PRAVIN MAKWANA

Classics Inspirational

4  

PRAVIN MAKWANA

Classics Inspirational

કેઈન્સ : 'મારા દેહ જોડે ટાઇમ બોમ્બ વીંટાળી દેવાયો છે.

કેઈન્સ : 'મારા દેહ જોડે ટાઇમ બોમ્બ વીંટાળી દેવાયો છે.

6 mins
412


નવા વર્ષનો પ્રારંભ ક્રિસ કેઇન્સ જેવું મનોબળ કેળવવાના સંકલ્પ સાથે કરીએ 

હૃદય રોગનો હુમલો, ચાર ઓપન હાર્ટ સર્જરી, નવ દિવસ બેભાન રહ્યો. હવેનું જીવન વ્હીલ ચેર પર વિતાવશે. ચેરીટી ફંડ માટે કેઇન્સ નિવૃતિ બાદ ૧૦૦૧ કિ.મિ. દોડી ચુક્યો છે. ''મારે રિહેબ માટે રોજના છ કલાક કસરત કરવી પડે છે. ઉદાહરણીય લડત આપીને હું બેઠો થઈશ. શ્વાસ ચાલે છે તે જ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે''

નવા વર્ષના પ્રારંભે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રીસ કેઇન્સે આપણને સૌને મેસેજ પાઠવ્યો છે કે 'તમે જે પ્રાણવાયુ શ્વસી રહ્યા છો તે જ ઇશ્વરે તમને આપેલી સૌથી મોટી ભેટ છે. આપણે એક એક પળ જીવનમાં આનંદ અને અર્થપૂર્ણ રીતે માણીએ, જીવીએ તે જ નવા વર્ષનો સંકલ્પ હોઈ શકે.'

૫૧ વર્ષીય ક્રીસ કેઇન્સને ગત ૧૦ ઓગસ્ટે તે જ્યાં સ્થાયી થયો છે તેવા ઓસ્ટ્રેલિયાના કૈનબેરામાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાતા એવું નિદાન થયું કે 'Aortic disorder ને લીધે આવો હાર્ટ એટેક આવ્યો હતો. હૃદયની ડાબી બાજુથી નીકળતી નસ (મહાધમની)ની અંદરની બાજુનું આવરણ તૂટી જાય અને હૃદય સુધી લોહી પહોંચવામાં જે વિક્ષેપ પડે તેના કારણે જે ખૂબ જ ગંભીર અને ગણતરીની સેકંડોમાં જ મૃત્યુ લાવી શકે તેવો આ હૂમલો હોય છે. એવું કહેવાય છે કે ૧૮ ટકા દર્દીઓનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થાય છે. જો તેઓની Aortic disorderના હુમલાના૨૪ કલાકમાં સર્જરી ન કરવાના આવે તો તેમાંના ૨૧ ટકા દર્દીઓનું મૃત્યુ થાય છે.

જેઓ પર હૂમલાની માત્રા અતિ તીવ્ર હોય તેવા દર્દીઓએ તે પછીના પાંચથી દસ વર્ષ ખૂબ જ સાચવીને રહેવાનું છે. જો કે ક્રીસ કેઇન્સને ટાઈપ 'એ'Aortic disorderનું નિદાન થયું જેના ૫૨ ટકાથી ૯૧ ટકા દર્દી ૧ વર્ષઅને ૪૫થી ૮૮ ટકા દર્દી પાંચ વર્ષ જ જીવી શકે તે કેટેગરીમાં તે આવી ગયો છે. દસ લાખ નાગરિકોમાં સરેરાશ પાંચ ને 'એ' ટાઇપ સ્થિતિ હોય છે.

કેઇન્સ તેના પુત્રોને સવારે શાળાએ મુકીને ઘેર પરત આવ્યો અને ઉલટી થવા સાથે તેના પર તીવ્ર હૃદયરોગનો હુમલો થયો. કેઇન્સને તાબડતોબ ફ્લાઇંગ ઇમરજન્સી વિમાનમાં સીડનીની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની જીવીત રહેવાની પાંચ ટકા આશા વચ્ચે તેના પર એક, બે ત્રણ નહીં ચાર ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. ડોક્ટરની ટીમે 'રેરેસ્ટ ઓફ રેર' દરજ્જાની આવી શ્રેણીબધ્ધ સર્જરી દરમ્યાન તેના પગની નસ મોટા પ્રમાણમાં લઇ લીધી અને તેનાંથી હૃદયની ડાબી બાજુની નળીની અંદરની બાજુના આવરણને રફુ કરતા હોય તેમ સાંધ્યું.

