વર્ષા પ્રજાપતિ

Crime

5.0  

વર્ષા પ્રજાપતિ

Crime

શું હવે એ ઉડશે ખરો ?

શું હવે એ ઉડશે ખરો ?

2 mins
380


"મા, તું આજે કામ કરવા ના જાય તો ના ચાલે ?જો બધા કેવા પતંગ ચગાવે છે. સૌ એમની અગાસીમાં છે. આપણે તો એક તો અગાસી નહીં અને એમાંય તારે તો વળી કામ કરવા જવાનું. મારી નિશાળમાં તો આજે ઉત્તરાયણની રજા છે તો તારે ક્યારેય રજા નહીં ?તું આજે મારી સાથે ઘરે નહીં રહે ?અમારી નિશાળના બેન કહેતાં હતાં કે આજે તો બધા તલના લાડુ ખાશે અને ચીકી પણ. આપણે ક્યારે ખાશું મા ?"

લોકોના ઘરનાં વાસણ અને ઘરકામ કરી પેટિયું રળતી એક માને એની આઠ વર્ષની દીકરી આ બધું કહી રહી હતી. પિતા તો ઓરડીના એક ખૂણામાં બેસીને નશાના કેફમાં જાણે વિના દોરીએ આસમાને ઉડતા હોય એવું દેખાતું હતું.માને જાણે પતિની કંઈ પરવા જ ના હોય એમ વહાલસોઈ દીકરીને માથે હાથ ફેરવતાં કહ્યું,

"બેટા,આજે તો તું પણ મારી સાથે શેઠના બંગલે ચાલ. એમના ઘરે આજે ઘણાં મહેમાન આવવાનાં છે ને કામ પણ ઝાઝું છે. તું ત્યાં રમજે અને હું કામ ઝડપથી કામ પૂરું કરી દઈશ. વળી શેઠાણી કહેતાં હતાં કે તારા માટે નવું ફ્રોક લાવ્યાં છે. ચાલ આપણે ત્યાંથી આવીને તલના લાડુ બનાવીશું.

નાનકડી દીકરીને સમજાવી મા- દીકરી શેઠના ઘરે આવ્યાં. મા તો રોજિંદા ક્રમ પ્રમાણે કામમાં જોતરાઈ ગઈ. દીકરી તો કાંઈ...પો ..છે ...ના અવાજો સાથે પતંગ જોવામાં મગ્ન બની. એવામાં તો શેઠાણીએ બૂમ પાડી, "ચકુડી, અહીં આવ...આ તારા માટે ફ્રોક લાવી છું એ લઈ જા." ફ્રોક શબ્દ કાને પડતાંજ ચકુના પગમાં જાણે જીવ આવ્યો. એ શેઠાણી તરફ દોડી. શેઠાણીએ એને ફ્રોક આપતાં કહ્યું,"લે આ તલના લાડુ ને ડબ્બામાં ઊંધિયું અને જલેબી પણ છે ; ઘરે જઈને ખાજે."ચકુ તો શેઠાણીને જોતીજ રહી. એના નાનકડા હાથમાં છલકાઈ જાય એટલી ખુશીઓ શેઠાણીએ ભરી દીધી.


ચકુના આનંદનો પાર ના રહ્યો. કામ કરવામાં વ્યસ્ત એની માને વળગી પડી. કામ ઝડપથી પૂરું કરવાની ઉતાવળમાં માએ દીકરી તરફ જોઈ માત્ર હાસ્ય વેર્યું. હરખઘેલી દીકરી એના નવા ફ્રોકને ટગર ટગર જોઈ મલકાઈ.

એવામાં અગાસી પરથી કોઈની બૂમ સંભળાઈ," માસી પાણી મોકલાવો". શેઠાણીએ નાનકડી ચકુને પાણીનો જગ લઇ અગાસી પર જવા કહ્યું. અગાસી પર તરુણ વયના આરે આવેલા છોકરાઓનું એક ગ્રુપ પતંગ ઉડાડી રહ્યું હતું. ચકુ પાણીનો જગ આપી મસ્ત ગગનમાં ઉડતા પતંગ જોવામાં વ્યસ્ત બની. એવામાં એક તરુણની નજર ચકુ પર પડી. એણે ચકુને પૂછ્યું,"તારે પતંગ જોઈએ છે ?" હકારમાં માથું હલાવી એ તો પતંગ સામે જોઈ રહી." ચાલ મારી સાથે.." એવું કહી અગાસી પર સૌની નજર સાથે સંતાકૂકડી રમી એ નીચે આવ્યો. પતંગની લાલચમાં ચકુ પણ આવી. ચકુએ ઘણા ધમપછાડા કર્યા પરંતુ કા..ઇપો..છે ના અવાજમાં ને લાઉડ સ્પીકરના ઘોંઘાટમાં ચકુની ચીસ કોઈએ ના સાંભળી. ક્ષણવારમાંજ ઉડેલો ચકુનો પતંગ આકાશમાં ઊંચે જાય એ પહેલાં જ એના કિન્નામાંથી તૂટી ગયો. શું હવે એ ઉડશે ખરો...


Rate this content
Log in

Similar gujarati story from Crime