પાલવડે બાંધી પ્રીત
પાલવડે બાંધી પ્રીત
પાલવડે બાંધી પ્રીત
અરબી સમુદ્રના ઉછળતા મોજાં વચ્ચે એક સમય એવો હતો, જ્યારે મકનસિંહનું નામ પવન સાથે ગુંજતું હતું…
મકનસિંહ, પુરા છ ફૂટ ઊંચો, સીસમ જેવો કાળો, પુરી છપ્પન ઇંચની છાતી અને ગજવેલ જેવા બાવડા. એ હતો સમુદ્રનો ખૂંખાર ચંચિયો, લૂંટારો… પણ એક નોખો ભડવીર. East India Company ની “કંપની સરકાર” માટે એ Most Wanted અપરાધી હતો, કારણ કે એ ફક્ત તેમના જ ખજાનાભર્યા વહાણોને લૂંટતો. ગરીબ માછીમારો, ખેડુતો અને ત્રાસમાં જીવી રહેલા લોકોને એ ક્યારેય હાનિ પહોંચાડતો નહોતો.ઉલટું, લૂંટેલી દોલતનો મોટો હિસ્સો એ ગરીબોમાં વહેંચી નાખતો. સમુદ્ર જેટલો બેફામ, પણ દિલથી ન્યાયી—લોકોની નજરે એ લૂંટારો નહોતો માત્ર, એ ગુલામી સામેનો જીવતો વિદ્રોહ હતો.
એક અમાસની વરસાદી રાત…હતી,
તોફાની પવન, વીજળી અને વરસતા વરસાદ વચ્ચે મકનસિંહનું વહાણ મધદરિયે કંપનીના વેપારી જહાજ પર તૂટી પડ્યું.
તલવારોની ટક્કર, આગની લપટો અને ચીસો વચ્ચે—એની નજર એક ગભરું ચહેરા પર અટકી.
કાંતા.
સફેદ વસ્ત્રમાં, તે છોકરી ડરી ગઈ હતી…
પણ એની આંખોમાં અજબ શાંતિ તરવરતી હતી.
“એ છોકરી… તું કોણ?”
“કાંતા…
હું બાપુને મળવા સુરત જઈ રહી હતી…”
એ પળે મકનસિંહની તલવાર નીચે આવી ગઈ.
એણે પહેલીવાર કોઈની આંખોમાં ડર સાથે હિંમત પણ જોઈ હતી.
કાંતાને એણે કેદી તરીકે નહિ…
પણ પોતાના વહાણ પર મહેમાન બનાવી રાખી.
દિવસો પસાર થયા…
ઉગતા અને અથમતા સૂરજ વચ્ચે, સમુદ્રની લહેરો સાક્ષી બની—
પ્રેમના બીજ શાંતિથી ઉગવા લાગ્યા.
કાંતા રોટલા ઘડતી…
મકનસિંહ અને તેના સાથીઓને જમાડતી.
ક્યારેક નવરાશના પળે પૂછતી—
“મકન, તું આ લૂંટ કેમ કરે છે?”
મકનસિંહ મૂંછ મરડી હસતો—
“આ કંપની કાયદાના નામે પ્રજાને લૂંટે છે…
હું બળવો કરીને એમને લૂંટું છું.”
એક ચાંદની રાત…
સમુદ્ર શાંત… શીતળ પવન મધમધતો.
મકનસિંહ જહાજના મોરે બેસી જાળ નાખી મોટી માછલી જાળમાં પકડાય તેની રાહ જોતો હતો.
ત્યાં કાંતા આવી…
એના હાથમાં લાલ મજીથથી રંગેલી ચુનરી.
“મકન…”
“આટલી રાતે? શું થયું?”
“આજે હું તને કંઈક આપવા આવી છું…”
મકનસિંહ હસ્યો.
તારી પાસે આપવા જેવું શુ બાકી છે?.
“તારી દોલત તો હું પહેલેથી લૂંટી ચુક્યો છું…”
કાંતા નજીક આવી…
અને તેણે
ચુનરી ખોલી…
અને ધીમે ધીમે ચુનરી થી મકનના માથા પર પાઘડી બાંધવા લાગી.
મકનસિંહ સ્તબ્ધ થઈ ગયો.