પણ આ એકમાત્ર બચવાના ઉપાયનું જે જોખમ લગભગ શતપ્રતિશત હતુ તે તો બનીને જ રહ્યું. તેની આ રીતે મોટી માત્રામાં નસ લઇ લેવાથી ઓપરેશન ટેબલ પર જ કરોડના મણકાઓ પર લકવાનો હુમલો થયો. પગની નસો અને સ્નાયુ તો હૃદયની મહાધમનીને તેમનું અંગદાન કરી ચૂક્યા હતા. તેમાં આ હુમલો થતા હૃદય તો ધબકતુ થયું છે પણ ડોક્ટરોએ તેને હોસ્પિટલમાંથી નવ દિવસ બાદ રજા આપતા સ્પષ્ટ કહી દીધું છે કે 'જે પણ જીવન મળ્યું છે તેને ઇશ્વરની ઇચ્છા તમારૂ આયુષ્ય થોડી લંબાવવાની છે તેમ માનીને બાકીનું જીવન વીતાવજો. અને હા... તમારે તમારું બાકીનું જીવન વ્હીલ ચેર પર જ વીતાવવું પડે તેવી તૈયારી રાખવી પડશે. તમારા કમરના નીચેનો ભાગ મહ્દઅંશે નિષ્પ્રાણ થઇ ચૂક્યો છે. મનોબળ સાથે પુન:સ્થાપન (રીહેબ) પ્રોગ્રામમાં તમે કઇ રીતે બેઠા થાવ છો તેનો આધાર તમારી પર છે.'

કેઇન્સે કહ્યું કે 'હોસ્પિટલમાં નવ દિવસ મારી જોડે શું થયું તેની મને ખબર જ નથી. મેં સાંભળવાની જીદ કરી એટલે મારી પત્ની મેલાનીની હાજરીમાં ડોક્ટરની ટીમે મને વીતેલી પ્રત્યેક પળથી માહિતગાર કર્યો.' કેઇન્સે કહ્યું કે મને એટલું યાદ છે કે મારા મસ્તિષ્કમાં લોહી પહોંચે એટલે મને ખાસ પટ્ટા પહેરાવી સ્ટ્રેચરમાં સૂવાડાયો હતો અને તે સ્ટ્રેચર ચગડોળની જેમ ઘડીમાં મારૂ માથુ નીચે તરફ આવે અને ઉપર તરફ જાય તેમ તેને ફેરવતા હતા.

કેઇન્સ કઇ રીતે શારિરીક અને માનસિક રીતે ઝઝૂમી રહ્યો છે તે જાણવા માટે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જ નહીં યુરોપના પ્રસારણ માધ્યમો તેના ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. કરી રહ્યા છે. વિશ્વના લાખો દર્દીઓ માટે તે પ્રેરણામૂર્તિ તરીકે ઉભરી આવ્યો છે.

કેઇન્સ કહે છે કે કિશોરવયથી ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે અને તે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે મારી પ્રતિભાને જાળવી રાખવા અને બહાર લાવવા જે શ્રમ કર્યો છે તેના કરતા વધુ શ્રમ મારે વ્હીલચેર પરથી બેઠા થવા તેમજ બંને હાથના આંગળીઓના સ્નાયુઓને સક્રિય કરવા માટે કરવાનો છે. સર્જરીના ૧૦ અઠવાડિયામાં જે મેં ક્રમશ: પુન: સ્થાપન સેન્ટરમાં કસરતો વ્હીલચેર પર બેઠા રહીને કરી છે તે હદે વર્તમાન કોઈ ખેલાડીએ તેના ટ્રેનિંગ સેન્ટર કે ક્રિકેટ શ્રેણી દરમ્યાન નહીં કરી હોય. ક્રમશ તેણે ઝીરો ગ્રેવિટીમાં રહી શકાય તેવા સ્વિમિંગ મળીને રોજના છ કલાક કસરત કરવાની રહે છે. કેઇન્સ કહે છે કે મે મારા ઘરને રીહેબિલેશન અને ફિટનેસ સેન્ટરમાં જ ફેરવી દીધું છે. મારા સંતાનો સાથે બેટ કે બોલની ગ્રીપ પકડતા શીખું છું. બે આંગળી ટટ્ટાર થાય ત્યાં ત્રણ આંગળી વળેલી હોય છે. થોડી મીનીટોમાં ઉઘડેલી બે આંગળીઓ પણ બીડાઈ જાય છે. કમરની નીચેનો ભાગ તો સહેજ પણ સહકાર નથી આપતો પણ શૂન્યસંવેદના છતા તેને કસરત કરાવતો રહું છું.

કેઇન્સ ભગવાનનો, ડોક્ટર્સ ટીમ, તેના શુભેચ્છકોનો આભાર માનતા કહે છે કે વ્હીલ ચેર પર ભલે આખુ જીવન વીતાવવું પડે પણ હું શ્વાસ તો લઇ શકું છું ને. હું મારા પરિવાર મિત્રો અને પ્રકૃતિ બધુ જ અનુભવી શકું છું. હું થોડા મહિનાઓ પછી વ્હીલચેરને સાથે રાખીને મનગમતા પ્રવાસન સ્થળોએ જઇશ. એ બધું જ બાજુમાં મૂકી દઇએ તો પણ પૃથ્વી પર મારૂ હયાત હોવું ઉજવણી જ છે ને. કેઇન્સ કહે છે કે ક્રિકેટરની કારકિર્દી દરમ્યાન ઇજા થતી ત્યારે હાડકા કે સ્નાયુની ઇજામાંથી વધુને વધુ છ અઠવાડિયામાં સ્વસ્થ થઇને મેદાન પર ઉતરી જતો પણ આ ઇજામાંથી બેઠા થવાની કોઈ સમયમર્યાદા નથી,  આખી જિંદગી વ્હીલચેર પર વીતાવવાનું મનોબળ કેળવી જ લીધું છે. પણ સાથે કોઇએ ન આપી ન હોય તેવી લડત આપીને સ્નાયુઓને નસને ફરી જીવંત કરીને જંપીશ તેવા નિર્ધાર સાથે કસરત કરતો જ રહીશ.

