વર્ષા પ્રજાપતિ

Children Stories Inspirational

4.8  

વર્ષા પ્રજાપતિ

Children Stories Inspirational

પોષતું તે મારતું

પોષતું તે મારતું

2 mins
186


 મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા પૌત્રને દાદાએ કહ્યું,"બેટા, આખો દિવસ મોબાઈલમાં શું કરે છે? તારી આંખોનો વિચાર તો કર."

પૌત્રએ કહ્યું,"દાદા,અમારે તો બધું જ ઓનલાઈન ભણવાનું હોય. પ્રવેશ ફોર્મથી લઈ પરીક્ષા ફોર્મ સુધી બધું જ ઓનલાઇન. એટલે અમારે મોબાઈલમાં વ્યસ્ત રહેવું જ પડે."

દાદાએ કહ્યું, "બેટા એ બધું ઠીક છે પણ ,આમ સતત મોબાઈલ લઇને બેસી રહેવાથી તો તને શારીરિક અને માનસિક નુકસાન થાય અને થાક પણ લાગે એટલે તું થોડો ઓછો ઉપયોગ કરે એટલે કહ્યું. બાકી અમે તો ડબલાવાળા ફોનના માણસો. અને તને ખબર છે,આપણા ફળિયામાં આપણા ઘરે જ એ ફોન હતો. આડોશી પાડોશી કોઈને પણ કોઈ સારા નરસા સમાચારની આપ-લે કરવી હોય તો એનો જ ઉપયોગ થતો. અને એનો અવાજ પણ કેવો,ટ્રીન....ટ્રીન...રણકે કે આજુબાજુમાં પણ સંભળાય કે ફોન વાગ્યો." દાદાની વાત સાંભળી પૌત્રએ કહ્યું,"તો બધા આપણા ઘરનો નંબર એમના સંબંધીઓને આપતા?" હા,બેટા, એમ જ ને. પણ એ સમયે આ તમારી જેમ ઘડીએ ઘડીએ ફોન ના આવતા. જરૂરી હોય તો જ કોઈ ફોન કરતું. માત્ર સમય પસાર કરવા નહીં" 

  દાદાને વચ્ચેથી અટકાવતાં પૌત્રએ કહ્યું,"દાદા,તમારા ડબલાવાળા ફોન કરતાં તો અમારો મોબાઈલ ઘણો ઉપયોગી. જૂઓ અમે ગમે ત્યાં હોઈએ આ ફોનનો ઉપયોગ કરી શકીએ, તમારો ફોન માત્ર ઘરમાં કે ઓફીસમાં જ રાખવો પડે. અમારા મોબાઈલમાં ઘડિયાળ, કેલ્ક્યુલેટર, એલારામ અને સ્ટોપવોચ પણ ખરાં. વળી,આ મોબાઈલમાં જેટલી માહિતી સંગ્રહ કરવી હોય એટલી થઈ શકે. વિડીયો કોલથી સામેવાળાની વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાય. બેંકના તમામ નાણાકીય વ્યવહારો પણ થાય,લાઈટ બિલ, ફોનનું બિલ બધું અહીંથી જ ભરી શકાય. પુસ્તકો અહીં બેસી વાંચી શકાય. કવિતા, વાર્તા જે સાંભળવું હોય એ એક જ ક્લિકમાં મળે. એટલે કોઈ મિત્રની પણ જરૂર ના હોય. તમારો ફોન માત્ર,સંદેશો લાવવા લઈ જવાનું કામ કરતો અમારો મોબાઈલ તો એક મિત્રની ગરજ સારે છે."

  પૌત્રને મોબાઇલની તરફેણમાં બોલતો સાંભળી દાદાએ કહ્યું,"બેટા, તારી વાત સાથે હું સંમત છું કે તમારા મોબાઈલમાં આખું વિશ્વ છે પણ એના અતિરેકનાં માઠાં પરિણામ પણ છે. કહેવત છે ને કે જે પોષતું એ મારતું એ ક્રમ દિસે છે કુદરતી. આ તું આખો દિવસ મોબાઈલમાં તારાં બધાં જ કામ કરે તો તારા એવા કેટલા મિત્રો છે કે જે તારી પડખે આવીને ઊભા રહે? જયાં સ્નેહ અને હૂંફની જરૂર હોય ત્યાં મિત્રો જ કામમાં આવે મોબાઈલ નહીં. બેટા અમારા ફોનમાં નાણાકીય વ્યવહાર નહોતા થતા પણ કોઈની સાથે ફ્રોડ થયાની વાત પણ નહોતી. અમારા ફોનમાં ચહેરો ના દેખાતો,પણ લાગણી વર્તાતી. એમાં ઘડિયાળ નહોતી પણ કોઈ કામમાં કોઈ મોડાં ના પડતાં, એલાર્મ નહોતું પણ સૌ સમયસર ઉઠતાં. અને અગત્યની વાત એ કે એ ફોનનો ઉપયોગ ખપ પૂરતો થતો માત્ર સમય પસાર કરવા નહીં. બેટા, ફોન તમારો હોય કે અમારો મૂળ તો વિજ્ઞાનની શોધ છે. અને એનો યથોચિત ઉપયોગ એ જ આપણી ભલાઈ છે."


Rate this content
Log in