અનોખી સાયકલ
અનોખી સાયકલ


"મમ્મી, એવું તે કંઈ હોય કે કોઈ માણસ વૃક્ષ બની જાય ?" સ્કૂલથી આવેલી જીનલે એની મમ્મીને પૂછ્યું.
"તું અચાનક આવું કેમ પૂછી રહી છે આજે ?" એની મમ્મીએ કામ કરતાં કરતાંજ પૂછ્યું.
જીનલે કહ્યું,"અમારા સાહેબે એક પાઠ ભણાવ્યો. એમાં એક છોકરીના પપ્પા વરસાદમાં ભીંજાયા અને વૃક્ષ બની ગયા. આવું તો કંઈ હોતું હશે વળી ?આ ચોપડી લખવાવાળા પણ કેવું કેવું લખે નહીં ?"
જીનલે સ્કૂલથી આવી આ વાત કરી એમાં તો એની મમ્મીને કંઈ સમજાયું નહીં. જીનલ તો એના ગુજરાતીના એક પાઠની વાત કરતી હતી. પણ એની મમ્મી ક્યાંક ભૂતકાળમાં સરી ગઈ. એવામાં તો જીનલે આવીને એની મમ્મીને કહ્યું,
"મમ્મી, પેલી છોકરીના પપ્પા વૃક્ષ બની ગયા એમ મારી આ સાયકલ પણ પક્ષી બની જાય કાંતો એને પાંખો આવે તો કેવું સારું! "
જીનલની મમ્મી એને કંઈ જવાબ આપે એ પહેલાં તો એ સ્વગત બબડવા લાગી,"જો સાયકલને પાંખો આવી જાય તો હું તો ઉડવા જ માંડું. સૌથી પહેલાં સ્કૂલ પહોંચી જાઉં. અને મમ્મી, તારે બજારમાંથી કંઈ પણ જોઈએ તો ચપટી વગાડતાં જ હાજર કરી દઉં. અને બીજું શું કરું તને ખબર છે. હું તો ઉડીને ભગવાન પાસે પહોંચી જાઉં અને એમને જઈને કહું કે અમારા ઘરનાં બધાં કહે છે કે મારા પપ્પા તમારા ત્યાં છે. એમને અહીં આવ્યાને ઘણા દિવસ થઈ ગયા છે. તો હવે તમે એમને અમારા ઘરે મોકલી આપો."
સ્વગત બબડતી જીનલને એની મમ્મીએ કહ્યું, "બેટા, શું બોલે જાય છે ?"પણ જીનલ તો જાણે એની સાયકલની પાંખો સાથે ઊડતી ઊડતી દૂર પહોંચી ગઈ હતી.