અસ્તિત્વ
અસ્તિત્વ
આખરે એક ભંડારામાં રીમાએ પાંચ દિવસની ક્ષુધા સંતોષી ! હવે... કયાં જવાનું ? કોઈ અજ્ઞાત દિશામાં તેનાં પગ મંડાયાં. અચાનક એક પ્રેમી યુગલ પર એની આંખ મંડાઈ અને રીમા બાવીસ વર્ષ પહેલાંની યાદોમાં ખોવાઈ ગઈ.
"ઓહ! પોતે કેટલી ખુશ હતી રાજીવ સાથે ! રાજીવ પણ તેને ખૂબ જ પ્રેમ કરતો. બીજી જ ક્ષણે થયું ના...ના... રાજીવ તો મારાં શરીરને પામવાં ફક્ત મારી લાગણીઓ સાથે રમ્યો." તેની આંખો ફરી ભીંજાઈ. સૂરજદાદા આગ વર્ષાવતા હતા અને તેનો ભૂતકાળ મન ઉપર ઉઝરડાં પાડતો હતો. ગંધાતી સાડીથી મોઢું લૂછી તે ફરી નીકળી પડી અસ્તિત્વની ખોજમાં.
અસ્તિત્વ ? એક લુચ્ચું હાસ્ય તેનાં હોઠો પર આવ્યું ! મારું કે મારી ખુશીનું ક્યાં કોઈ અસ્તિત્વ જ હતુ ! બાળપણમાં માતાનો પ્રેમ થોડો મળ્યો પણ પિતાના પ્રેમ માટે તો તે તરસતી જ રહી. માવતરની ત્રીજી દીકરી એટલે જાણે કે સાપનો ભારો ! ઘરમાં તેની ખુશીઓનું કોઈ જ અસ્તિત્વ નહોતું. ભરઉનાળે તેની આંખોમાંથી ચોમાસું વરસતું હતું ! કેમ નથી જતી રહેતી પોતાનાં પરિવાર પાસે ? ત્યાં બીજી જ ક્ષણે થયું કયો પરિવાર ? મનમાં હતું કે, સાસરે જઈને પતિના દિલની મહારાણી બનશે પણ એનાં ભાગ્યમાં કયાં સુખ હતું ?
પતિનો પ્રેમ તો જરૂરિયાત પૂરી કરવા ફક્ત રાત્રે જ વરસતો ! સાસુ, સસરા માટે તો તે હંમેશા અળખામણી જ રહી. પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવાં તથા ઘરનાં કકળાટથી દૂર રહેવાં તેણે નોકરી ચાલુ કરી. રીમાને આશા હતી કે, હવે દિવસો બદલાશે ! પણ કદાચ એનું ભાગ્ય લખતાં તો સ્વયં વિધાતા પણ રડ્યા હશે ! પતિ અવળે માર્ગે વળ્યો અને ઘરની તમામ જવાબદારીઓ તેનાં માથે આવી. ઘણી વાર રીમાને થતું કે, આ બધું છોડીને કયાંક જતી રહે પરંતુ તેના બાળકો તેનાં પગની બેડી બન્યાં !
સમય પસાર થતો ગયો. તેનાં કપાળનો ચાંદલો પણ ભૂંસાયો છતાં તે પોતાના દીકરાઓ માટે વીસ વર્ષથી હસતાં મોઢે વેદનાઓ સહેતી ગઈ ! પણ છ દિવસ પહેલા પૈસાદાર પ્રેમિકાનાં પ્રેમમાં અંધ બનેલાં તેના દીકરાએ તેને પૂછ્યું, "મા તે અમારાં માટે કર્યુ છે જ શું ?" અને જાણે તેના પગ તળેથી જમીન સરકી ગઈ ! પોતાનું સમગ્ર અસ્તિત્વ જેણે સંતાનો માટે, પરિવાર માટે વીસરાવી દીધું, તેનું આવાં શબ્દોથી સન્માન ! આખી રાત તેનાં મનમાં મહાભારત ચાલ્યું અને સવારે જાણે ગીતાનું કોઈ જ્ઞાન મળ્યું હોય એમ તે ઘર છોડીને નીકળી ગઈ.
છ દિવસે પણ તેનાં પરિવારજનોએ તેની ભાળ નહોતી કાઢી. શું ઘરમાં તેનાં અસ્તિત્વથી કોઈને ફરક નહતો પડતો ? રીમા નીકળી પડી પ્રેમનાં, અસ્તિત્વની ખોજમાં. સંધ્યા ટાણે તેને મંદિરનો ઘંટનાદ સંભળાયો. તેના ચરણ મંદિરમાં બિરાજમાન શ્રીકૃષ્ણની મૂર્તિ તરફ આગળ વધ્યાં.
રીમા શાંતિસ્વરૂપ, શ્રીકૃષ્ણની મૂર્તિને એકિટશે જોઈ રહી. જાણે તેનાં પ્રેમની ખોજ પૂર્ણ થઈ હોય એમ એ પ્રતિમામાં કૃષ્ણની રાધા બની, પોતાનાં અસ્તિત્વને વીસરીને તે ત્યાં જ ઢળી ગઈ.
