STORYMIRROR

PRAVIN MAKWANA

Classics Inspirational

4  

PRAVIN MAKWANA

Classics Inspirational

કેળવણીના કર્ણધાર : દાસભાઈ

કેળવણીના કર્ણધાર : દાસભાઈ

9 mins
175

દાસભાઈ એટલે ગ્રામદક્ષિણા મૂર્તિ લોકશાળાનું આભૂષણ અને શિક્ષકત્વનું એક ઊંચું શિખર. આપણે સૌ પ્રાથમિકથી લઈને કોલેજ સુધીના શિક્ષણ દરમ્યાન અનેક ગુરુજનો પાસે ઘડાયા છીએ. સૌ ગુરુજનોનો આપણા ઉપર થોડો વધુ પ્રભાવ પડયો છે. કેટલાક ગુરુજનો એવા મળ્યા હોય કે જેઓએ આપણા જીવનને નવી દિશા આપી હોય. જેમનો પ્રભાવ આપણા ઉપર જીવનભર અનુભવાયો હોય. આવો અનુભવ સૌને હોય છે.

માત્ર વિષય શિક્ષકો જ નહીં પણ વ્યાયામ શિક્ષકોનો પણ એક પ્રભાવ હોય છે. મેં એવા તોફાની વિદ્યાર્થીઓને જોયા છે જેને વ્યાયામ શિક્ષકોએ મેદાનમાં સૌની હાજરીમાં તે વિદ્યાર્થીને તોફાન કરવા બદલ એકથી વધુ વાર ફટકાર્યો હોય એજ તોફાની વિદ્યાર્થી દસ પંદર વરસ પછી એ વ્યાયામ શિક્ષકને અચાનક ક્યાંક મળી જાય ત્યારે ચરણસ્પર્શ કરીને ધન્યતા અનુભવતો હોય. પાછો કહે પણ ખરો કે "સર !તમે જો મને ફટકાર્યો ન હોત તો હું ગુંડાગીરીમાં ઘણો આગળ વધ્યો હોત !આજે હું જે કાંઈ સુખી છું તે આપના ડંડાને પ્રતાપે છું "તો વિચારો કે જેમને એક ઉત્તમ શિક્ષક પાસે અભ્યાસની તક મળી હોય તેમના જીવનમાં શિક્ષકનું સ્થાન કેટલું ઊંચું હોય ?

ભાવનગર જિલ્લાની પ્રખ્યાત સંસ્થા ગ્રામદક્ષિણા મૂર્તિ આંબલા અને લોકભારતીમાં શિક્ષક -અધ્યાપક તરીકે યાદગાર સેવા આપનાર ઉત્તમ શિક્ષક શ્રી રણછોડદાસ રામાનુજ અમારા એવા શિક્ષક હતા કે જેઓનો પ્રભાવ તેઓ પાસે ભણનાર તમામ વિદ્યાર્થીઓએ ઝીલ્યો છે. આજે તેઓ આપણી વચ્ચે નથી. પણ તેમના હજારો શિષ્યોના હૃદયમાં આજે પણ તેમનો વાસ છે. ગઢડા પાસેનું માલપરા તેમનું જન્મ સ્થાન. અહીં જ પ્રાથમિક શિક્ષણ લીધું. શાળામાં હમેશા પ્રથમ સ્થાને રહ્યા. માધ્યમિક શિક્ષણ માટે ગુજરાતના પ્રથમ હરોળના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ સંચાલિત શ્રી ગ્રામદક્ષિણા મૂર્તિ લોકશાળા, આંબલામાં દાખલ થયા. અહીં જ નાનાભાઈની નજરમાં રણછોડ નામના વિદ્યાર્થીની પ્રતિભાની નોંધ લેવાઈ. વિશેષ અભ્યાસ માટે નાનાભાઈ સ્થાપિત ગ્રામવિદ્યાપીઠ લોકભારતી સણોસરામાં પ્રવેશ લીધો. અહીં પણ પ્રથમ વર્ગમાં પાસ થયા. નાનાભાઈએ પોતાના પ્રિય અને તેજસ્વી વિદ્યાર્થી દાસજીને નવી શરૂ કરેલી લોકશાળા ગ્રામદક્ષિણામૂર્તિ, મણારમાં શિક્ષક તરીકે મૂક્યા.

