જનેતાથી સવાઈ સાવકી મા
જનેતાથી સવાઈ સાવકી મા
કાનજી અને જીવીનો પ્રેમ આખા પંથકમાં એક ચર્ચાનો વિષય બની ગયો. ધનવાન અને ખાનદાની કુટુંબનો સામાન્ય દેખાવવાળા કાનજી સાથે એક ગરીબ ઘરની પણ ખુબજ દેખાવડી અને સંસ્કારી જીવીને મેળામાં મન મળી ગયા અને છેવટે આ પ્રેમ લગ્નમાં ફેરવાઈ ગયો ત્યારે આખા પંથકમાં હાહાકાર મચી ગયો.
ખાસ તો કાનજીના ધનવાન ખાનદાને જીવીને કાનજીની પરણેતર તરીકે વધાવી લીધી ત્યારે સમાજમાં બધાને નવાઈ લાગી. પણ કાનજીના માબાપ પોતાના એકના એક દિકરાના મનને દુઃખ ના પહોંચે માટે મન મોટું કરીને જીવીને ઘરની કુળવધુ તરીકે સહર્ષ સ્વીકારી લીધી.
જીવીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે ઘરના તમામ સભ્યોએ દીકરીને લક્ષ્મી રૂપે વધાવી લીધી. પોતાના ગાઢ પ્રેમના પરિપાક રૂપે મળેલ આ કુદરતી "અમૂલ્ય "ભેટને લઇ કાનજી રાજીનો રેડ થઈ ગયો. પરંતુ જીવીની આ સુવાવડ બાદ તબિયત કથળી ત્યારે નજીકના દવાખાને જીવીને દાખલ કરી. કાનજી દાક્તરને જીવીને ગમે તેમ કરીને પણ બચાવી લેવા માટે કરગરવા લાગ્યો. ડોક્ટરે પણ કાનજીને પોતાના તમામ પ્રયત્નો કરવાની ખાત્રી આપી.
કોણ જાણે કેમ પણ જીવીને પોતાનું મોત સામે દેખાવા લાગ્યું એટલે જીવીએ કાનજીને પોતાની પાસે બોલાવી જણાવ્યું કે કાનજી, "મને મારા દેહનો કોઈ ભરોસો લાગતો નથી. ડોક્ટરોની મહેનત અને તારો મારી પાછળનો અઢળક ખર્ચ પણ મને હવે બચાવી શકે તેવું લાગતું નથી. "આપણી" અમૂલ્ય ભેટ " એવી દીકરીને તારા જીવતા સુધી કોઈ ઉની આંચ ના આવે અને તેને કોઈ દુઃખ ના પહોંચે એ માટે તારી પાસેથી એક માત્ર વચન માગુ છુ. કાનજીએ જીવીને દીકરીની સાચવણી બાબતે જ્યારે ખાત્રી આપી ત્યારે મનથી સંતોષ પામેલ જીવીએ કાનજી ની સાથે આવેલ દિકરીનો હાથ કાનજીના હાથમાં સોંપી કાનજીના ખોળામાં જ જીવીએ દેહ છોડી દીધો.
" જીવી. ." નામની પોક મૂકી કાનજી કલ્પાંત કરવા લાગ્યો અને જીવીના દેહને કેહવા લાગ્યો કે "આ રીતે આપણી અમૂલ્ય ભેટને મારા હાથમાં મૂકીને આમ અચાનક જ મારી આ જીવનરૂપી નાવને સંસારરૂપી દરિયાની મધ્યે છોડી તે અનંત યાત્રાની વાટ પકડી લીધી!" હૈયાફાટ રૂદન કરતો કાનજી પોતાની વહાલસોયી દીકરીને છાતી સરસી ચાંપી ભગ્ન હ્રદયે ઉપસ્થિત તમામની હાજરીમાં જીવીને આ સંસારમાંથી વસમી વિદાય આપી.
જીવીના મૃત્યુ બાદ થોડાક મહિના પછી સુખી અને કુળવાન ખોરડાંને ધ્યાનમાં રાખી ઠેક ઠેકાણેથી કાનજી માટે બીજા લગ્ન માટે માંગા આવવા લાગ્યા. પરંતુ કાનજી પોતાની દીકરીને સારી રીતે રાખે અને સંસ્કારી બનાવે એવા પાત્રની શોધમાં વાતને ઠેલે રાખતો હતો. છેવટે પોતાના માબાપ તથા અન્ય સગા સંબંધીઓના આગ્રહ અને સ્ત્રી વગર આખો જન્મારો કાઢવો અને છોકરીને ઉછેરી મોટી કરવી એ કઠિન કાર્યને ધ્યાનમાં રાખી પુનઃલગ્ન માટેની તૈયારી બતાવી. "દુઃખનું ઓસડ દહાડા" ઉક્તિ મુજબ કાનજીને પોતાના મનમાં નિર્ધારિત કરેલ શરતોને ગ્રાહ્ય રાખનાર "કંકુ" નામની કન્યાનો કાનજીના આ નવીન ગૃહસંસારમાં પ્રવેશ થયો.
