જીવન
જીવન
જીવન
સવારે પૂર્વમાં સૂરજ ઉગતો હતો,
પંખીઓમાં ઉલ્લાસ હતો,
ઝરમર વરસાદ વરસતો હતો,
અને આથમણી દિશામાં રમતો ઇન્દ્રધનુષ દેખાતું હતું.
કુદરત જાણે એકસાથે બધાં રંગો ખોલીને પ્રભાત ને આવકાર આપવા ઉભી હતી.
એ ક્ષણે સપનાના, સમણાઓએ રજાઓ પાડી દીધી હતી.
એ કામે નહોતા આવવાના,
ન તો કોઈના મનમાં હાજરી પુરાવાની હતી.
પણ આજની સવાર કંઈક જુદી હતી.
હકીકતે, સપનાએ સાચેજ રજા રાખી હતી.
હાજરી પત્રકમાં નામ સામે લખીને—
“થોડાક દિવસ ગેરહાજર છું” એવું નહીં,
પણ
“આજે કશું નહીં કરું”
એવું મનમાં એણે ઠાની લીધું હતું.
આકાશે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં,
પંખીઓએ કોઈ જવાબ માંગ્યો નહીં.
વરસાદે ફક્ત મન અને ધરા ભીંજવ્યા,
અને આથમણી દિશાના ઇન્દ્રધનુષે યાદ અપાવ્યું—
બધાં રંગો જીવનમાં એકસાથે ભેગા હોય,
ત્યારે પણ જીવન શક્ય છે.
તે દિવસે કોઈ સપનાને કોઈ રેસ દોડવી નહોતી,કે કોઈ સિદ્ધિ પણ મેળવવી નહોતી,તેમજ કોઈ કલ્પનાને બળજબરીથી સાચી બનાવવી નહોતી.
આજે તેના સ્વપ્નો આરામ કરતાં હતા,
પરંતુ સપનાની અંદર
એક સ્ત્રીનું દિલ
શાંતિથી ધીરજ રાખી ધબકતું હતું.
શાયદ એટલા માટે.
સાંજ સુધી કોઈ સ્વપ્ન દેખાયું નહીં.
પણ રાત્રે,
નિષ્ક્રિય દિવસની રઝળપાટથી થાકી,
જ્યારે સપનાએ આંખ બંધ કરી,
ત્યારે તેનું મન બહુ શાંત હતું.
અને એ શાંતિમાં—
આખરે
નવું સ્વપ્ન
ધીમેથી ધબકતું
શ્વાસ લઈ રહ્યું હતું.
કારણ કે—
સપનાઓ જ્યારે રજા પર જાય છે,
ત્યારે જ સાચા સ્વપ્નો જન્મે છે.
‘સપના’નું ‘સ્વપ્ન’ વરસાદ નથી—
જે વરસે અને અટકી જાય,
અથવા રજાએ જાય.
સપનાનું સ્વપ્ન તો શ્વાસ છે—
ચાલે ત્યાં સુધી જીવન,
અને અટકે…
તો જીવનનો અંત છે.
....આમ સપના કદાચ રજા લઈ શકે, પણ તેના સમણાં, સપના કે સ્વપ્નો રજા લઇ ન શકે. જીવન છે તો સ્વપ્ન પણ છે જ઼. અને રહેશે જ઼.....