આ સંસ્થામાં અમને તેમની પાસે બે વરસ અને પછીથી આંબલા સંસ્થામાં એક વરસ અભ્યાસ કરવાનો લ્હાવો મળ્યો. દાસભાઈ એટલે સંપૂર્ણ શિક્ષક. સફળ શિક્ષક થવા માટે જે જે આવડત જોઈએ તે બધી જ દાસભાઈને સ્વાભવિક હસ્તગત હતી. તેઓ સારા કલાકાર, શિલ્પી, ગાયક, વાર્તાકાર, નાટયકાર , હાસ્યકાર અને ઉત્તમ વાચક, ઉત્તમ વક્તા -પ્રવક્તા હતા. અમે તેમના પીરીયડની આતુરતાથી રાહ જોતા. હસતા હસતા ભણાવે અને ભણાવતાં ભણાવતાં હસાવે. પીરીયડ પૂરો થઈ જાય તેનો અમને અફસોસ થાય એટલી હદે વિદ્યાર્થીઓને રસમજ્ઞ કરી દે. તેમની ઉંચાઈ જરા ઓછી પણ શરીર ઘાટીલું. ગોરો વાન,સદાય હસતી હસાવતી આંખો, મધુર કંઠ અને સાફસૂથરાં ખાદીના વસ્ત્રોથી તેઓનું વ્યક્તિત્વ દીપી ઊઠતું. ગુજરાત સરકારે હાઈસ્કૂલમાં કામ કરનાર શિક્ષકોમાટે B. Ed.ની તાલીમ લેવી ફરજિયાત કરી. દાસભાઈએ આ તાલીમ લીધી નહોતી તેથી મોટી ઉંમરે ગુજરાત વિદ્યાપીઠમાં બીએડની તાલીમ લેવા 1966માં ગયા અને ત્યાં પણ પ્રથમ સ્થાને રહ્યા. તેઓ કેવા સફળ શિક્ષક હતા તે એક ઘટનાથી ખબર પડે છે. તેઓ બીએડ કરી આવ્યા અને એ જ વિદ્યાપીઠમાં બીજે વર્ષે 1967માં હું બીએડ કરવા ગયો. મને કોલેજના પ્રિન્સીપાલ શ્રી પુરુષોત્તમભાઈ પટેલ સાહેબે પૂછ્યું. "કઇ કોલેજમાં ભણ્યા છો " "લોકભારતી સણોસરા"મેં કહ્યું. "ગયા વરસે લોક્ભારતીમાંથી રણછોડદાસ રામાનુજ અહીં બીએડ કરવા આવ્યા હતા તેમને ઓળખો છો ?" "સાહેબ!હું તેમની પાસે ચાર વરસ ભણ્યો છું. તેઓ મારા ગુરુજી છે" "તમારા ગુરુજી હતા એ અમારા પણ ગુરુજી બન્યા. અમને તેમની પાસેથી કેમ ભણાવવું એ જાણવા મળ્યું. મેં આજ સુધીમાં આવો પ્રતિભાવાન શિક્ષક બીજો જોયો નથી. તમને તેમની પાસે ભણવાનું મળ્યું તેથી તમે ભાગ્યશાળી છો " "હા સર! દાસભાઈનો અમારી સૌ ઉપર જબરો પ્રભાવ હતો "દાસભાઈની ઉત્તમ શિક્ષક સાથે બીજી ઓળખ એક ઉત્તમ વાર્તા કહેનારની હતી.