કંકુના આગમન બાદ પોતાના અને પોતાની દીકરી માટે હવે સુખનો સૂરજ ઊગ્યો છે એવી હૈયાધારણ થકી કાનજીના મનમાં ટાઢક વળી. કંકુએ પોતાના ઘરડા માબાપની પણ સુંદર સેવા ચાકરી કરી. પણ તેઓએ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી ત્યારે કાનજીના મનને દુઃખ સાથે કંકુએ કરેલ સેવાનો સંતોષ પણ હતો. પોતાની જીવન નાવ હવે સુખના દરિયામાં ચાલે છે એવું લાગવા માંડ્યુ. દીકરી પ્રત્યેનો કંકુનો વર્તાવ પણ કાનજીને સંતોષપૂર્ણ લાગ્યો.
બીજી વારના લગ્નને હજૂતો પાંચ વર્ષ પૂરા થયાને કાનજી ગંભીર બીમારીમાં પટકાયો. કંકુ કાનજીને લઈને નજીકના બધાજ દવાખાને ફરી વળી પણ તમામ ડોક્ટરનો એકજ અભિપ્રાય આવ્યો કે કાનજી હવે બહુ લાંબુ જીવે એવું લાગતું નથી. છેવટે કંકુ ડોક્ટરની સૂચના મુજબ કાનજીને ઘેર લાવી સેવા કરવા લાગી. માંદગીના બિછાને પણ કાનજીને પોતાની દીકરીની ચિંતા તેના મોઢા ઉપર જણાય છે તેવું જાણી ગયેલ કંકુએ કાનજીને ખાત્રી આપી કે મારા જીવતા સુધી તમારી અને હવે મારી આ "અમાનત"ને ઉની આંચ પણ નહિ આવવા દઉં એટલો મારા ઉપર વિશ્વાસ રાખજો એમ કહી
પોતાના ખોળામાં દીકરીને લઇ માથે હાથ ફેરવી કાનજીનો હાથ પણ દીકરી ઉપર મુકાવી તેને આશીર્વાદ આપવા વિનંતી કરી. કાનજીને મન પણ જાણે પૂર્ણ સંતોષ થયો હોય તેમ દીકરીને માથે હાથ ફેરવી ગાલે ચુંબન કરી દીકરીને કંકુના હાથમાં સોંપી બે હાથ જોડી જાણે માફી માગતો હોય એમ ટગર ટગર આંખે કંકુ સામે જોવા લાગ્યો. ઘડીકમાં તો કાનજીએ કંકુના ખોળાની બાજુમાં જ માથું પડતું મૂકી દેહ છોડી દીધો. કંકુ એની દીકરીને બાથમાં લઇ હૈયાફાટ રૂદન સાથે કાનજીના દેહને વિદાય આપી ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખો આંસુથી ભીની થઈ ગઈ.
સમય તો પાણીના રેલાની માફક વહી ગયો. કાનજીના મૃત્યુ બાદ કંકુએ કાનજી અને જીવીની "અમૂલ્ય ભેટ" એવી આ દીકરી રૂપી અમાનતનુ જતન કરવામાં પાછી પાની કરી નહોતી. જોત જોતાંમાં દીકરી યૌવનના ઉંબરે આવી ગઈ. કાનજીએ જીવીને છેલ્લે આપેલ વચનની વાત અને કંકૂએ કાનજીને આપેલ ખાત્રી કંકુના મનમાં ઘોળાતી રહેતી હતી. કંકુએ પણ પોતાની ખાનદાની રાખી દીકરીને કોઈપણ જાતની તકલીફ ના આવે એની કાળજી લઈ પોતાના સમાજમાંથી ખુબજ સંસ્કારી, ખાનદાન અને સમૃદ્ધ ખોરડાં વાળો મુરતિયો પસંદ કરી પોતાના કુટુંબીજનો ની હાજરીમાં દીકરીના હાથ પીળા કર્યા.
કુટુંબીજનો અને સગાવહાલાની હાજરી વચ્ચે પોતાના જીવનનિર્વાહ પૂરતી જમીન અને મિલકત રાખી બાકીની તમામ જમીન, દાગીના અને રોકડ રકમ કરિયાવરમાં આપી કાનજીના આત્માને શાંતિ મળે અને પોતાના ખોરડાંનુ સન્માન જળવાય એ રીતે દીકરીને ખૂબ ભારે હૈયે વિદાય આપી. દીકરીને આ ખોરડાંનુ માન વધે તેવું વર્તન કરવાની શિખામણ આપી સાથે દીકરી અને જમાઈને સુખી થવાના આશીર્વાદ આપ્યા. વેવાઈ અને વેવાણને પોતાની આ દીકરીને કોઈ પણ જાતનું દુઃખ ના પડે એ માટે પાલવ વડે હાથ જોડી વિનંતી કરી. તેજ સમયે તમામ સૌ કોઈની હાજરીમાં પોતાના મૃત્યુ બાદ પોતાની પાસેની જમીન તથા અન્ય તમામ મિલકત પોતાની આ વહાલસોયી દીકરીને મળે તેવા વકીલાત નામાને વંચાણ લીધું અને એક કોપી દીકરીના હાથમાં સોંપી ત્યારે ઉપસ્થિત તમામના મોઢે એકજ વાત નીકળી કે દીકરીની "અપર( સાવકી ) મા" તો એની જનેતાથી પણ સવાઈ નીકળી.
