ચાવી
ચાવી
સ્કૂલમાં આજે ટીચરે 'નાણું' પ્રકરણ શીખવ્યું. એ પ્રકરણ શીખવતાં એમણે રૂપિયાને પૈસામાં ફેરવવાનું પણ શીખવ્યું અને પછી કહ્યું,"આવતીકાલે હું તમને પૈસાને રૂપિયામાં ફેરવતાં શીખવીશ. વળી એમણે કહ્યું તમારે બધાંએ પૈસાની બચત કરતાં શીખવું જોઈએ."
ક્ષિતિજે પૂછ્યું,"સર,બચત કેવી રીતે કરવાની ?"
સરે કહ્યું, "તમારે ગલ્લો રાખવાનો. તમારા મમ્મી પપ્પા જે પોકેટમની આપે એમાંથી થોડા બચાવીને એમાં નાખવાના." સર આટલું બોલ્યા ત્યાં તો સ્કૂલનો બેલ વાગ્યો અને બધાં બાળકો દોડ્યાં.
સાંજે ઘરે આવી ક્ષિતિજે એની મમ્મીને કહ્યું, "મમ્મી, તું મને ગલ્લો લાવી આપજે. મારા સરે કીધું છે અમારે બચત કરતાં શીખવાનું છે.
દીકરાના મોઢે બચત શબ્દ સાંભળીને અવનિએ પૂછ્યું, "બચત કરીને પછી શું કરીશ?"
થોડીવાર ચૂપ રહ્યા પછી ક્ષિતિજ બોલ્યો, "મમ્મી મારી પાસે તો બધું જ છે, તારા અને પપ્પા પાસે પણ બધુજ છે.પણ આપણે વેકેશનમાં દાદાના ઘરે ગયાં હતાં ત્યારે મેં જોયું હતું કે એમના બૂટ તૂટી ગયા હતા, દાદી પાસે રસોડામાં
મિક્સચર નથી. તો હું એ બચત દાદા દાદી બંને માટેજ વાપરીશ." ક્ષિતિજને બોલતો જોઈ અવનિ તો જાણે એને જોતી જ રહી ગઈ.
સાંજે આકાશ જ્યારે ઓફિસથી આવ્યો ત્યારે બોલ્યો, "ક્ષિતિજ, આજે તારી મમ્મી કેમ ગુસ્સામાં છે. તે હોમવર્ક નથી કર્યું કે શું ?"
ક્ષિતિજે કહ્યું,"પપ્પા જ્યારથી મેં ગલ્લો લાવી આપવાની વાત કરી છે ત્યારથી એ ચૂપ થઈ ગઈ છે."
અવનિએ દીકરા સાથે થયેલી વાત કરતાં આકાશને કહ્યું, "આપણે કાલે દાદા-દાદીને મળવા જઈએ ?અને જો એ આવે તો આપણી સાથે જ રહેવા લઈ આવીએ ?"
અવનિના મોંઢે દાદા-દાદીનું નામ સાંભળી આકાશ અચંબામાં પડી ગયો. એણે અવનિને કહ્યું, ''તું,ઘરે જવાની વાત કરે છે ?"
અવનિએ કહ્યું,"હા,હું જ કહું છું,અને પૂરી સભાનતાથી કહું છું.મારા સંસ્કારનો ગલ્લો આજે તૂટ્યો છે અને એમાંથી મારી અમાનત મને મળી છે. એ અમાનતનો ઉચિત ઉપયોગ તો કરવોજ પડે એવું મારા દીકરાએ મને શીખવ્યું છે."
આકાશ એના દીકરાને ચૂમી લેતાં બોલ્યો,"જે ગલ્લાને કોઈ ના ખોલી શક્યું એને એનીજ ચાવી એ ખોલ્યો."