શરદપૂર્ણિમાની રાતે સંસ્થામાં દૂધપૌંવાનો સમૂહ કાર્યક્રમ મેદાનમાં થાય પછી,એક પણ બલ્બ વિના ફક્ત ચાંદનીના અજવાળે દાસભાઈની વાર્તા સાંભળવાનો કાર્યક્રમ દર વરસે અચૂક હોય જ. વિદ્યાર્થોઓ સાથે કાર્યકરોના તમામ પરિવારજનો આ વાર્તા સાંભળવા હાજર થાય. આંબલા ગામમાંથી પણ કેટલાક લોકો આવે ! દાસભાઈની વાર્તા એકથી દોઢ કલાક ચાલે. અમે ભણતા ત્યારે દાસભાઈ પાસેથી મેઘાણીની અનેક વાર્તાઓ સાંભળી છે. ચાંદનીમાં શેણીવિઝાણંદ,શેતલને કાંઠે,વીર માંગડાવાળો,ભૂત રૂએ ભેંકાર અને વીર વિક્રમ વગેરે વાર્તા સાંભળવી એક લ્હાવો હતો. સંસ્થાના નિયામક, દિગ્ગ્જ લેખક, કેળવણીકાર અને દાસભાઈના પણ ગુરુ શ્રી મનુભાઈ પંચોલી 'દર્શક'અમારી સાથે મેદાનમાં બેસીને દાસભાઈની વાર્તા સાંભળતા ! અમે ક્યારેક મનુભાઈને વાર્તા કહેવા કહીએ તો કહેતા "મારી કરતા દાસજીને કહો,એમની વાર્તા સાંભળવા હું પણ આવીશ" જોકે દર્શક પણ ખૂબ સરસ વાર્તા કહેતા હતા. દાસભાઈની વાર્તા સાંભળવા બીજી સંસ્થાઓ પણ તેઓને આમન્ત્રણ આપતી.

આંબલા સંસ્થામાં જ તેઓનું નિવાસસ્થાન. તેમનું પ્રસન્નદામ્પત્ય અમારા માટે છાયા જેવું હતું. તેમનાં ચાર રૂપકડાં બાળકો કીર્તિ, અક્ષય, યતીન અને પ્રણવને રમાડવા અમે તેમના ઘરે પહોંચી જતા ત્યારે તેમનાં ધર્મપત્ની રમાબેન તરફથી અમને કંઈકને કંઈક નવી વાનગી પ્રસાદ રૂપે મળી જતી. દાસભાઈ અને રમાબહેનનું દામ્પત્ય અન્ય માટે પ્રેરક હતું. સાંજની સમૂહ પ્રાર્થનામાં જે દિવસે દાસભાઈ ભજન ગાવાના હોય તો અમને સવારથી પ્રાર્થનામંત્રી કહી દે. પોતાનાં બુલંદ મધૂર કંઠે દાસભાઈ "સાંઈ મેં તો પકડી આંબલીયાની ડાળ રે જંગલ બીચમેં મૈ ખડી રે"ભજન જયારે ગાય ત્યારે જાણે સમય થંભી જતો. વાતાવરણમાં જાણે મીરાબાઈ છવાઈ જતાં. લોકગીત,સુગમસંગીત અને ભજન આ ત્રણેયમાં માસ્ટરી!પણ દાસભાઈની ખરી ઓળખ કલાકાર અને વાર્તાકાર તરીકેની. તેઓ જબરા આર્ટિસ્ટ. વાત વાતમાં ચિત્ર ખડું કરીદે.

ભૂગોળ ભણાવે ત્યારે દેશ દેશના નક્શાઓ બોર્ડમાં આબેહૂબ દોરી બતાવે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની લોકશાળાઓનો એક સંઘ છે. આ સંઘ દર વરસે એક શૈક્ષણિક રેલીનું આયોજન કરે છે. તેમાં કોઈ એક વિષયને કેન્દ્રમાં રાખી રેલી થાય. ભાગ લેનાર દરેક લોકશાળા પોતાના પ્રોજેક્ટ વગેરે લઈને આવે અને રજૂ કરે. જે લોકશાળામાં રેલી હોય તે સંસ્થા દાસભાઈને કલા અંગે માર્ગદર્શન માટે અગાઉથી બોલાવી લે.  જ્યાં દાસભાઈ ભણ્યા અને પછી જ્યાં શિક્ષક થયા તેગ્રામદક્ષિણા મૂર્તિ લોકશાળા, આંબલામાં જ 1970માં ઇતિહાસ વિષયની રેલી હતી. આ રેલીમાં દાસભાઈએ ભારતનો પાંચ હજાર વરસનો ઇતિહાસ,પાંચ કાળખંડમાં, પાંચ વિભાગમાં ખડો કર્યો હતો. તેમાં સ્ટેચ્યુઝ અને પ્રાચીન સ્થાપત્યોની પ્રતિકૃતિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવી હતી. પોતે સતત માર્ગદર્શન આપતા રહે. રફ સ્કેચ બનાવી આપે પણ કામ કરવાનું વિદ્યાર્થીઓએ. અજંતા ઇલોરાની ગુફાઓ,તાજમહાલ,સાંચીનો સ્તૂપ,કુતુબમિનાર વગેરે માટીમાંથી બનાવવા માટે 40 ટ્રેકટર ભરીને માટીનો ઉપયોગ કર્યો હતો. હું ત્યારે શિક્ષક બની ગયો હતો અને મારા વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગરથી લઈને આ પ્રદર્શન જોવા ગયો હતો.

