કળિયુગનો વાલ્મીકિ
કળિયુગનો વાલ્મીકિ


મહાગ્રંથ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ એક વાલીયા લૂંટારામાંથી ઋષિ બન્યા અને અદભૂત ગ્રંથની રામાયણની રચના કરી.
મહર્ષિ વાલ્મીકિ ઋષિ પ્રચેતાના પુત્ર હતા પણ તેમને એક ભીલડી અપહરણ કરીને પોતાની સાથે લઈ ગઈ હતી. આ કારણે તેનું પાલનપોષણ ભીલોની વચ્ચે થયું હતું અને તે ઋષિ પુત્ર હોવા છતાં એક લૂંટારું બની ગયા હતા. એક દિવસ તેમનો ભેટો નારદજી સાથે થયો તેમણે તેને સમજાવ્યું કે તું જે પાપ કર્મ કરે છે તેમાં તારા પરિવારજનો ભાગીદાર થશે કે નહીં ?.. ત્યારે વાલીયો લૂંટારો ઘરે ગયો અને ઘરના વ્યક્તિઓને પૂછ્યું કે તે જે લૂંટફાટ કરીને પરિવારજનોનું પેટ ભરે છે તો પરિવારજનો તેમાં ભાગીદાર થશે ? ત્યારે પરિવારજનોએ ના પાડી દીધી. કહ્યું કે એ તમારા કર્મ છે તમે જ ભોગવો. અમે તમને લૂંટ કરવા માટે ક્યાં કહીએ છીએ. તમે જાતે જ કરો છો. આ જવાબ સાંભળીને વાલીયા લૂંટારાની આંખ ઉઘડી ગઈ. તે બધું જ છો઼ડીને તપ કરવા ચાલી નિકળ્યાં. નારદજીએ તેમને રાહ બતાવી. તેમની અંદરના ઋષિના સંસ્કાર જાગી ઉઠ્યા. તે કઠોર તપ કર્યું. વાલીયામાંથી વાલ્મીકિ ઋષિ બની ગયા. તેમણે પહેલવહેલી સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી.
હવે, આપણે આજના વાલીયાની વાત માંડીએ. આપણા વાલીયા – ભાઈ ભણવામાં શરૂઆતથી જ ખૂબ જ નિપુણ હતા. તેમણે પ્રથમ પ્રયત્ને જ યુપીએસસીની સીધી પરીક્ષા પાસ કરીને સીધા આઇ.એ.એસ. (I.A.S.) ઓફીસર બની ગયા. ખૂબ જ પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નોકરી કરતા રહ્યા. સમય થતા લગ્ન થયા. પત્ની મેણા-ટોણા મારતી કે તમે તો સાવ સિદ્ધાંતના પૂંછડી જ રહ્યા. જુઓ, તમારી સાથે કામ કરતા ભાઈઓની આવક, તેમની લાઈફ સ્ટાઇલ જૂઓ. પણ, ભાઈ તેમની સિદ્ધાંતો પર અડગ રહ્યા.
સમય જતા પુત્ર-પુત્રી મોટા થતાં ગયા. જમાના પ્રમાણે, પપાના સ્ટેટસ પ્રમાણે એમની જરૂરીયાતો વધતી ગઇ. પુત્ર-પુત્રીનું પ્રેશર વધતું ગયું આડી કમાણી કરવા માટે. પુત્ર પ્રશાંતે તો ત્યાં સુધી દીધું કે પપા, તમારા આ સિદ્ધાંતની પૂંછડી નથી તમને સુખી થવા દેતી નથી અમને. પપા, તમે હવે પ્રેક્ટીકલ બનીને નોકરી કરો. લૂંટારા વાલ્મીકિને તો તેના કુટુંબ વારાએ ના પાડી દીધી હતી કે અમે તારા પાપમાં ભાગીદાર નથી. અમે તો તમને પ્રેમથી કહીએ છીએ કે અમે તમારા પાપમાં ભાગીદાર, બસ. તમે કહેશો તો તમારા ગેરકાયદેસર વ્યવહારોમાં હું તમારી સાથે રહીશ, તમને મદદ કરીશ.
વિમલ ભાઈ કુટુંબનું પ્રેશર ઝાલી શક્યા નહીં અને પૂરી રીતે પ્રેકટીકલ થઇ ગયા.જ્યાં મળે ત્યાંથી પૈસા બનાવવા લાગ્યા.
આસ્તે આસ્તે, તેઓએ પ્રમોશન પણ મેનેજ કરીને ચીફ વિજીલન્સ ઓફીસર થઈ ગયા. વાલ્મીકીએ 'રામાયણ' લખી તો તેમણે પણ ' ભ્રષ્ટાચારનો ભોરીગ' નામની એક પુસ્તક લખી નાખી !