“આ માત્ર તારી પાઘડી નથી…” કાંતા બોલી,
“હવે તારે માથે રહેલી પાઘડી મારી ઇજ્જત છે…
મારો વિશ્વાસ…
અને મારી પ્રીત.”
એણે અંતિમ ગાંઠ બાંધી.
આકાશનો ચાંદ અને સમુદ્રની લહેરો સાક્ષી રહ્યા હતા
અને
કાન્તા એ મનોમન મકનસિંહને પોતાનો ભરથાર માની લીધો.
પગ છૂઈ.. મનોમન બોલી
“પાલવડે બાંધી પ્રીત…”
હે સાગર દેવ ચુનરીની સદા કાળ લાજ રાખજે...
એ પળે—
કંપની સરકારને હરાવનાર લૂંટારો મકનસિંહ…
પ્રેમ સામે હારી ગયો.
પણ સમુદ્ર લાંબા સમય સુધી શાંત રહેતો નથી…
British Royal Navy એ મકનસિંહનું પગેરું પકડ્યું.
દરિયાઈ યુદ્ધ શરૂ થયું.
તોફાની મોજાં, તોપના ધડાકા, આગ…
મકનસિંહ હિંમતથી લડી રહ્યો હતો—
હવે એની લડાઈ ફક્ત પ્રજા માટે નહિ…
પણ કાંતા માટે પણ હતી.
આખરી ક્ષણ આવી…
“કાંતા! તું આ નાની નાવમાં બેસીને ભાગી જા!”
કાંતા રડી પડી—
“મારા પ્રીતમ… તને બાંધેલી પાઘડી લોખંડથી પણ મજબૂત છે…
હવે આ પ્રીત કેવી રીતે છોડું?”
મકનસિંહએ એની આંખોમાં જોયું…
અને માથા પરની ચુનરીને સ્પર્શ કરીને કહ્યું—
“પ્રીત છોડવા માટે નથી બંધાતી…
અને પાલવડે બાંધેલી પ્રીત ક્યારેય છૂટતી નથી.”
એક જોરદાર તોપનો ગોળો ધડાકા સાથે તૂટી પડ્યો…
અને મકનસિંહનું વહાણ સમુદ્રમાં જળસમાધિ લઈ ગયું.
વર્ષો પછી…
આજે પણ પૂનમની ભરતી વેળા એ
કચ્છના મુન્દ્રા ગામના દરિયા કિનારે એક સ્ત્રી દેખાય છે…
હાથમાં એ જ લાલ ચુનરીનો પાલવ.
પવન આવે ત્યારે એ ધજા બની લહેરાય—
જાણે કોઈની પ્રીત આજે પણ જીવંત હોય.
લોકો કહે—
“એ પાગલ છે… એક લૂંટારા માટે આખી જિંદગી બગાડી.”
પણ સમુદ્ર જાણે છે…
એ આજે પણ રાહ જુએ છે—
એક મકનસિંહ માટે…
કારણ કે સમય બદલાયો હશે…
સરકાર ના નામ બદલાયા હશે…
પણ, બદલાતી સરકારો ની તાસીર આજે પણ એ જ રહી છે.
સૂરજ અને ચાંદ તપે ત્યાં સુધી—
કાંતાના પાલવડે બાંધેલી પ્રીત અમર રહેશે. 🌊❤️
Disclaimer ~
આ વાર્તા “પાલવડે બાંધી પ્રીત” એક કલ્પિત રચના છે. તેમાં દર્શાવાયેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદો લેખકની કલ્પના પરથી રચાયેલા છે. કોઈ પણ જીવંત કે ઐતિહાસિક વ્યક્તિ, સ્થળ કે ઘટના સાથે સીધી સરખામણી કે સંબંધ નથી.
East India Company, British Royal Navy અથવા અન્ય ઐતિહાસિક સંસ્થાઓના ઉલ્લેખ માત્ર વાર્તાના વાતાવરણને જીવંત બનાવવા માટે છે, એનો હકીકત સાથે સીધો સંબંધ નથી.
આ રચનાનો હેતુ માત્ર સાહિત્યિક અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે—કોઈ પણ પ્રકારની ઐતિહાસિક દસ્તાવેજી સત્યતા તરીકે તેને ન જોવી.
---