ભાવનગર જિલ્લાની મોટાભાગની પ્રાથમિક માધ્યમિક શાળાઓના હજારો વિદ્યાર્થોઓ આ ભવ્ય પ્રદર્શન જોવા 15દિવસ સુધી સતત આવ્યા હતા . આ રેલીની નોંધ ગુજરાત સરકારના શિક્ષણખાતાએ ગાંધીનગર સુધી લીધી હતી. સમાચાર પત્રોમાં રેલી અને દાસભાઈની કલા અંગે નોંધ લેવાઈ હતી. સંસ્થાના સાદગીપૂર્ણ મકાનો પણ દાસભાઈના લોકશૈલીના ચિત્રોથી શોભી ઉઠતાં. તેમના અક્ષરો એટલા સુંદર કે તેવા અક્ષરો કરવાનો અમે પ્રયત્ન કરતા. ડ્રોઈંગ પેપર ઉપર વોટર કલરથી ચિત્રો બનાવે તે અમે જોઈ રહેતા. પછી અમને પણ ડ્રોઈંગ પેપર,કલર અને પીંછીઓ આપે અને ચિત્રો બનાવવાનું કહે. પોતે સતત માર્ગદર્શન આપતા જાય. તેમના ઘણા વિદ્યાર્થોઓ પણ ચિત્રકાર થયા. મને પણ ચિત્ર દોરવાનો રંગ લાગેલો. મેં પણ જ્યાં નોકરી કરી ત્યાં વિદ્યાર્થીઓને ચિત્ર માટે પ્રેર્યા હતા.  લોકભારતીના અધ્યાપકો કાર્યકરોના નિવાસસ્થાન સંસ્થામાં જ હોય. તે સૌમાં દાસભાઈનું ઘર સૌથી નિરાળું લાગે. એક કલાકારનું ઘર કેવું હોય એ જોવા દાસભાઈનું ઘર જોવું પડે. પ્રાંગણમાં સુંદર બગીચો,મકાનની દીવાલો ઉપર સાદાં પણ સુંદર ચિત્રો,ઘરમાં વૃક્ષની ડાળિયોને એવી રીતે સજાવી હોય કે તે એક શો પીસ બની જાય. આ ડાળિયો ઉપર પંખીઓ રીતસર માળા બાંધે !ઈંડા મૂકે અને બચ્ચાં ઘરમાં ઉડાઉડ કરે !

કલાત્મક કુંડા અને પાણીની પરબ ! ઘરની પાછળ છોકરાંઓને રમવા માટે ઘાસ અને વાંસમાંથી બનાવેલી કુટિર! સામે એક ઝૂલો અને વિવિધ ફૂલોથી શોભતી કુટિરમાં સાંજે સૌ કાર્યકરોના બાળકો ધમાચકડી બોલાવતાં મેં જોયાં છે. ઘરની દરેક વસ્તુઓ કલાત્મક રીતે ગોઠવેલી હોય. ઘરનું વાતાવરણ જીવંત લાગે. આપણને અહીંથી ઘણું નવું જાણવાનું મળે.  માધ્યમિક શાળાનો અભ્યાસ આંબલા ખાતે પૂરો કર્યા પછી દાસભાઈ આણંદ ખાતેના કૃષિ ગોવિદ્યાભવનમાં કૃષિવિદનો અભ્યાસ કરવા ગયા અને ફાઇનલ પરીક્ષામાં તા. 6/8/1947ના રોજ પરિણામ જાહેર થતાં પ્રથમ સ્થાને આવ્યા. અહીં એક જીવનભરની યાદગાર ઘટના બની.

