કાવતરું
કાવતરું
'વત્સલ... વત્સલ...' બૂમો પાડતી વત્સલની મમ્મી હિંચકા તરફ દોડી. વત્સલના પપ્પા નિકેતને નિકીતા સામે અણગમાથી જોયું. નિકીતા વત્સલને પાછો લાવી બાંકડે બેઠી. નિકીતાએ પાણી પીધું, ને વત્સલને પણ પાયું.
થોડી વાર પછી...
નિકીતા: મારો તો શ્વાસ ઊંચો થઈ ગ્યો'તો.
નિકેતન: ગમે તે થાય, પણ જાહેર સ્થળે આવી રીતે રાડ પાડવાની ?
નિકીતા: પણ ત્યારે એવી રીતે ઊંધો લટકતા વત્સલને જોઈને...
નિકેતન: તો શું થયું, એટલે બૂમો પાડવાની ? ચાલો ઘરે, આવી રીતે વર્તન કરવું હોય તો ઘરની બહાર જ નહી આવવાનું, સમજી ગયા મા-દીકરો બંને.
વત્સલ : પપ્પા, થોડી વાર રમીએ ને ?
નિકેતન: ના, ના પાડીને એકવાર.
***
ઘરે આવી ગયા પછી.
નિકેતન: નિકીતા....નિકીતા....
વત્સલ: પપ્પા, તમે તો રાડ પાડી.
નિકેતન: ઘરે ચાલે, ત્યાં જાહેર સ્થળે નહીં સમજ્યો.
નિકીતાએ થાળી ગોઠવી દીધી. નિકેતન જોઈ રહ્યો. નિકેતન વિચારમાં પડી ગયો કે કેટલી તૈયારી કરીને ગઈ હશે કે મને એટલીવારમાં જમવાનું મળી ગયું.! નિકીતાએ વત્સલને જમાડતાં કહ્યુ કે જમવાનું ચાલું તો કરો. નિકેતન ચૂપચાપ જમીને ફલાઈટનો સમય થતા વિદેશ જવા નીકળી ગયો.
***
નિકીતાએ વિચાર્યુ કે મોલમાં જાઉં. વત્સલને ત્યાં ગેમઝોનમાં ગમશે. મા-દીકરો ગેમઝોનમાં જઈ આવ્યા પછી ફાસ્ટ ફૂડ શોપમાં વત્સલ જ્યુસ અને પોતે કોફી પીતાં બેઠાં હતાં. અચાનક જ ખૂણામાંથી જાણીતો હસવાનો અવાજ કાને પડ્યો. પોતાના કાન પર વિશ્વાસ ન આવતાં એ બાજુ નજર કરી તો.... નિકેતન કોઈ છોકરી જોડે બેઠો હતો. વત્સલ પપ્પાની બૂમ પાડવા જતો જ હતો કે પપ્પાની જાહેર સ્થળવાળી વાત યાદ આવતાં ચૂપ થઈ ગયો.
નિકીતાએ સાંભળ્યું....
નિકેતન : મારી પત્નીને છૂટાછેડા આપવા કરતાં મારી નાખવી જ ઉત્તમ છે, તો જ એની મિલ્કત આપણને મળશે.
પેલી છોકરી : તારે જે કાવતરું ઘડવું હોય, એ ઘડ. તું વાણીનો જાદુ ફેલાવી, તારી પત્નીનું કાસળ કાઢી નાખ કે નિકીતાને છુટાછેડા આપ. તારે જે કરવું હોય, એ તારી જવાબદારીએ ઝડપથી કરજે. હું તો માત્ર તારી સાથે લગ્ન કરી હંમેશા માટે વિદેશ જવા માગું છું.
નિકેતન: ઓકે ...અત્યારે હું ત્રણ દિવસ તારી સાથે જ છું, પછી કંઈક કરું છું.
*****
નિકીતા ફટાફટ વત્સલને લઈને ઘરે આવી ગઈ. નિકીતાને થોડાં સમયથી પતિનું બદલાયેલું રુપ હવે સમજમાં આવી રહ્યું હતું. પોતે ખોટી જગ્યાએ લાગણી અને પ્રેમ ઢોળ્યો. નિકીતા રડીને બેસી રહેવા કરતાં મક્કમ નિર્ધાર સાથે અગત્યના કાર્યોમાં લાગી ગઈ. નિકીતા એક ભણેલી-ગણેલી છોકરી હતી. નિકીતાએ ફટાફટ ત્રીજા દિવસની બપોરની ટિકિટ બુક કરી. તાત્કાલિક વીઝા કરાવ્યા. નિકીતાએ બેંકમાં જઈને એકાઉન્ટમાં નોમીની બદલવા જેવી જરુરી વિધિ તથા લોકર બંધ કરાવી દાગીનો રોકડ લઈ વિદેશ જવાની તૈયારી કરી લીધી.
નિકીતા મનમાં જ બોલી કે થોડો ખર્ચ વધારે થયો, પણ વાંધો નહી, મને વત્સલ અનાથ થતા બચી ગયાનો સંતોષ છે. હું મરી જાત, તોપણ વત્સલને પપ્પાનો પ્રેમ કે સમય મળવાના નથી જ. નિકીતાએ ઘરના મંદિરમાં જઈ ઈશ્વરનો આભાર માન્યો કે તમે સમયસર અમારી મા- દીકરાની જીંદગી બચાવી લીધી.
નિકીતાએ પ્રોપર્ટી ડીલરને કહી 'આ બંગલો વેચવાનો છે' એવું બોર્ડ પણ લગાવી દીધું. એક એકાઉન્ટ નોમીની બદલાવીને એટલે જ રાખ્યું હતું કે આ બંગલાના વેચાણ પેટે જે રોકડ કે ચેક આવે, એ જમા કરાવી શકાય. ત્રીજા દિવસે નિકીતાએ રડતી આંખે, વલોવાતા હૈયે, શૂન્યમનસ્ક નજરે, ધીમી ચાલે ટેક્સી તરફ આગળ વધી. વત્સલે મમ્મીનો હાથ પકડ્યો કે તરત જ નિકીતા વિચારોમાંથી બહાર આવી, બંગલા પર છેલ્લી નજર નાખી, વહાલસોયા વત્સલને ચુંબનોથી નવડાવી દીધો. નિકીતા મક્કમ થઈ ગઈ. ટેકસીડ્રાઈવરે ફટાફટ સામાન ટેક્સીમાં ગોઠવી દીધો.
એરપોર્ટ પહોંચતા સૂધીમાં નિકીતા સ્વસ્થ થઈ ગઈ, એટલું જ નહી, પોતે વત્સલને કહી દીધું કે મનભરીને જોઈ લે, આ હતી આપણી જન્મભૂમિ. હવે ઓસ્ટ્રેલિયા બનશે આપણી કર્મભૂમિ. વત્સલ સમજ્યો કે નહી, ખબર નહીં, પણ પોતે પોતાની જાતને તૈયાર કરી લીધી.
******
નિકેતન બંગલાની બહાર ઊભો છે. નિકેતન હજી વિચારે છે કે નિકીતાએ મારી સાથે કાવતરું કર્યું ? પેલી છોકરી પણ સાથે આવી હતી. બંગલાને જોતા જ ખુશ થઈ ગઈ, પણ બંગલાની બહાર "આ બંગલાને વેચવાનું છે." -બોર્ડ જોતા જ નિકેતનને છોડીને જતી રહી. અને કહેતી ગઈ કે "નિકેતન, મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો છે." (ઈશ્વર કે જેણે નિકીતાને મોલમાં જવાનો વિચાર આપ્યો)
