ડીલીટ થતાં સબંધો
ડીલીટ થતાં સબંધો
ડિલીટ થતાં સબંધો.
એક સમય હતો જ્યારે સંબંધો કાગળ જેવા કોમળ હતા.ચિઠ્ઠી લખાતી, કાગળ વળતો, લિફાફામાં બંધ થતો અને કોઈના હૃદય સુધી પહોંચતો.કાગળ પર લખાયીને પડેલા શબ્દો સાથે લાગણીઓ પણ સચવાતી.
રમેશ ના દાદા પાસે હજુ પણ એક જૂનો લોખંડનો બોક્સ હતો.
તેમાં વર્ષો જૂની ચિઠ્ઠીઓ રાખેલી હતી—મિત્રોની, બહેનની અને એક ખાસ વ્યક્તિની.
એક દિવસ તેના પૌત્રએ પૂછ્યું,
“દાદા, આ બધું શા માટે સાચવી રાખ્યું છે? મોબાઇલમાં ફોટો પાડી રાખી દો ને!”
દાદા હળવું સ્મિત કરીને બોલ્યા ,
“બેટા, મોબાઇલમાં યાદો રહે છે…
પણ કાગળમાં લાગણીઓ જીવતી રહે છે.”
સમય વહી ગયો.
એક દિવસ દાદા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.
પૌત્રે દાદાનો મોબાઇલ હાથમાં લીધો.
તેમાં દાદાના ઘણા મેસેજ હતા—સલાહ, આશીર્વાદ, અને ક્યારેક નાની મજાક.
પણ થોડા દિવસમાં જ મોબાઇલનું ડિફોલ્ટ કંટ્રોલ કામ કરી ગયું…
અને દાદાના મેસેજ એક એક કરીને ડિલીટ થઈ ગયા.
પૌત્રને ખૂબ ખાલીપો લાગ્યો.
રમેશે તે દિવસે તેણે દાદાની જૂની પેટી ખોલી.
અંદર ચિઠ્ઠીઓ સાથે એક નાની ડાયરી પણ હતી.
ડાયરીના પાનાં ખોલતાં જ દાદાના શબ્દો ફરી જીવંત થઈ ગયા—
ક્યારેક જીવનની સલાહ,
ક્યારેક પરિવાર માટેનો પ્રેમ,
અને ક્યારેક પોતાના પૌત્ર માટે લખેલી બે લાઇનો.
પૌત્ર રમેશની આંખોમાં આંસુ આવી ગયા.
તેને ત્યારે સમજાયું—
મોબાઇલના મેસેજ તો ડિફોલ્ટ કંટ્રોલથી ડિલીટ થઈ જાય છે,
પણ કાગળ પર લખાયેલી લાગણીઓ સમય પણ ડિલીટ કરી શકતો નથી.
