જીવનનો મર્મ
જીવનનો મર્મ
વેકેશનમાં ગામડે આવેલો પૌત્ર દાદા સાથે વાતો કરતો હતો. દસ-બાર વર્ષના પૌત્રને દાદા સાત દાયકાના અનુભવનું ભાથું પીરસી રહ્યા હતા. દાદા મૂળ નિવૃત્ત શિક્ષક એટલે એમની વાતો પણ આયોજનબદ્ધ. દાદા એમના દીકરાના જન્મથી લઈને શહેરની નોકરી સુધીની વાતો કહેતાં કહેતાં પહોંચ્યા અતીતની યાદમાં. ટૂંકા પગારમાં દાદીનું ઘર ચલાવવું, સામાજિક સંબંધ સાચવવા, દીકરા માટે નવી સાઇકલ લેવા કરેલો સંઘર્ષ, બિમાર દીકરા માટે પ્રાર્થના કરવા દાદાના ઘરે એકઠું થયેલું આખું ગામ, નાના-મોટા પત્રો લખાવવા આવતા ગામલોકો....
દાદાને ચૂપ થયેલા જોઈ પૌત્રએ એમને ઢંઢોળતાં બોલ્યો, "દાદા, કયાં ખોવાઈ ગયા ? દાદી જમવા બોલાવે એ પહેલાં વાર્તાવાળી પ્રોમિસ યાદ છે ને ? અને હા,પપ્પા કહેતા હતા કે એ નાના હતા એટલે તમે એમને રોજ એક વાર્તા કહેતા. તો તમે રોજ નવી વાર્તા કહેતા ?
દાદાએ હસતાં હસતાં કહ્યું,"હા,એ તો મને મારી બા વાર્તા કહેતાં અને હું તારા પપ્પાને કહેતો, હવે તારા પપ્પા તને કહેતા હશે, બરાબર ને !"
દીકરાએ નિસાસો નાખતાં કહ્યું,"મને તો કોઈ વાર્તા કહેતું નથી. મારા ટીચરે મને એક વાર્તા લખી લાવવાનું કહ્યું હતું. મેં પપ્પાને કહ્યું તો એ કહે કે એમને ઓફિસનું કામ છે. મમ્મીને કહ્યું તો એ કહે એને સ્કૂલનું કામ છે. પછી
મને કહે કે મોબાઇલમાંથી વાર્તા સાંભળી લે. એટલે હવે હું મોબાઈલમાં વાર્તા સાંભળું છું. મારાં મમ્મી પપ્પા કરતાં મને મોબાઈલ વધારે સમય આપે છે."
પૌત્રની વાત સાંભળી દાદા વિચારવા લાગ્યા,"એક જમાનમાં જયારે એમને પૈસાની ખેંચ હતી ત્યારે ઘરે પુસ્તકાલય બનાવી દીકરાને વાંચનની ટેવ વિકસાવી જેથી એનું ઘડતર થાય,અને એ દીકરો આજે પોતાના દીકરાને વાર્તા સંભળાવા સમય આપી શકતો નથી. કેવી કરમની કઠણાઇ ?
દાદા પોતાના પૌત્રને એ નાનકડા ઘરની પાછળના રૂમમાં લઈ ગયા જયાં એક નાનકડું પુસ્તકાલય હતું. વાર્તાનાં કેટલાંક પુસ્તકો પૌત્રને આપ્યાં. ત્યારબાદ એના હાથમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું પુસ્તક મૂકતાં કહ્યું, "બેટ,આ પુસ્તકમાં જીવનનો મર્મ છે. જ્યારે મુશ્કેલી આવી પડે આ પુસ્તક વાંચજે એમાંથી તને માર્ગ જડશે."
દાદા પોતાનું વાક્ય પૂરું કરે ત્યાં તો બહારથી અવાજ સંભળાયો,"બેટા,ચાલો હવે, હજુ તો મારે ઘરે જઈ ઓફિસનું કામ કરવાનું છે. જો અહીં જ મોડું થશે તો પછી ઘરે પણ મોડું જ પહોંચાશે. દીકરાએ દાદાના ચરણસ્પર્શ કરતાં શ્રીમદ્દ ભગવદગીતાને જોઈને કહ્યું,હવે તો શરૂઆત થાય છે, ક્યાંથી મોડું થાય ?" આટલું બોલતાં બોલતાં એ દાદાજીને જોતાં જોતાં ગાડીમાં બેસી ગયો દાદાજી બોલ્યા,"વિચાર કદી વાંઝીયો રહેતો નથી."