જીવનનો વળાંક લાવ્યો ખુશી
જીવનનો વળાંક લાવ્યો ખુશી
ગીત સદાય હસતી ખેલતી અલ્લડ યુવતી, માતા-પિતાની એકની એક દીકરી. પુરા લાડકોડથી મોટી થયેલી, ગીતનાં મુખમાંથી નીકળતા તમામ શબ્દોની જાણે પૂર્તિ થતી હોય તેમ, તેની નાની-મોટી તમામ ઈચ્છાઓ પૂરી કરવામાં આવતી.
માતા મીનાબેન અને પિતા મનોજભાઈની આંખો તો ગીતને જોઈને જાણે જીવતી હોય તેમ, તેમની તમામ ખુશી ગીતનાં લીધે જ હતી.
ગીત કોલેજ અભ્યાસ પૂરો કરી રહી અને હવે આગળ શું ? મીનાબેનની ઈચ્છા લગ્ન કરાવવાની અને મનોજભાઈની ઈચ્છા આગળ ભણાવવાની, મીનાબેનને દુનિયાના અવનવા રંગોને કારણે ચિંતા હતી, ત્યારે મનોજભાઈ કહેતા મને આપણી દીકરી પર વિશ્વાસ છે. ગીતની ઈચ્છા પણ હજુ આગળ ભણવાની હતી. આથી મીનાબેને મને-કમને પણ ગીતને ભણવાની છૂટ આપી અને ગીત આગળ ભણવા માટે હોસ્ટેલમાં રહેવા ગઈ. મીનાબેનને રાતદિવસ ગીતની ચિંતા સતાવતી.
ગીતને નાનપણથી બધી વાતની છૂટ હતી, અહીં પણ પિતા મોં માંગ્યા પૈસા મોકલાવતા હતાં, ગીત કોલેજમાં અલ્લડ યુવતી અને પૈસા ઊડાવ છોકરી તરીકે પ્રખ્યાત બની. ધીરે ધીરે પૈસાને કારણે ગીતના મિત્રો બની ગયાં, તેમાંના ઘણા તો ખાલી તેના પૈસાનો દુરુપયોગ કરનારા હતાં.
રાજન નામનો ગરીબ ઘરનો છોકરો હતો, તે સારી, સાચી રીતનો ગીત મિત્ર કહી શકાય તેમ હતો, પણ ગીત તેને ગણકારતી ન હતી, તેના પ્રત્યે ધ્યાન પણ આપતી નહોતી.
આમને આમ કોલેજનું એક વર્ષ પૂરું થયું, કોલેજના બીજા વર્ષમાં ગીત કોલેજની તમામ કાર્યક્રમોમાં ભાગ લેતી, ખૂબ આગળ આવતી. ગીતના જે પૈસા વાપરનારા મિત્રો હતાં, તેમાં એક મયંક ખૂબ જ ખરાબ છોકરો હતો, અને તેણે ગીતને પોતાના નકલી પ્રેમજાળમાં ફસાવી પણ રાખી હતી, ગીત તેનાં બદઈરાદાથી બેખબર હતી. કોલેજનું બીજું વર્ષ પણ પૂરું થવા આવ્યું, કોલેજ પૂરી થવાની બે દિવસની વાર હતી. બધાએ ફેરવેલ પાર્ટી રાખી અને તેમાં મયંકે ગીતને નશીલી દવા આપી બેભાન કરી, ગંદા ફોટા પાડવાનો પ્લાન બનાવ્યો, રાજનને આ વાતની જાણ થઈ, અને તેણે ખુબ જ સિફતથી ગીતને મયંકના પંજામાંથી બચાવી.
ગીત તો નશીલી દવાને કારણે બેભાન થઈ ગઈ હતી, જ્યારે બીજા દિવસે તેને આ બધી વાતનું ભાન આવ્યું,ત્યારે તે ખૂબ રડી. તેણે રાજનનો આભાર માન્યો, સાચા મિત્ર તરીકે સ્વીકાર્યો, પોતાની માણસોને ઓળખવાની ખામી કબૂલ કરી, પોતાના માતા-પિતાના ભરોસાને અને તેની મહામુલી ઈજ્જત બચાવવા માટે આભાર માન્યો. ગીતે રાજનને કહ્યું,- "રાજન ! મારા જીવનમાં તું મારા માતા-પિતા પછીનો પહેલો વ્યક્તિ છે, જે મારા માટે સાચું ખોટું વિચારી, મારી કાળજી રાખી શકે તેમ છે. જો તું મને સ્વીકારવા તૈયાર હોય તો મારા જીવનમાં નવી એક ખુશી આવી શકે છે. મારા માતા-પિતાની ચિંતા પણ ઓછી થાય અને મને પણ તારા જેવો કાળજી રાખનાર વ્યક્તિ મળી જાય, તું મારી આટલી વાત માનીશ ? સાચે જ, આ બનાવ બાદ મને તારામાં રહેલી સચ્ચાઈ અને અચ્છાઈએ તને પ્રેમ કરતા શીખવ્યું છે. હું તને મનોમન પ્રેમ કરવા લાગી છું. હવે તારા વિના મને બીજું કોઈ ગમી શકે જ નહીં, કેમકે કોઈ પણ સ્ત્રી માટે તેની ઈજ્જત સર્વેસર્વા હોય છે. તેં આ રીતે બચાવી મને તારી ઋણી બનાવી છે. હું તારી સાથે લગ્ન કરવાં માંગુ છું.'
રાજન પણ ગીતને ચાહતો હતો, તેણે તરત ગીત લને કહ્યું," એ બધું ભૂલી જા, ચાલ ! જીવનની નવી ખુશી માણીએ. નવો વળાંક લઈ લે, ચાલ ! સહુની સંમતિથી નવું જીવન શરુ કરીએ."
આમ, ગીત અને રાજનના જીવનનો નવો વળાંક એક ખુશી સાથે શરૂ થયો.

