Jignasa Mistry

Tragedy Fantasy Inspirational

4.0  

Jignasa Mistry

Tragedy Fantasy Inspirational

કાગળ

કાગળ

2 mins
210


વર્ષો પછી ડોશા, ડોશીના જવાથી મને ઘરમાં શાંતિનો અનુભવ થયો. હું હવેથી, ઘરની મહારાણી ! મારી કલ્પનાનાં તરંગોમાં દરવાજે વાગેલી ઘંટડીએ ભંગ પાડ્યો ! સામે ઊભેલા ટપાલીએ મારાં પપ્પાનો કાગળ હાથમાં આપ્યો. મને નવાઈ લાગી. પપ્પાએ ફોન કરવાની જગ્યાએ કાગળ કેમ લખ્યો ? મેં કાગળ વાંચવાની શરૂઆત કરી.

"મારી વહાલી દીકરી. આશા રાખું છું કે, તમે બધા કુશળ હશો. હવે, તો તારા સાસુ,સસરા પણ ઘરમાં નથી એટલે તું નિરાંતનો શ્વાસ લેતી હોઈશ."

પપ્પાના શબ્દોથી મને ધ્રાસકો પડ્યો !

"ફોનમાં કહેલી વાતો તું ભૂલી જઈશ એટલે કાગળ અને કલમનાં માધ્યમથી મારું હૃદય કોતરીને, અશ્રુઓના સથવારે ઘરડાંઓની આપવીતી કાગળમાં લખું છું. મેં અને તારી મમ્મીએ ખૂબ જ પ્રેમથી દીકરા,વહુને ઘર, કારોબાર સોંપી દીધાં હતાં. અમને એવું કે, એક દીકરી ગઈ અને બીજી દીકરી આવી પરંતુ દીકરી,વહુ તથા મા અને સાસુ વચ્ચે ભેદભાવ રાખવો એ અમને તમારી પેઢી પાસેથી જાણવાં મળ્યું. અમારાં પોતાના જ ઘરમાં અમે નકામો સામાન તથા નોકર બની ગયા. દીકરાં,વહુ મોંઘી ગાડીઓમાં હરે,ફરે પરંતુ ઘરડાં મા-બાપની સામાન્ય જરૂરિયાતો પૂર્ણ કરવામાં મોંઘવારી નડે.

  "તારી ભાભી દરેક વાતમાં તારી મમ્મીને કહે, તમને કશી ખબર નથી પડતી."

  મારી આંખો સામે પણ મારી સાસુનો ચહેરો સજીવન થયો. 

  મારા અશ્રુબિંદુઓ કાગળ પર ટપકવાં લાગ્યાં ! 

  આખરે, થોડાં દિવસ પહેલાં મારા ધ્રૂજતાં હાથેથી રકાબીમાંથી ઢળેલી ચાએ તથા ઝાડાંને કારણે તારી મમ્મીના બગડેલાં ચણીયાંએ અમને વૃદ્ધાશ્રમનાં સરનામે પહોંચાડી દીધા ! 

અમને તારી પર ગર્વ હતો પણ જયારે ગઈકાલે તારા સાસુ,સસરાને પણ અહીં વૃદ્ધાશ્રમમાં જોયા તો પગ નીચેથી જમીન સરકી ગઈ !

દીકરી યાદ રાખજે, ઘડપણ એ તો બીજું બાળપણ છે. દીકરી તો બે ઘરને તારે ! પણ એજ દીકરી જયારે વહુ બને ત્યારે ઘર તોડે છે. એ જયારે પતિના માતા-પિતાને પારકાં સમજે ત્યારે વૃદ્ધાશ્રમો બને છે. 

જીવનની ઢળતી સંધ્યાએ મને એ નથી સમજાતું કે વાંક કોનો ? અમારો, તમારો, અમારા ઉછેરનો કે પછી આ ઘડપણનો ? કયાંક એવું ન થાય કે, ભવિષ્યમાં તમારે પણ કાગળ અને કલમનો સહારો વૃદ્ધાશ્રમાં લેવો પડે !"

  મારાં ડૂસકાંભર્યા રુદનથી કાગળ ભીંજાવા લાગ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy