ગુરુ વંદના
ગુરુ વંદના


ગુરુ શબ્દનું સ્મરણ થાય ત્યારે મારી પ્રાથમિક શાળા યાદ આવે જયાંથી જીવનની કેળવણીના પાઠ શીખ્યા, અને આ શાળા એટલે બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરથી પાંચેક કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલા ગામની શાળા એટલે 'જગાણા પ્રાથમિક શાળા' બાલમંદિરમાં હું ભણી નથી, પહેલું ધોરણ ઝાઝું યાદ નથી પણ બીજું ધોરણ અવિસ્મરણીય. શાળામાં પ્રાર્થનામાં આજે વાદળી રંગની વર્કવાળી સાડીમાં એક નવા બેન બેઠા હતાં. અને એ બેન પ્રાર્થના બાદ અમારા બીજા ધોરણના વર્ગમાં આવ્યા. એમણે શીખવેલો પહેલો પાઠ નદી વિશેનું પગલું આજે શબ્દશઃ યાદ છે, આ બેન એટલે હીરાબેન દેસાઈ.
આજે પણ મારા આ બેન મને એ જ સાડીમાં એવા જ દેખાય છે જેમણે શ્રુતલેખન દ્વારા મારી માતૃભાષાને સમૃદ્ધ કરી. મારા પાંચમા ધોરણના વર્ગ શિક્ષક મણિભાઈ સાહેબ. જેમણે ભાષાને ગણિત સાથે સાંકળતા શીખવ્યું. સમાજવિદ્યાને જીવંત બનાવી, વિજ્ઞાનને દાર્શનિક પદ્ધતિથી શીખવી જીવન સાથે જોડયું. શાળા વર્ગ પંચાયતની ચૂંટણી આ સાહેબે અમારા વર્ગમાં કરાવી. ગ્રામ પંચાયતના કાર્યો શીખવ્યા હતા એ સમગ્ર પ્રક્રિયા યાદ આવે છે ત્યારે થાય છે, મારા સાહેબને કોઈએ શાળા પંચાયતની ચૂંટણી કરવાનો પરિપત્ર કર્યો હશે ! લર્નિંગ બાય ડુઈન્ગ ક્રિયા દ્વારા શિક્ષણ કદાચ આને જ કહેવાતું હશે.
ધોરણ 6 એટલે મારા જીવનનું યાદગાર વર્ષ. જયાંથી અંગ્રેજીશીખવાની તક મળી એ પણ કોમ્યુંનીકેટીવ એપ્રોચના માધ્યમથી. મને એમ થાય કે મારા વર્ગ શિક્ષિકા બેનને એ સમયે 1988માં મોડ કોમ એપ્રોચ કોણે શીખવ્યો હશે ? મારા આ બેન એટલે હલીબેન મુખી. બેન આજે હયાત નથી પણ બેને શીખવેલા આદર્શ જીવનના પાઠ યાદ કરી ઋણ અદા કરતાં ગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
વિજ્ઞાનના પાઠને ગદ્યમાં રૂપાંતર કરી અમને જિલ્લામાં સ્પર્ધામાં મોકલાવાના અને અમને એટલો વિશ્વાસ હોય કે પ્રથમ નંબર અમારો જ આવશે, આવો વિશ્વાસ જગાવનાર સાહેબ એટલે શ્રી નટવરભાઈ નાયક. પ્રાર્થના કાર્યક્રમમાં હાર્મોનિયમ વગાડવું, ધૂન ગાવડાવવી અને એ પણ હકારાત્મક અભિગમવાળી પ્રાર્થના, એ મારી શાળાની વિશેષતા. એમાં આ સાહેબનો સિંહફાળો. પ્રાર્થના કાર્યક્રમમાં દરેક બાળક એ દિવસની તિથિ, તારીખ અને વાર યાદ કરીને જ બેસે, કારણકે સમાચાર વાચન સમયે રામસંગભાઈ દેસાઈ સાહેબ ઉભા થાય અને એ કોઈ પણ વિદ્યાર્થીને પૂછે. અમને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પ્રાર્થનામાં જ પુછવામાં આવતા, હા મારા સાહેબને ગુણોત્સવમાં ગ્રેડ લેવાનો નહોતો ! મારી શાળાનું સમાચાર વાંચન સાંભળવા અન્ય શાળાના શિક્ષકો આવતા આવું ગજેન્દ્રભાઈ જોષી પાસેથી જાણવા મળ્યું. રામસંગભાઈ સાહેબ પાસેથી અર્થગ્રહણની સમજ મળી.
મને એમ થાય કે મારી શાળામાં તો એન.સી.એફ. પ્રમાણે એ સમયે પણ શીખવવામાં આવતું હતું. શાળાની ભવ્ય ઈમારત પર લખેલું વિધાન આજે સમજાય છે, "શાળા અમારી માતૃભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે". આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે મારા જીવનમાં જ્ઞાન જયોત જગાવનાર તમામ ગુરુજનોને યાદ કરી ઋણ અદા કરતાં ગૌરવ અનુભવું છું, મારા પ્રથમ ગુરુ એવા મારા મારાપિતાનો આભાર જેમના થકી આવી શાળા સાંપડી.