અનોખી શોધ
અનોખી શોધ


એક પરિવાર હતો. ઘરમાં આમ તો ત્રણ જ વ્યક્તિ પણ આજના યુગમાં એને પરિવાર જ કહીશું. પતિ,પત્ની અને એમનું નાનું બાળક એ આ પરિવારના સભ્યો. પતિ -પત્ની બંને ડોકટરના વ્યવસાય જોડાયેલા એટલે બાળક માટે સમય આપવો મુશ્કેલ. બાળક માટે આયાની વ્યવસ્થા કરવામાં આવી. આયા બાળકને સાચવે પણ બાળક એના માતા -પિતાને ઝંખે. ઘોડિયામાં સૂતેલું બાળક સોશિયલ મીડિયામાં સાંભળવા મળતાં ગીતને સાંભળતાં સાંભળતાં ઊંઘે. મમ્મી પપ્પાના હાથમાં રમવાના એને ઘણા અભરખા પણ સમય એને સાથ ના આપે. બાળક એમની હૂંફ માટે ઝૂરે. પરિણામે એવું બન્યું કે મમ્મી પપ્પાની હૂંફ સામે આયાબેનની હૂંફ ચડિયાતી સાબિત થઈ અને એને એમની એવી તો માયા કે એમના ખોળામાં જ સૂઈ જાય. એ જે ગીત સંભળાવે એ જ એને ગમે. સાંજે જ્યારે એનાં મમ્મી - પપ્પા આવે અને આયાબેન એમના ઘરે જાય ત્યારે આ બાળકનો સહારો બને મોબાઈલ.
મમ્મી-પપ્પાને એવું થાય કે બાળક રમે છે પણ એ નહોતું સમજાતું કે બાળક એમની હૂંફને બદલે મોબાઈલમાં હૂંફ શોધી રહ્યું છે. બાળક હવે મોટું થયું. એને મમ્મી-પપ્પાની જાણે હવે કંઈ જરૂર જ નથી. એને જે જોઈએ એ મોબાઈલની મદદથી ઓનલાઈન મંગાવે છે. જમવાનું પણ ઓનલાઈન, રમવાનું પણ ઓનલાઈન અને ભણવાનું પણ ઓનલાઈન. ચોવીસ કલાક આ બાળક અને એનો મોબાઈલ.
એક દિવસ એવું થયું કે મોબાઈલની કોઈ એપ્લિકેશનમાં જોઈને આ બાળકે એક રોબોટ બનાવ્યું. આ રોબોટ બાળકની બધી જ સૂચનાઓ અનુસરે. હવે તો એને પેલા આયાબેનની પણ જરૂર નથી એવું એને લાગ્યું. સાંજે જ્યારે એના મમ્મી-પપ્પા આવ્યા ત્યારે એણે એ રોબોટ એમને બતાવતાં કહ્યું,"પપ્પા, મેં મારો સાથી શોધી કાઢ્યો છે. એ મારું બધું જ કામ કરશે, મારે હવે કોઈની જરૂર નથી. મમ્મીને કહેજો કે આયાબેનને ના કહી દે. . . હવે હું અને મારો સાથી એકલા રહીશું." પપ્પા વિસ્મય સાથે પોતાના બાળકને જોઈ રહ્યા, સમજાતું નથી કે હવે એને શું કહેવું. એની વાતો સાંભળી પપ્પા જ રોબોટ બની ગયા.