Jignasa Mistry

Tragedy Inspirational Others

4.5  

Jignasa Mistry

Tragedy Inspirational Others

સગપણ

સગપણ

2 mins
261


સગપણ એટલે ચાર અક્ષરોનો બનેલો નાનકડો અને આત્મીયતાં દર્શાવતો શબ્દ ! જે શબ્દ વાંચતા કે સાંભળતાં જ આપણું મન સમગ્ર જીવનની પરિક્રમા કરી ખટમીઠાં સંસ્મરણોની યાદોમાં ખોવાઈ જાય. કેટલાક સગપણોની સાથે આપણે જન્મતાની સાથે જ જોડાઈ જઈએ છીએ તો કેટલાક સગપણો આપણે લાગણીથી જોડાઈને બનાવીએ છીએ.

કેટલાક સગપણો આપણને સુખ પ્રદાન કરનારાં, જીવવાનો સાચો માર્ગ બતાવનારાં તો વળી, કેટલાક આજીવન આપણને પીડા આપનારાં પણ હોય છે. જેમકે, રાધાબેને એકલાં હાથે અનેક તકલીફો વેઠીને પોતાનાં સંતાનોનો ઉછેર કર્યો. એક દીકરાને વકીલ તથા બીજાને ઈજનેર બનાવી બંને દીકરાઓના ધામધૂમથી લગ્ન કર્યા પરંતુ થોડાં મહિનાઓમાં જ તેમના દીકરાઓ માતાનાં ઉપકારોને ભૂલી અલગ રહેવા જતાં રહ્યાં. રાધાબેન હવે, ઘડપણમાં એકલાં રહે છે તથા તેમનાં પાડોશીઓ નિ:સ્વાર્થ ભાવે તેમની સેવા કરે છે.

મીરાંબેને તેમના દીકરા માટે સમાજની સુંદર તથા ગુણવાન યુવતી પસંદ કરી તેની જાન જોડાવી હતી. લગ્નનાં થોડાં દિવસો બાદ તેમનો દીકરો ચિઠ્ઠી મૂકી પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે વિદેશ ભાગી ગયો ! જેમની સાથે લોહીનો સંબંધ હતો તે દીકરો તરછોડી ગયો, જયારે તેમની પુત્રવધૂએ આજીવન તેમની દીકરી બની સેવા કરવાનો નિશ્ચય કર્યો.

રેવતીએ પણ પોતાનાં લગ્નજીવનનાં અનેક સપનાં જોયાં હતાં પરંતુ લગ્ન બાદ તેનાં અરમાનોની ચિતા સળગી ! રેવતીએ આપઘાત કરવાનો નિર્ણય લીધો. એ ઘર છોડીને ચાલી નીકળી. રસ્તામાં તેને બાળપણની મિત્ર ધરા મળી ગઈ. રેવતી ધરા સમક્ષ ચોધાર આંસુએ રડી પડી ! ધરાએ પણ મિત્ર ધર્મને શોભાવ્યો ! તેણે રેવતીને અબળાં નહીં પણ સબળાં બનતાં શીખવ્યું. મિત્રતાનાં સગપણે રેવતીનું સમગ્ર જીવન બદલી નાંખ્યું. આજે રેવતી બિઝનેસ વુમન બની પરિવારજનો સાથે ખુશ છે. 

અનોખી તેનાં નામ પ્રમાણે જ અનોખી છે. તેનો ઉછેર અનાથાશ્રમમાં થયો હતો. તે કોલેજનાં બીજા વર્ષમાં હતી ત્યારે તેની મુલાકાત રાજન સાથે થઈ. તે રાજનને સાજન બનાવવાના સપના જોવા લાગી પરંતુ રાજનના હૃદયમાં માતૃભૂમિ માટે પ્રેમ વરસતો હતો. તે ભારતીય સેનામાં જોડાયો અને ત્રણ વર્ષમાં જ શહીદ થયો. અનોખી તો મનથી રાજન સાથે જન્મોજનમની પ્રીતથી બંધાઈ ચૂકી હતી. તેણે લગ્ન કરવાને બદલે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને અજાણ્યાં લોકો સાથે સગપણથી જોડાઈ ગઈ ! 

મિત્રો, આવા તો ઘણાં સગપણો આપણી ચોમેર જોવાં મળે છે, જેમાં કેટલાક પોતાનાં પણ પારકાં જેવું વર્તન કરે છે તો કેટલાક અજાણ્યાં સગપણો પ્રેમની બક્ષિસ આપતાં જાય છે ! 

કેટલાક સગપણો બીજાનાં પગ ખેંચવાની તો કેટલાક આંગળી પકડી આગળ લઈ જવાની પ્રવૃત્તિઓ કરે છે ! 

મિત્રો, સગપણો વિશે લખતાં કદાચ મારી શાહી ખૂટે પણ આવાં અનોખાં સગપણોની ગાથા નહીં ખૂટે ! 

છેવટે એટલું જ કહીશ કે, 

 'અધૂરો છે રામ અને અધૂરો છે શ્યામ સગપણ વિના ! 

 તો શી વિસાત માનવીની કે, જીવન પૂર્ણ કરે સગપણ વિના ! 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy