Jignasa Mistry

Tragedy Inspirational Others

4.0  

Jignasa Mistry

Tragedy Inspirational Others

હીંચકો

હીંચકો

2 mins
193


"રાધિકા ઉતાવળ કર."

"હા...પાંચ મિનિટ".

રાધિકાએ જવાબ આપ્યો, ત્યાં નાનકડી બંસરી દોડતી આવી. 

"પપ્પા, હું કેવી લાગુ છું ?"

"વાહ ! એકદમ પરી જેવી." 

સૌને ઈર્ષા આવે એવા આ પરિવારને આજે એક મિત્રના નવાં ઘરનાં વાસ્તુપૂજનમાં જવાનું હતું.

સાંંજે પૂજા પૂર્ણ થતાં તેઓ પોતાના ગૂંથેલા માળામાં તો આવી ગયા પરંતુ મિત્રના ઘરની શોભા, ત્યાંનું રાચરચીલું તેમનાં મસ્તિષ્ક પર અંકિત થઈ ગયાં ! વર્ષ પહેલાં જ લીધેલું તેમનું બે માળનું ઘર તેમને જૂનવાણી લાગ્યું !

 "શ્યામ સાંભળોને આપણાં ઘરે પણ સુંદર રાચરચીલું લાવીએ."

 "રાધિકા તું જાણે છે, આપણાં માથે હમણાં ઘણું દેવું છે. પગારનો મોટો ભાગ ઘરનાં હપ્તા ભરવામાં નીકળે છે. વળી, બંસરીની શાળાની ફી તો જો !" 

"મારે કંઈ નથી સાંભળવું. મારે ઘરમાં સોફાસેટ, કબાટ, ડાઇનિંગ ટેબલ અને હા, મો...ટો હિંચકો જોઈશે. હું અને બંસરી હીંચકા પર ઝૂલીશું."

 રાત્રે ફરી રાચરચીલું પતિ પત્નીનાં પ્રેમ વચ્ચે પ્રવેશ્યુ ! રાધિકા દિવસ-રાત ઘરને રાચરચીલાથી શણગારવાનાં સપનાં જોતી અને શ્યામ આગળ જિદે ચડતી ! હવે, તો તેમની વચ્ચે ઝગડા પણ થવા લાગ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે રાધિકાએ શ્યામને જણાવી દીધું કે, જો ઘરમાં રાચરચીલું નહીં આવે તો પોતે બંસરીને લઈને પિયર જતી રહેશે. 

આખરે, રાધિકા જીતી ! શ્યામે દેવું કરીને રાચરચીલું ખરીદ્યુ. રાધિકાની ખુશી સાતમા આસમાને હતી ! સોફો તેને વ્હાલો અને હિંચકો તો જાણે તેને સ્વર્ગની અનુભૂતિ કરાવતો !

બંસરીને શાળામાં રજા હોય તો મા, દીકરી આખો દિવસ ઝરૂખામાં લગાવેલા હીંચકા પર ઝૂલે, પરંતુ કહેવાય છે કે અણધાર્યું તે આગળ થાય ! 

એક દિવસ રાધિકા રસોડામાં કામ કરતી હતી અને બંસરી હીંચકે ઝૂલતી હતી. અચાનક કારમી ચીસ સંભળાઈ ! રાધિકા દોડીને ઉપર પહોંચી. જોયું તો હીંચકો ખાલી ઝૂલતો હતો અને નીચે બંસરી લોહીનાં ખાબોચિયાંમાં મોત સામે ઝૂલતી હતી !

રાધિકા દ્રશ્ય જોઈને બેભાન થઈ ગઈ. ભાનમાં આવી ત્યારે તેનાં કાળજાનાં કટકાને સ્મશાને લઈ જતા હતા. જયાં થોડાં સમય પહેલાં બંસરીનું હાસ્ય રેલાતું હતું ત્યાં માતા પિતાનું હૈયાફાટ રુદન સૌનાં કાળજાને ચીરવાં લાગ્યું !

કાળનું ચક્ર ફરતું રહ્યું. સૌ કોઈ શ્યામ, રાધિકાને આશ્વાસન આપી નીકળી ગયાં.

જે કલાત્મક પલંગ રાધિકાએ જિદ કરીને લેવડાવ્યો હતો, એજ પલંગ પર તેની રાત્રી અશ્રુ સારવામાં વીતતી !

ઓફિસમાંથી વારંવાર ફોન આવતા શ્યામને ફરીથી નોકરી ચાલુ કરવી પડી, પરંતુ તે કામમાં ધ્યાન ન આપી શક્યો. પરિણામે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બીજી બાજુ ઘરનાં હપ્તા તથા રાચરચીલાની કિંમત વસૂલવા લેણદારો ઘર સુધી આવવા લાગ્યા. શ્યામ તણાવમા રહેવા લાગ્યો અને એક દિવસ હતાશામાં ઘર છોડીને જતો રહ્યો.

રાધિકા પણ જાણે મોતની રાહે જીવતી ! લેણદારો નોટિસ આપવા લાગ્યા. ઘરનાં હપ્તા ભરપાઈ ન થતા બેંકે ઘરને રાચરચીલા સાથે જપ્ત કરવાનો નિર્ણય લીધો.

ત્રણ વર્ષનાં સુખદઃખનાં સંભારણાને આટોપવાં રાધિકા પોતાનાં ગોકુળધામ સમાન ઘરમાં છેલ્લીવાર ફરવાં નીકળી. તેનો હાથ રાચરચીલા પર ફર્યો.

તેની નજર ઝરૂખામાં રહેલા હીંચકા પર સ્થિર થઈ અને તેને જોરથી હીંચકા ખાતી બંસરી દેખાઈ. 

"મમ્મી, મમ્મી" કહેતી તે હીંચકા પર ઊભી થઈ. અચાનક વાયુવેગે ઝૂલતા હીંચકા પરથી બંસરીએ સંતુલન ગુમાવ્યું.

"બંસરી..."

રાધિકા વીજળીવેગે બંસરીને પકડવાં ઝરૂખા તરફ દોડી અને ફરીથી, ધડામ...અવાજથી વાતાવરણમાં ફરીથી ઉદાસી છવાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy