કાળી રાતની સવાર
કાળી રાતની સવાર
કાળી રાતની સવાર
મુંબઈ શહેર સૂઈ ગયું હતું, પણ એ રાત જાગતી હતી. આકાશે કાળો કામળો ઓઢી લીધો હતો અને રસ્તાઓ પર પવનના ઝોકા જાણે કોઈ અજાણી ચેતવણી ફૂંકતા હતા. એ રાત સામાન્ય નહોતી, આજે કંઈક મોટુ થવાનું હતું।
એક ઘેરી અંધારી પળમાં મુંબઈ શહેરની અંધારી આલમનો બેધડક બાદશાહ મિર્ઝા સુલેમાન પોતાનું સામ્રાજ્ય ચલાવતો શહેર ની મધ્યમાં બેઠો હતો. લોકો તેને “ડોન” કહેતા, પરંતુ અંધારી આલમણાં બજારમાં તેના માટે એક જ નામ ગુંજતું—સુલેમાન સાહેબ.
તેની દુનિયામાં એક જ કાયદો હતો—ભરોસો જાળવો… અથવા જીવવા ની ઈચ્છા રાખો નહિ।
મહિમ ના દરિયા કિનારે જૂના અવરુ ડોકયાર્ડ પાસેનું જર્જરિત ગોદામ તેની સત્તાનું કેન્દ્ર હતું. બહારથી તે સૂકી માછલીનું ગોદામ લાગતું. લોકોને એ બિનજરૂરી લાગતું, પરંતુ અંદરથી તે અનેક રહસ્યો અને ગેરકાયદેસર સોદાઓનું જીવંત કેન્દ્ર હતું.
પોલીસ માટે એ જગ્યા હજી પણ એક અજાણ્યો પ્રશ્ન હતી, પરંતુ ગુનેગારો માટે તે એક તીર્થસ્થળ સમાન હતું।
આજની રાતે મિર્ઝા પોતાની પતરા ની કેબિનમાં બેઠો હતો. હાથમાં સળગતી સિગાર, અને આંખોમાં એક અજાણી બેચેની. અચાનક તેણે શાંત અવાજમાં પૂછ્યું—
“રફીક ક્યાં છે?”
સામે ઉભેલો માણસ ધ્રૂજી ઉઠ્યો.
“સાહેબ… રફીક સાંજ થી ગાયબ છે… અને માલ પણ…”
એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. જાણે સમય જ થંભી ગયો હોય. પછી મિર્ઝાના હોઠ પર ધીમું સ્મિત આવ્યું. તે બોલ્યો—
“માલ લઈ જનાર સવારનો સૂરજ નહીં જુએ… અને ભરોસો તોડનાર જીવતો રહેવા લાયક જ નથી।”
એ જ સમયે શહેરના બીજા છેડે ભાયખલ્લા ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર સંજય રાઠોડ પોતાની ટીમ સાથે તૈયાર થઈ રહ્યા હતા. મહિનાઓથી તેઓ મિર્ઝાને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ દરેક વખતે મિર્ઝા એક પગલું આગળ નીકળી જતો. આજે તેમને ચોક્કસ માહિતી મળી હતી.
—આજ રાતે મિર્ઝા ગોદામમાં હશે. આ માહિતી આપનાર રફીક જ હતો।
સંજયની આંખોમાં વિશ્વાસ હતો. “આજ રાતે રમત પૂરી,” તેણે ટીમને કહ્યું।
મધરાત થતા જ ગોદામ ચારેબાજુથી પોલીસ દ્વારા ઘેરી લેવાયું. અંદર મિર્ઝાએ CCTV પર બધું જોઈ લીધું હતું. તેના માણસે કહ્યું—“સાહેબ, પોલીસ આવી ગઈ છે।” મિર્ઝા શાંત રહ્યો, પછી સ્મિત કરીને બોલ્યો—
“તો ચાલો… રાહ કેમ જૂવો છો,મહેમાનોનું સ્વાગત કરો ।”
આગળની પળોમાં ગોળીઓના અવાજથી મહિમ બંદર ગાહ ની શાંતિ ચીરાઈ ગઈ. ધુમાડો, ચીસો અને ગભરાટ વચ્ચે સંજય અને તેની ટીમ ગોદામમાં ઘૂસી આવી.
તેમની નજર સીધી મિર્ઝા પર પડી।
“ગેમ ઓવર, મિર્ઝા!”
સંજય ગર્જ્યો।
પરંતુ...મિર્ઝાની આંખોમાં અજબ શાંતિ હતી.
બચ્ચું...
“ગેમ તો હવે શરૂ થઈ છે, ઇન્સ્પેક્ટર…સંજય ”
એટલામાં જ અચાનક લાઈટ બંધ થઈ ગઈ. અંધકારમાં એક ગોળીનો અવાજ આવ્યો… પછી ફરી શાંતિ છવાઈ ગઈ।
જ્યારે લાઈટ પાછી આવી, ત્યારે ગોદામ ખાલી હતું. મિર્ઝા ગાયબ હતો. આસપાસ માત્ર સૂકી માછલીઓના થેલા પડેલા હતા.
—ન કોઈ માલ, ન કોઈ માણસ. જમીન પર એક સિગારેટ ધીમે ધીમે સળગી રહી હતી।
ત્યાં સંજયના પેજર પર એક મેસેજ આવ્યો—“Rafiq is no more.”
બહાર વરસાદ શરૂ થયો હતો. સંજયે સિગારેટ ઉઠાવી અને આંખોમાં કઠોરતા સાથે ધીમે બોલ્યો—“મિર્ઝા… આજે તું બચી ગયો… પણ હવે આ લડાઈ કાયદાની નથી… આ હવે વ્યક્તિગત છે।”
શહેર તો પહેલેથી જ સૂઈ ગયું હતું…
પણ એ કાળી રાતનો કારોબાર ચાલુ હતો, હિસાબ બાકી હતો અને સવાર,હજી ખુબ દૂર હતી।
કારણકે સંજય નું કામ હજુ બાકી છે.....
ક્રમશ:. …..