દાસભાઈને પ્રથમ આવવા બદલ જે શીલ્ડ અપાયો તે અખંડભારતના શિલ્પી શ્રી સરદાર પટેલના વરદ હસ્તે અપાયો હતો. દાસભાઈ માટે આ ઘટના જીવનભર પ્રેરક બની રહી. તેઓએ ચાલુ સર્વિસે 1973માં,પોતાના અધ્યયન અધ્યાપનના પ્રિય વિષય ઇતિહાસમાં સૌ. યુનિ. માં M. A. કર્યું. આમ અધ્યાપન સાથે અધ્યયન પણ સતત ચાલતું રહ્યું. તેમની શૈક્ષણિક લાયકાત અને અધ્યાપન કૌશલ્યની નોંધ લઈને તેઓને સંસ્થાએ માધ્યમિક શાળાના શિક્ષકમાંથી અધ્યાપન મંદિર,લોકભારતીના અધ્યાપક તરીકે નિમ્યા. અહીં તેઓનું શિક્ષક્ત્વ સોળે કળાએ ખીલી ઉઠયું. અધ્યાપન મંદિરમાં તાલીમ લેવા આવનાર ભાવિ શિક્ષકો હોય. વળી લોક્ભારતીનું અધ્યાપન મંદિર ગ્રાન્ટ પાત્ર હોઈ અને સંસ્થાનું શિક્ષણ ક્ષેત્રે મોટું નામ હોઈ અહીં બોર્ડમાં ઉંચી મેરીટથી પાસ થનારા વિદ્યાર્થોઓ આવતા હતા. આ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં દાસભાઈ વિદ્યાર્થીઓના સ્વયં એક આદર્શ મોડલ બન્યા. પ્રત્યેક તાલીમાર્થી દાસભાઈ જેવો શિક્ષક બનવાની ઈચ્છા રાખતો હતો. આ તાલીમાર્થીઓને

બાલગીતો, વાર્તાઓ, બાલનાટકો, ચિત્રો, પ્રહસનો,પ્રદર્શનો, ભજનો, સુવિચારો, શાળાકીય સુશોભનો વગેરેનું બહુમૂલ્ય માર્ગદર્શન દાસભાઈ પાસેથી મળવા લાગ્યું. દાસભાઈ હવે અનુભવે એક શિક્ષક નહીં પણ એક સંસ્થારૂપ બની ગયા હતા. ભાવનગર જિલ્લાની ભાગ્યે જ કોઈ શાળા એવી હશે જેમાં દાસભાઈની પાસે પીટીસી થયેલા વિદ્યાર્થી શિક્ષક ન હોય. જિલ્લાનું શિક્ષણ સ્તર સુધારવામાં એ રીતે દાસભાઈનો પણ મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. કારણ કે પોતે જ એક અતિ સફળ શિક્ષક !તેમની પાસે ઘડાયેલા શિક્ષકો આજે પણ પોતાની સફળતાનો યશ લોકભારતી સંસ્થા અને ગુરુજનોને આપે છે. આગળ જતા તેમની પાસે તૈયાર થયેલા કેટલાક શિક્ષકોને ગુજરાત સરકારે શ્રેષ્ઠશિક્ષકના એવોર્ડથી બિરદાવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ ખાતાએ સમાજવિદ્યા વિષયના, શાળા કક્ષાના નવા પાઠયપુસ્તક તૈયાર કરવા માટે શ્રી દર્શકને જવાબદારી સોંપી. આ કામ અધ્યયન અને સંશોધન માગી લે તેવું હતું. પોતાના ગુરુજી શ્રી દર્શકે આ કામમાં સહાયરૂપ થવા પોતાના પ્રિય અને તેજસ્વી વિદ્યાર્થી અને અધ્યાપક દાસજીને સાથે લીધા. બંને ગુરુ શિષ્યએ મળીને ગુજરાતના શિક્ષણ જગતને ઉત્તમ કક્ષાના, ધોરણવાઈઝ પાઠયપુસ્તકો તૈયાર કરી આપ્યાં. આ કામમાં દાસજીની કલાદૃષ્ટિ અને સંકલનની સુઝબુઝનો લાભ મળ્યો. તેમની સહાયથી ગુરુ શ્રી દર્શક પ્રસન્ન થયા.