કેઇન્સ બધાને કિશોરવયથી જ આજીવન ખેલાડી જેવી ફિટનેસ કેળવવાની સલાહ આપે છે. તે કહે છે કે હું ખેલાડી છું તેથી જ જીવંત રહી શક્યો છું. જેવી રીતે ક્રિકેટમાં ઇજા પછી ફરી શાન સાથે દેખાવ કરવા માટે ઉતરતો તે મનોબળ જ મને અને હોંસલો અત્યારે મદદ કરે છે. કેઇન્સ તેના જેવી અવસ્થામાં આવી પડેલ તમામને પ્રેરણા પૂરી પાડતા કહે છે કે તમને નિયતિએ જે સ્થિતિમાં મૂક્યા છે તેનો સ્વીકાર કરી લો અને તેની સાથે જ તેમાંથી બેઠા થવા માટે જબરજસ્ત લડત આપો. મેં વ્હીલચેર સાથેના જીવન માટે તેની જોડે શાંતિ મંત્રણા કરીને તેને દોસ્ત બનાવી દીધી છે.વ્હીલચેર ન હોત તો શું થાત.

જે પરિસ્થિતિ છે તેની સામે લડત આપ્યા વગર સ્વીકારી લેવી તે સૌથી આસાન હોઇ મોટાભાગના વ્યક્તિઓ તેમ જ કરતા હોય છે.હું ખેલાડી રહી ચૂક્યો હોઇ મારી પાસે ઈજા ખરાબ ફોર્મ અને ટીકા છતાં ફરી જોરદાર દેખાવ માટે ફીટનેસ મેળવવાના અને મક્કમ મનોબળના ગુણો છે.મોટાભાગના લોકો પાસે ક્ષમતા તો છે પણ જીજીવિષા કે લડત આપવા માટેનું પ્રેરક બળ કે ખેલાડી અને સૈનિક જેવી શિસ્ત નથી. કેઈન્સ કહે છે કે 'કોઈના પરના અવલંબન કે આધાર વગરનું જીવન જ ખરી આઝાદી છે. 'ફ્રીડમ ઇઝ ઓક્સિજન ઓફ સોલ (આત્મા)'

છ ફૂટ બે ઇંચ ઊંચા અને ફિટનેસ તેમજ દેહ સૌવનું જેના માટે ઉદાહરણ અપાતું તેવા કેઇન્સની ૧૯૮૯થી ૨૦૦૬ના વર્ષો દરમ્યાન ક્રિકેટ વિશ્વમાં ધાક હતી. રિચાર્ડ હેડલી પછીનો ન્યુઝીલેન્ડના ઇતિહાસનો તે મહાન ઓલ રાઉન્ડર મનાય છે.  ફિટનેસ અને હૃદયના સ્વાસ્થ્યને જોડવાની ભૂલ ન કરવી, નિયમિત ચેક અપ કરાવવું તેવો મેસેજ કપિલ દેવથી માંડી કેઇન્સ પરના હાર્ટ એટેક આપણને આપે છે. કેઇન્સની બહેનનું ૧૯૯૩માં રેલ અકસ્માતમાં નિધન થયું હતું. ૨૦૦૬માં કેઇન્સે નિવૃતિ બાદ રેલ અકસ્માત પીડિત પરિવારો માટે સહાય ટ્રસ્ટ ઉભુ કર્યું છે જેનું ફંડ એકઠું કરવા તે ન્યુઝિલેન્ડમાં ૧૦૦૧ કિ.મિ. જેટલું દોડી ચુક્યો છે.આવી ફિટનેસ છતાં તેને એટેક આવ્યો. 

કેઇન્સ લાચારી અને પીડા સાથે રોજના છ કલાક થકવી નાંખતી કસરત કરે છે.તેના નિર્જીવ જ્ઞાાનતંતુઓને જાણે કઠિન તપશ્ચર્યાથી રીઝવવાનો પ્રયત્ન કરે છે. ડોકટરો દ્વારા કેઇન્સને તેનું આયુષ્ય બહુ લંબાયું છે તેવો કોઈ ખોટો દિલાસો નથી અપાયો. કેઇન્સ કહે છે 'મારા દેહ જોડે ટાઇમ બોમ્બ વીંટાળી દેવાયો છે. ટિક ટિક ચાલુ છે..જોઈએ ક્યારે વિસ્ફોટ થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics