પરોઢ
પરોઢ
પરોઢ.
સાંજનો સમય હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે અસ્ત તરફ સરકી રહ્યો હતો. પાર્કની એક જૂની બેંચ પર સુમન શાંતિથી બેઠો હતો. સામે બાળકો રમતા હતા, લોકો ફરતા હતા… પરંતુ તેની નજર તો ક્યાંક દૂર, પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી.
આજે તેની નિવૃત્તિનો પહેલો દિવસ હતો.
છત્રીસ વર્ષ સુધી ઓફિસ, જવાબદારીઓ, સમયમર્યાદા અને દોડધામમાં જીવન પસાર થઈ ગયું હતું. નિવૃત્તિએ અચાનક સમય આપ્યો… અને સુમનને લાગ્યું કે જીવનની સાચી ફિલ્મ તો હવે જ શરૂ થઈ રહી છે.
તેના મનમાં વિચાર ઉઠ્યો —
“યુવાનીમાં હંમેશા આગળ જ જોયું… વધુ પૈસા, વધુ સફળતા, વધુ કામ. પ્રમોશનની દોડમાં ક્યારેય પાછળ વળી ને જોયું જ નહીં કે રસ્તામાં શું શું છૂટી ગયું.”
તેને યાદ આવ્યું…
પિતાનો એ દિવસ, જ્યારે તેમણે કહ્યું હતું —
“બેટા, થોડી વાર મારી સાથે બેસ.”
પણ સુમનનો જવાબ હતો —
“હવે સમય નથી, પછી વાત કરીશ.”
અને એ “પછી” ક્યારેય આવ્યું જ નહીં.
માતાની મીઠી ચા, પત્નીની રાહ જોતી આંખો, દીકરાના સ્કૂલના કાર્યક્રમ… અનેક ક્ષણો તેના હાથમાંથી નિશબ્દ સરકી ગઈ હતી.
પાર્કમાં રમતા એક નાના બાળક પર તેની નજર પડી. બાળક દોડી ને પિતાને ચાંપતો હતો. પિતા હસીને તેને ઊંચકીને ગળે લગાવતા હતા.
સુમનના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ આંખોમાં અજાણી ભીનાશ તરબોળ થઈ ગઈ.
તેણે પોતાના મનને ધીમેથી કહ્યું —
“જીવનમાં આગળ વધવું સારું છે…
પણ ક્યારેક થોભીને પાછળ વળી ને જોવું પણ જરૂરી છે.
કારણ કે એ રસ્તામાં જ તો આપણા સાચા લોકો અને સાચી ક્ષણો ઉભી હોય છે.”
નિવૃત જીવનના પહેલા દિવસનો સૂર્ય સંપૂર્ણ અસ્ત થઈ ગયો હતો.
પણ સુમનના હૃદયમાં તો જીવનના નવા અધ્યાયની પરોઢ થઈ ચૂકી હતી.
તે બગીચાની બેંચ પરથી ધીમે ઊભો થયો.
આ વખતે તેણે નક્કી કર્યું —
હવે આગળ વધશે…
પણ સાથે સાથે અતીતમાં પાછું વળી ને જોવાનું ક્યારેય ભૂલશે નહીં.
અને આમ
“સૂર્યાસ્ત માત્ર દિવસનો અંત હતો,
પણ સુમન માટે એ ક્ષણે જ અતીતના અંધકાર ને ચિરતી, તેના જીવનની પરોઢ બની ચુકી હતી .”
હાઈકુ ....
સાંજનો સૂર્ય,
પાછું વળી જોયું ત્યારે —
હૃદયમાં પરોઢ. 🌅
