Vrajlal Sapovadia

Classics Inspirational

1.0  

Vrajlal Sapovadia

Classics Inspirational

જમણવારમાં બુફેનો પંગત ઉપર વિજય

જમણવારમાં બુફેનો પંગત ઉપર વિજય

6 mins
750


પરિવર્તન દુનિયાનો નિયમ છે. રીતરિવાજો, પહેરવેશ, જમણવાર, વહેવાર નિરંતર બદલાતા રહે છે. કેટલાક પરિવર્તન શા માટે થાય છે કે થયા તેના કોઈ નિયમ કે તર્ક જોવા મળતા નથી. દરેક પરિવર્તનથી ઉદ્ભવતી નવી વસ્તુ સારી જ હોય તેવું જરૂરી નથી. સામાજિક પરિવર્તન ઉપર કોઈનું નિયંત્રણ નથી. તેમાં સામુહિક ભાગીદારી જરૂર હોય છે પણ કોઈ વ્યક્તિ તેને રોકી શકતો નથી. અહીં વાત ગુજરાતમાં લગ્ન જેવા પ્રસંગે જમણવારમાં થયેલા પરિવર્તન વિષે વાત કરવી છે. વાર્તાનું શીર્ષક 'જમણવારમાં બુફેનો પંગત ઉપર વિજય' છે પણ ઐતિહાસિક પરિવર્તનની આ વાતમાં બીજી બાબતો પણ વણી લીધી છે. 


વ્યાવસાયિક કેટરિંગના જમાનામાં કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે 1950-60 ના દશકામાં લગ્નના જમણવારની તૈયારી 2-3 મહિના પહેલા થઇ જતી. યજમાન કે જેમના ઘરે પ્રસંગ હોય તે ગામના 1-2 વહેવાર કુશળ લોકો કે રસોઈયા પાસેથી કેટલા લોકોનો જમણવાર કરવાનો છે અને મહેમાન કયાં ગામના છે તેના આધારે કેટલું સીધું સામાન ખરીદવો પડશે તેનો અંદાજ લગાવી, બઝારમાંથી વસ્તુ ખરીદી લાવતા. અમુક ગામના લોકો મીઠાઈ વધુ ખાતા હોય તો અમુક ગામની બીજી કોઈ ખાસિયત હોય. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હતી. કુટુંબ અને ગામની બહેનો ચીજવસ્તુ સાફ કરવાનું અને પાપડ વણવા જેવી કામગીરી સામુહિક રીતે આરંભી દે. 10-20 બહેનો પોતાના ઘર કે ખેતરના કામ પુરા કરી યજમાનના ઘરે માનદ સેવા આપવા ભેગી થાય અને સહકારી ધોરણે પોતાનો સહયોગ આપે. ગામ ગપાટા મારતાં ને આનંદ કરતા બધા કામ ક્યારે પુરા થઇ જાય તેની ખબર પણ ના પડે. 


લગ્નના 1-2 દિવસ આગાઉ નાત કે રામજી મંદિરના વહીવટ હેઠળ ચાલતા કેન્દ્રમાંથી રસોઈના વાસણ મેળવી લેવાતા. ઘટે તે વાસણ ગામના કોઈ ને કોઈ પાસેથી મળી રહે. કંકોતરી છપાવાવનો રિવાજ નહોતો, બહાર ગામ સગાઓને પોસ્ટ કાર્ડ લખવામાં આવતા તો ગામમાં લોકોને રૂબરૂ કહેવા માટે વાળંદભાઈ પહોંચી જાય. એ જ પાછા યજમાનના કુટુંબી અને ઓળખીતા પાસે ગાદલા, ગોદડાં, ઓશિકા અને બુંગણ (કપડાનો મોટો ટુકડો) જેવી વસ્તુ ઉઘરાવી લાવે. અગાઉના દિવસથી જ વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. સીધું-સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલપહલ વધી જાય. પ્રસંગ માટે ન તો ભાડાનો હોલ હોય કે ન વાડી, કોઈના મોટા ફળિયામાં કે ડહેલામાં જમણવારની સામગ્રી ભેગી થાય. આગળ દિવસે સાંજે, ગામના યુવાનો અને વડીલો ત્યાં રસોઈમાં મદદ કરવા પહોંચી જાય. બધું જ સહકારી ધોરણે! આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને ના આવતો. એ એકલો જ એનાં ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુબીજનો અને પડોશીઓ સાથે મળીને કરતા. રસોઈ અને પીરસવાના કામમાં મદદ કરનારને સારથિયા કહેવાતા. રાત પડે એટલે ચૂલા સળગે. લાકડાં જાડાં કે હવાયાં હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ જાય. તો પણ આંખો ચોળતાં ચોળતાં અડગ રહીને કામ કરવાનું.


અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સૂરણ, મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતાં હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય, સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી-નરસી ઘટનાઓની વાતો થતી હોય. હસીમજાક અને ગમ્મતનો પાર ના આવે.


સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ કે મોહનથાળ જ હોય. વાડીમાં રાત્રે સારથિયા માટે ભજીયાં કે ગાંઠિયા બનાવવામાં આવે. કડાઈમાં તળાતાં ભજીયાંની સુગંધ ચારેબાજુ ફેલાય એટલે આઘાપાછા થયેલા "કામચોરો" પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોડ તો કાઢે જ. આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ભજીયા કે ગાંઠિયા અને મરચાં ઝાપટવાની જે મજા પડતી. અમુક તો રીતસરના હરીફાઇમાં ઉતરે. બે-ત્રણ દિવસનો પૂરવઠો ભેગો કરી લેતા. પછી ભલેને સવારે ડબલાં ઉપર ડબલાં ભરવાં પડે. હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું. રાત્રે મોટા ભાગનું કામ પતી જાય. પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય. પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, અને મીઠાઈ માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે. ચર્ચા વિમર્શ કરવામાં આવે. જમવામાં ના ડાઇનિંગ ટેબલ હોય કે ના એટલી બધી વાનગીઓ. બધા જ લોકો એક સાથે કતારબંધ જમીન ઉપર નીચે જમવા બેસે, જેને પંગત કહેવાય. પંગત એટલે સમૂહમાં કતારબંધ નીચે આસન પાથરી જમવા બેસવું. અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડેપગે હોય. પંગતમાં કોઈને શું જોઇએ છે, શું ખૂટે છે, એ તપાસવા માટેના પણ નિષ્ણાતો હોય. પાંચ-સાત જણા એવા તો પહેલાંથી જ નક્કી હોય. નાનાં છાકરાં પોતાની રીતે પાણીની ડોલો લઇ લે. એમનું કામ પાણી આપવાનું ને જમ્યા પછી છાશ કે છાશમાં નાખવા ધાણા-જીરું ને મીઠું પીરસવાનું! પીરસનાર, સપ્લાયર્સ અને નિરીક્ષકોની ટુકડીઓ, વાસણો, પાથરણાં બધું જ રેડી થઈ જાય. પછી મહેમાનો આવવાનું ચાલુ થાય. જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એક-બીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબરઅંતર પૂછતા જાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બન્ને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય. પછી શાક, ફરસાણ, કચુંબર, દાળ વગેરે હોય. ભાતનો વારો છેલ્લે આવે. ગરમ ભજીયા સૂંડાં કે તગારામાં ફરતા રહે જે ખાનારે જાતે લેવાના બાકીની આઈટમ પીરસનાર થાળીમાં પીરસે. લાડુ પીરસનારો હોંશિયાર હોય. જમનારનું મોંઢું જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલું ખવાશે અને એ પ્રમાણે એક, બે કે ત્રણ લાડુ થાળીમાં મૂકતો જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય. પંગતમાં ધ્યાન રાખનારા સૂચનાઓ આપતા જાય. મેઈન કોર્સ પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા જોવા મળે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈપણ જાતની આનાકાની ચાલે જ નહીં. આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખવડાવવામાં આવે. કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય. છતાં ખાવું પડે. પછી અમળાયા કરે. કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ. પરંતુ અમસ્તી જ ના પાડે. પછી અડધાની જગ્યાએ બે લાડવા ઝાપટી જાય. આગ્રહ કરવાવાળાને ક્યારેક સામેથી પણ ખાવું પડે. ત્યારે બરાબરની જામે. પંગતમાં વહેલાં મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે. અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફાળિયાનો છેડો કે ખેસના છેડે હાથ મોઢું લૂછતા લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠાં વાસણ લેવાઈ જાય, સફાઈ થઈ જાય, અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય. પહેલા બહેનો અને છોકરા જમે. જાન આવી હોય તો જાનૈયા પહેલા જમે અને વ્યવસ્થા પૂરતી હોય તો બધા એક પંગતમાં બેસે. 


પંગતની એક આગવી વિશેષતા હતી. અલગ માહોલ હતો, અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું. બુફે સામે પંગતની હાર થઈ છે અને પંગત લગભગ લુપ્ત થવાના આરે છે. આજના "બુફે" યુગમાં "પંગત" એક ઈતિહાસ બની ગઈ છે. પંગત એક વિશિષ્ટ ટ્રેનિંગ હતી. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેકગણી વધી ગઈ છે. પંગતમાં ભાઈચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર, જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે. પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈપણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના ભાણાં સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો. પંગતમાં સંબંધ, સાદાઈ અને સહકારની મહેક હતી, બુફેમાં વ્યવસાયિક અને હરીફાઈ કરી દેખાડો કરવાનું તત્વ મહત્વનું છે. પારંપરિક વાનગી અને વહેવારમાં હવે પરદેશી વાનગીઓ ઘુસી ગઈ છે. જોકે આ વાત કરવાનો આશય બુફે ખરાબ અને પંગત સારી તેવું નથી. બંનેના ફાયદા ગેરફાયદા હશે! પંગતનું લુપ્ત થવું એટલે એક સમૃદ્ધ પરંપરાનો નાશ!


Rate this content
Log in

Similar gujarati story from Classics