નિવૃત્ત થયા પછી થોડો સમય વતન માલપરાની વાત્સલ્યધામ સંસ્થાના આગ્રહથી સંસ્થામાં સૌને માર્ગદર્શન આપવા રહ્યા. હું રાજકોટથી ભાવનગર જાઉં ત્યારે લોકભારતીમાં અચૂક જાઉં. ગુરુજનોને મળું. હવે દાસભાઈ માલપરામાં હતા. ગઢડા જતા રસ્તામાં આવે. હું તેઓને મળવા આ સંસ્થામાં ગયો. હવે તેમની ઉંમર દેખતી હતી. આંખે મોતિયો ઉતરાવેલો. મેં નમસ્કાર કર્યા ત્યાં મારા અવાજ ઉપરથી ઓળખી ગયા. "આવ વિનુ આવ,એકલો છે કે બધાં આવ્યાં છો ?"અમે બેસીને જૂની વાતો કરી. મને કહે "આ વરસે પણ મારા એક બીજાવિદ્યાર્થીને સરકારે શ્રેષ્ઠશિક્ષકનો એવોર્ડ આપ્યો"મેં કહ્યું,"આપને અભિનંદન,આવા શ્રેષ્ઠ શિક્ષકો તૈયાર કરવા બદલ" "આજ સુધીમાં મારા અનેક વિદ્યાર્થીઓને આ એવોર્ડ મળ્યો છે "તેમણે કહ્યું. મેં કહ્યું :"ગુરુજી !આ એવોર્ડ તો વરસો પૂર્વે આપને મળવો જોઈતો હતો. શિષ્યોને મળ્યો અને ગુરુને ન મળ્યો ?" "અરે મારા ભાઈ !આપણે એવોર્ડ માટે કયાં કામ કરતા હતા ? અને પુણ્યશ્લોક શ્રી નાનાભાઈ ભટ્ટે મને તેમની સંસ્થામાં શિક્ષક તરીકે પસંદ કર્યો તેથી મોટો એવોર્ડ બીજો કયો હોય ? વળી મારા વિદ્યાર્થીઓને એવોર્ડ મળે તે અમને જ મળ્યો ગણાય. મોર તેનાં પીંછાથી શોભે છે. તારી માફક વરસો પહેલા ભણી ગયેલા વિદ્યાર્થીઓ હજી હું જ્યાં હોઉં ત્યાં મળવા આવે છે તેવો મોટો બીજો કોઈ એવોર્ડ હોય ખરો? અને એવોર્ડ મેળવવા એક અરજી કરવી પડે. સરકાર આપે તે ફોર્મ ભરવું પડે, તે પછી એવોર્ડ સમિતિ તેમાંથી નક્કી કરે. સમિતિ તો અરજી અને સાથે મૂકેલી ફાઈલ જોઈને એવોર્ડ આપે છે. સમિતિના સભ્યો કોઈ શિક્ષકને રૂબરૂ બોલાવતા કે મળતા નથી અને તેનું કામ જોવા જે તે સ્કૂલમાં રૂબરૂ જતા પણ નથી. તેઓ તો ફાઈલ જોઈને એવોર્ડ આપે છે. શિક્ષકનું કામ નબળું હોય પણ ફાઈલ સુંદર સજાવટવાળી હોય તો તેને એવોર્ડ મળી જાય ! માટે ભઈલા !એવોર્ડની વાત ભૂલી જાવ. આપણે કામ કર્યું તેનો આપણા આત્માને સંતોષ થયો હોય તો તે જ સૌથી મોટો એવોર્ડ ગણાય"

તેમની વાતો સાંભળ્યા કરવાનું મન થયા કરે. પ્રસન્ન અને નરવા ગરવા દામ્પત્યના છ દાયકા હસતા હસાવતા સુખરૂપ વિતાવ્યા. ચારેય પુત્રો પોતપોતાના વ્યવસાયમાં સ્થિર થયા. બે પૌત્રો વિદેશ સેટ થયા. આશરે 80ની આસપાસ ઉંમરે દાસભાઈએ વિદાય લીધી. શિક્ષણ જગતમાંથી જાણે શિક્ષકત્વનું એક ઊંચું શિખર અદૃશ્ય થયું. આજે નવ દાયકા વટાવી ચૂકેલા, પૂર્ણ સ્વસ્થ પૂજ્ય રમાબા પ્રપૌત્રોને રમાડતાં રમાડતાં જૂના દિવસો યાદ કરી જીવનની ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે. હજારો વિદ્યાર્થીઓને જીવનની સાચી દિશા બતાવનાર અમારા સૌના આદરણીય અને વંદનીય શિક્ષક સ્વ. દાસભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં તેઓને અંતરથી પ્રણામ!પ્રવીણ ગાફેલ


Rate this content
Log in

Similar gujarati story from Classics