બેચેન મન
બેચેન મન
બેચેન મન.
મહુઆ ના ચર્ચના બેલની તૂટેલી સાંકળની કડી ફરી જોડાઈ હતી.ત્યાંથી જ સોહમ અને સીમાની નવી સફર શરૂ થઈ.
બેલ અને પિયાનોના સ્વર ફરી એકસાથે ગુંજ્યા હતા,
પરંતુ વર્ષોનું મૌન હજુ પણ તેમના દિલમાં અડગ ઊભું હતું.
એ જ મૌનમાંથી જન્મી હતી આગળની કડી—
“બેચેન મન”…
રવિવારની પ્રાર્થના પૂરી થઈ ગઈ.
લોકો ધીમે ધીમે ચર્ચમાંથી બહાર નીકળી રહ્યા હતા.
પણ સોહમ અને સીમા માટે તે દિવસ માત્ર એક સામાન્ય રવિવાર નહોતો.
બેલનો અવાજ અને પિયાનોનો સ્વર તો ફરી મળ્યા હતા…
પણ બંનેના મનમાં વર્ષોનું મૌન હજુ પણ અડગ ઊભું હતું.
ચર્ચની બહાર આકાશમાં વાદળો છવાયેલા હતા.
ભીની હવામાં ફૂલોની સુગંધ તરતી હતી.
સીમા ચર્ચના બગીચામાં ઊભી હતી.
તેના હાથમાં સફેદ લિલીના ફૂલો હતા—
જે તેના પિતાએ ઉછેરેલા હતા.
સોહમ ધીમે ધીમે મીનાર પરથી નીચે ઉતર્યો.
તેના હાથ પર હજુ પણ લોખંડની સાંકળનો ભૂખરો કાટ લાગેલો હતો.
થોડો સમય બંને સામે સામે ઊભા રહ્યા.
કોઈનાથી કોઈ શબ્દ ન બોલાયો.
આખરે સીમાએ મૌન તોડી કહ્યું—
“સોહમ…
એ દિવસે… મેં જે જોયું હતું…
તે શું સાચું જ હતું?”
સોહમ થોડું હસ્યો.
એ હાસ્યમાં થોડો થાક અને થોડી વ્યથા હતી.
“હા…
તે સાચું હતું…
પણ અધૂરું.”
સીમા ચોંકી ગઈ.
“પાદરીની દીકરી મને ગામ છોડીને તેની સાથે શહેર જવા સમજાવી રહી હતી,”
સોહમે કહ્યું.
“તે મને કહેતી હતી કે, હુ
લુહારનો મજૂરીનો ધંધો છોડીને
નવું જીવન શરૂ કરું.”
“અને હું…
માત્ર તેને કહી રહ્યો હતો કે
મહુઆ અને… કેટલાક લોકોને
હું છોડીને ક્યાંય જઈ શકતો નથી.”
સીમાના હાથમાંના ફૂલો ધીમે ધીમે કંપી ઉઠ્યા.
“કેટલાક લોકો?”
તેણે પૂછ્યું.
સોહમે નજર ઊંચી કરી.
“હા…તેમા તું પણ હતી.”
પવન શાંત હતો,
પણ ચર્ચના મીનારા પરનો બેલ એકાએક હલ્યો—
ટનન…
સીમાની આંખોમાં મહિનાઓનું મૌન આંસુ બની તૂટી પડ્યું.
“મને લાગ્યું હતું…
તું મને ભૂલી
બીજીમાં મોહિત થઈ ગયો છે .”
સોહમે માથું હલાવ્યું, તે બોલ્યો,
“લોખંડને આગમાં નાખો તો તે નરમ બને છે,”
“પણ દિલની વાત અલગ હોય છે, સીમા.
ગરસમજની આગમાં તપે તો
તે વધુ કઠોર બની જાય છે.”
થોડી ક્ષણ બંને મૌન રહ્યા.
પછી સીમાએ હાથ આગળ વધાર્યો.
તેના હાથમાંનો એક સફેદ લિલીનું ફૂલ
સોહમને આપ્યું.
તે દિવસે બપોરે ચર્ચની અંદર પિયાનોના કી પર
સીમાની આંગળીઓ ફરીથી ધીમે ધીમે સરકી.
મહુઆ ગામના લોકો માટે
આ માત્ર એક સામાન્ય રવિવાર હતો.
પણ બે દિલ માટે—
બાળપણથી યુવાની સુધી
બેચેન રહેલું મન
આખરે શાંત થયું હતું. 🔔🌸
બીજે દિવસે સાંજે સૂર્યાસ્તના સમયે
સોહમ સોનાની નાની કડી ઘડી રહ્યો હતો.
સીમાએ તેની પાસે આવી પૂછ્યું—
“આ શું બનાવે છે?”
સોહમે સ્મિત કરીને કહ્યું—
“કડી.”
“કઈ કડી?”
અને સોહમે ઘડેલી નાની કડી
સીમાની આંગળીએ સરકાવી..
“આ કડી…
આપણા સંબંધને કદી તૂટવા દેશે નહીં.”
સોહમે બીજી નાની કડી
સીમાના હાથમાં મૂકી.
“ચર્ચના બેલ માટે નહીં…
પણ આપણા માટે.”
તે કડી એક નાની લોકેટ જેવી ઘડેલી હતી—
જેમા બે નાના હતા.
સીમાની આંખોમાં અજવાળું આવી ગયું.
એ જ સમયે ચર્ચના મીનારાનો શાંત બેલ
પવનના ઝોકાથી વાગ્યો—
ટનન…
સીમા હળવેથી હસી.
“લાગે છે બેલને પણ આપણા મન ની ખબર પડી ગઈ.”
થોડી જ વારમાં પાદરી પણ ત્યાં આવી પહોંચ્યા.
તેમણે બંનેને જોઈને આશીર્વાદ આપ્યા.
પાદરી બોલ્યા—
“ક્યારેક ભગવાન પોતાના બાળકોના મનને બેચેન રાખે છે,
પણ સંબંધોને તૂટવા દેતા નથી.
માત્ર તેમને સમય આપે છે—
જેથી લોકો સમજણથી ફરી જોડાઈ શકે.”
બીજા જ મહિને શુક્રવાર ની સાંજે
મહુઆ ગામના એ જ ચર્ચમાં
બેલ સતત વાગતો રહ્યો.
આ વખતે રવિવારની પ્રાર્થના માટે નહીં—
પણ સોહમ અને સીમાના લગ્ન માટે.
જ્યારે બેલ વાગતો હતો
અને પિયાનોના સ્વર ગુંજતા હતા,
મહુઆ ગામના લોકો કહેતા હતા—
“આ ચર્ચમાં બે સ્વર હંમેશા મળ્યા છે—
એક બેલનો…
અને એક દિલનો.”
અને ત્યારથી
મહુઆના ચર્ચમાં
જ્યારે પણ સાંજે બેલ વાગે ,
ત્યારે
લોકો કહે છે—
“કોઈકના બેચેન મનને
ફરી શાંતિ મળી હશે.” 🔔🎹✨

