Jignasa Mistry

Fantasy Inspirational Others

4.8  

Jignasa Mistry

Fantasy Inspirational Others

નવી પેઢી

નવી પેઢી

2 mins
299


"હવે, જરા પેપરમાંથી માથું કાઢી, બહારની દુનિયાને છોડી, ઘરમાં શું ચાલી રહ્યું છે એ પણ જુઓ."

તોરલેબેને પોતાનો આક્રોશ રસાડોનાં વાસણો પછાડતાં બતાવ્યો. 

"અરે ! તોરલ સાંજના પાંચ વાગ્યા. ચા બનાવી કે નહીં ?"

"લો આ તમારી ચા. ઘરની વહુરાણીને તો તમારાથી કશું કહેવાતું જ નથી. જોયું મેડમ કેવાં જીન્સ, ટી-શર્ટ પહેરી ખરીદી કરવાં નીકળી પડ્યાં ? ઘરનાં કામની કે આપણી કોઈ જ ચિંતા નહીં ! મને જ કામવાળી બનાવી દીધી છે." તોરલબેને વર્ષોનો બળાપો પતિ આગળ કાઢ્યો ! 

"તોરલ મારી પાસે બેસ અને ચાની ચુસ્કીઓ ભર." 

રમણલાલે તોરલનાં મનને શાંત કરવાં કહ્યું, 

"તોરલ આપણો જમાનો જુદો હતો. આપણે ઈચ્છા હોવાં છતાં કયાંય ફરવાં ન'હોતા જઈ શકતાં. મને જવાબ આપ કે, મારા બા તને દરેક વાતમાં રોક-ટોક કરતાં એ તને ગમતું ? તને હરવાંની-ફરવાંની, પહેરવાં-ઓઢવાની, મોજ -શોખ કરવાની કેટલી ઈચ્છાઓ થતી પરંતુ કયારેક વડીલો તો કયારેક આર્થિક પરિસ્થિતિથી આપણને અટકાવતાં. 

શું તારી સાથે ખોટું થયું એટલે હવે, રિયાએ પણ પોતાનાં સપનાં મારવાનાં ? શું તારી સાસુએ કરેલ અન્યાયનો બદલો તું તારી વહુ સાથે લઈશ ? આ કેટલું યોગ્ય ? કે પછી વહુમાંથી તું સાસુ બની ગઈ એટલે તારા નિયમો બદલાઈ ગયા ? 

રિયા વહુ ભણેલી, ગણેલી છે. સારી નોકરી કરે છે. તોરલ, આજની નવી પેઢી પાસે પોતાનું જ્ઞાન અને વિચારો છો અને તેને જગત આખાની માહિતી સેકન્ડમાં ટેકનોલોજીની મદદથી મળી રહે છે તો તેઓ દરેક વાત આપણને પૂછશે નહીં ફક્ત જણાવશે. તેઓ આપણાં જેટલા સહનશીલ નથી. તેઓ સાચાને સાચું અને ખોટાંને ખોટું કહેતાં પણ નથી ખચકાતાં. તેઓ એકબીજાનું સન્માન જાળવીને પ્રેમ કરે છે. 

વળી, આપણા દીકરા-વહુએ આપણને દરેક સગવડો આપી છે. હું તો કહું છું જીવનની આ ઢળતી સંધ્યાએ આપણે મન મૂકીને જીવી લઈએ. અરે ! તોરલ થોડું રિયાને શીખવજે અને થોડું તું પણ નવી પેઢી પાસેથી શીખજે, તો જ આપણાં ઘરરૂપી મંદિરનો રથ પ્રેમથી ચાલશે. તોરલ મનમાં ભરીને નહીં, મનભરીને જીવતાં શીખ."

ચાની ચુસ્કી સાથે શરૂ થયેલી જૂની પેઢી અને નવી પેઢીની ચર્ચા ત્રણેક કલાક ચાલી.

અચાનક જોરથી દરવાજો ખૂલ્યો અને વીજળીવેગે રિયા દાખલ થઈ. તેણે 'શોપિંગ બેગ્સ' સીધી સાસુમાનાં ખોળામાં મૂકી અને સાસુમાની બાજુમાં ગોઠવાઈ ગઈ.

"મમ્મી...મમ્મી.. તમારાં નવાં ચણિયાચોળી !

આપણે સાથે ગરબાં રમીશું. આ કૂર્તી અને પેન્ટ પણ તમારા માટે ! આ પહેરીને તમે પપ્પા સાથે ફરવાં જશો તો એકદમ હિરોઇન જેવાં લાગશો ! પપ્પા, તમારા પ્રિય નાટકની ટિકિટો પણ આ રહી. મેં કાલે જ બુકિંગ કરાવી લીધું હતું.

અરે ! મમ્મી. એક વિધવાબેનને કામની જરૂર હતી તો મેં કાલથી આપણાં ઘરકામમાં મદદ કરવાં રાખી લીધાં છે. જેથી એમનું પણ ઘર સચવાય અને આપણું પણ ! ઠીક કર્યુ ને ? 

અરે ! વાતોમાં ભૂલી જ ગઈ. અજયને આેફિસથી આવતા મોડું થશે તો ચાલો, આપણે જમી લઈએ, નહીં તો... પપ્પા તમારી પાંઉભાજી અને મમ્મી તમારાં પરોઠાં ઠંડા થઈ જશે !"

દોઢિયાનાં સ્ટેપ કરતાં, કરતાં રિયા રસોડામાં ગઈ ! રમણલાલ અને તોરલબેન નવી પેઢીની વહુને જોતાં જ રહી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy