ખણખણતો પ્રેમ
ખણખણતો પ્રેમ


મૃદંગ શો શરૂ થવાની રાહે બેઠો હતો. પડદા પાછળ જે તૈયારીઓ ચાલતી હતી એનો થોડો અવાજ ઓડિયન્સ સુધી આવી રહ્યો હતો. બધાં આ અનોખા શોને માણવાની તૈયારી કરી રહ્યાં હતાં. ઓડિયન્સમાં એક કતારમાં માત્ર વિકલાંગ લોકો જ બેઠાં હતાં.
મૃદંગની સામે નૂપુરના આજના ડાન્સ શોનું પોસ્ટર હોલની બંને બાજુએ લગાવેલાં હતાં. મૃદંગની સામે ભૂતકાળ જીવતો થયો.
" હેલો, મૃદંગભાઈ બોલે છે?", નુપૂરના નંબર પરથી અજાણ્યો અવાજ આવ્યો. "જી, બોલું છું પણ આપ કોણ? આ નંબર તો મારી ફિયાન્સીનો છે", મૃદંગ થોડો અસ્વસ્થ થતાં બોલ્યો. " જી, આ નંબરમાં છેલ્લો આપનો નંબર ડાયલ કરેલો હતો એટલે આપને ફોન .....
" પણ વાત શું છે ?", હવે મૃદંગની અધીરાઈ વધતા તેણે સામેવાળાની વાત કાપી. " જી, નાલીસ ચોક પાસે એમનું એક્સિડન્ટ થયું છે...
પોતાની જગ્યાએથી મૃદંગ દોડ્યો. ફટાફટ ઘર બહાર નીકળી પોતાની કાર સ્ટાર્ટ કરી. ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર પડેલી કંકોત્રીમાં " મૃદંગ સંગ નૂપુર" પર વારંવાર નજર જતાં તેની આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યાં.
લગભગ સાવ અસમંજસ અવસ્થામાં તે નાલીસચોક આવ્યો. એક મોટા ટોળાને ભેદીને તે અંદર ગયો. આંખો મીંચીને નટરાજને મનોમન પ્રાર્થના કરી કે ," હે ભગવાન મારી નુપૂરનો જીવ એના પગમાં છે. એનાં પગને...", આટલું વિચારીને આંખો ખોલી તો તેની રાડ ફાટી ગઈ. નુપૂરનો એક પગ શરીરથી સાવ છૂટો થઈને પડ્યો હતો. માંસના લોચા અને હાડકાઓ જોઈને તો કોઈ પણ બેહોશ થઈ જાય. મૃદંગે ફટાફટ કારની ડીકીમાં રહેલ કવર કાઢી તેમાં નૂપુર અને તેના શરીરનાં અંગો મૂકી તેની કારની બેક સીટમાં સુવરાવી. ત્યાં અચાનક તેનું ધ્યાન બંને પગ સામે ગયું. તેણે આપેલી પ્રેમની નિશાની નહોતી. તે વળી પાછો દોડ્યો અને રોડના કાંઠે ફાગવાઈ ગયેલ ઝાંઝર મુઠ્ઠીમાં લઈને કાર તરફ ભાગ્યો.
કાર નવજીવન હોસ્પિટલ તરફ તો તે ભગાવી રહ્યો હતો પણ નુપૂરને નવજીવન મળશે કે કેમ તે અંગે તે ખૂબ જ ચિંતિત હતો કારણકે લોહી ખૂબ વહી ગયું હતું. તેના લોહીવાળા હાથ, ઝાંઝર, કંકોત્રી , નુપૂરનું છૂટું પડી ગયેલું શરીર ...અને એ વચ્ચે તેની મનોસ્થિતિ. અઠવાડિયા પછી જ તેમના લગ્ન હતા અને સાત મહિના પછી નુપૂરનો ઇન્ટરનેશનલ ડાન્સ શો. નુપૂરને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. લાલ લાઈટ શરૂ થઈ.
ઓડિયન્સની ચિચિયારીઓ સાથે નુપૂરે પોતાના નકલી પગ સાથે જબરદસ્ત નૃત્ય શરૂ કર્યું. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે એક વર્ષ પહેલાં જ આ છોકરીનો પગ કપાઈ ચૂક્યો છે. કૃત્રિમ પગ સાથે કોઈ આવો ડાન્સ કરી શકે એ માનવું જ અશક્ય હતું. આ બધાં વચ્ચે એક સૌથી મોટી ચિચિયારી મૃદંગની પણ હતી. તેના બેય હાથમાં નુપૂરના તે દિવસે પડી ગયેલાં ઝાંઝર હતાં જે તેણે જ નુપૂરના પગના વખાણ કરતાં ગિફ્ટમાં આપેલાં. બંને હાથમાં રહેલાં ઝાંઝર ચૂમીને તે બોલી ઉઠ્યો, " હવે તો મારી સાથે લગ્ન કરીશ ને?"