવતીના આશિષ તથા શિખામણ સાથે કન્યા વિદાય થઈ અને સૂર રેલાયાં,

'બાબુલ કી દુઆએ લેતી જા,

જા તુજકો સુખી સંસાર મિલે...' 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy