વર્ષા પ્રજાપતિ

Inspirational

5.0  

વર્ષા પ્રજાપતિ

Inspirational

મારી પ્રેરણા

મારી પ્રેરણા

2 mins
750


બાળકના ઘડતરની શરૂઆત માના ગર્ભમાં જ થાય એ વાતનું સમર્થન મહાભારત આપે છે, અને આપણે પણ જાણીએ છીએ કે અભિમન્યુએ આ વાત સાકાર કરી બતાવેલ છે. પરિવાર પણ બાળ ઘડતરની વિદ્યાલયથી કંઈ કમ નથી.મારા કિસ્સામાં પણ કંઈક એવું જ છે. મારી બા એટલે સાહિત્યનો ખજાનો. કહેવતો અને રૂઢિપ્રયોગનો બહોળો ઉપયોગ એની વાતોમાં થાય. પ્રાર્થના અને કવિતાઓની જાણે હરતી ફરતી ચોપડી. રામાયણ અને માહાભારતની વાતો હોય કે પ્રેરણાદાયી પ્રસંગો, એ પછી શિવાજીના હાલરડાં થકી હોય કે નરસિંહ મહેતાની હૂંડીના ગાન થકી હોય, એ બા પાસેથી જ સાંભળેલા.


હું પ્રાથમિક શાળામાં દાખલ થઈ એ પહેલાંથી વાચાળ, એમાં બાના સાહિત્યરસનો સિંહફાળો ખરો અને એટલે જ શાળાકીય પ્રવૃત્તિઓમાં શિક્ષકો ભાગ લેવડાવે. અમારા એક શિક્ષક ગદ્ય પાઠને પદ્યમાં રૂપાંતરિત કરે ત્યારે મને એવું થતું આવું કેવી રીતે આવડે ? જવાબ ના મળે પણ મંથન જરૂર થાય. પ્રાથમિક શાળામાં નાટકમાં ભાગ લેવાનું થતું. માધ્યમિક શિક્ષણ દરમ્યાન વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું થયું અને ત્યારથી વાંચન શોખ વિકસ્યો. પન્નાલાલ પટેલ, ક.મા.મુનશી, ઉમાશંકર જોશીના સાહિત્ય સર્જનને વાંચતાં મારામાં રહેલા સાહિત્ય સર્જકને આનંદ થતો.


ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ જ્યારે એલ.ડી.આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં પ્રવેશ લીધો ત્યારે પરિસ્થિતિ બદલાઈ. મુખ્ય અંગ્રેજી સાથે પ્રથમ વર્ષની શરૂઆત થઈ. પ્રોફેસર શેક્સપિયર ભણાવે પણ આપણા મનમાં તો પન્નાલાલ અને નરસિંહ મહેતા રમે. ત્યાંથી કવિતા લેખનની શરૂઆત થઈ. કાવ્યલેખન સ્પર્ધા અને પાદપૂર્તિ સ્પર્ધામાં ભાગ લીધો. 'તલાશ' નામની પ્રથમ અછાંદસ કવિતા લખી. અનુસ્નાતક અભ્યાસ માટે ભાષાભવન, અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં તો જોયું કે ગુજરાતી વિભાગમાં ચિનુમોદી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ અને ભોળાભાઈ પટેલ જેમને પુસ્તકમાં લેખક પરિચય દરમ્યાન ફોટામાં જોયા હતા એ જ પ્રોફેસર છે.પછી તો પૂછવું જ શું. અંગ્રેજીના તાસ બાદ હું એમને સાંભળતી અને ત્યાંથી લેખનને વેગ મળ્યો. મારા બી.એડ.ના અભ્યાસ દરમ્યાન મેં લખેલી કવિતા 'અબળા નારી' મારા પ્રોફેસર દેવેન્દ્ર ભટ્ટના સહયોગથી એક સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થઈ.

જ્યારે પણ લખવાની શરૂઆત કરું ત્યારે બા અચૂક યાદ આવે. એની વાતોમાં વણાયેલો સાહિત્ય વારસો મારી પ્રેરણાનું પગથિયું. બાપુજી સ્વભાવે ગુસ્સાના પર્યાય, પણ ભજનિક સતત કંઈક ગણગણતા હોય. હું એમના ભજન સમજવાનો પ્રયત્ન કરતી અને લખવાની દિશા મળતી. તાલીમી સ્નાતક કોલેજના અધ્યાપક તરીકેના કાર્યકાળ દરમ્યાન કાવ્યની સાથે શિક્ષણ વિષયક ચિંતન લેખ લખવાની શરૂઆત કરી.'ઘરશાળા', 'માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ', 'અચલા', 'પ્રગતિશીલ શિક્ષણ', 'આદિત્ય કિરણ' જેવા સામયિકોમાં શિક્ષણ વિષયક લેખ દ્વારા વિચારો વહેતા કર્યા.


મારી લેખન કારકિર્દીમાં મારું ઘડતર જ મારી પ્રેરણા રહ્યું. એમાં મારો પરિવાર અને મારી શાળા શિરમોર રહ્યાં. એક અભણ મા-બાપની દીકરીને પોતાના ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી તરીકે શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજ ફરકાવવાનું સન્માન મળે એ જ એના માટે પ્રેરણા હોઈ શકે. જે સમયે ગામમાંથી પાંચ કિલોમીટર દૂર તાલુકા મથકે કોઈ પોતાની દીકરીને ભણવા ના મોકલે એવા સમયે મારામાં વિશ્વાસ મૂકી મને ગામથી દૂર અમદાવાદ જેવા શહેરમાં ભણવા મોકલનાર ભાઈએ મારા માટે પ્રેરણાસ્ત્રોત જ હોય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational