જીવ
જીવ
તરૂ ચોમાસાની ઋતુમાં સાંજે પોતાનાં ઘરનાં પાછળનાં વાડામાં વાવેલાં ફૂલ છોડ જોઈ રહી હતી. બધાં ફૂલછોડ સાવ સુકાઈ ગયાં હતાં. હવે તો જો વરસાદ આવે તો જ તેમાં જીવ આવે
તેવું હતું. તે વિચારી રહી હતી કે, પૈસા કમાવવા પાછળની દોડમાં ભાગતા પતિની ઉપેક્ષાથી પોતે પણ તો આ ફૂલછોડ જેમ મૂરઝાઈ ગઈ હતી.
તરૂ વિચારી રહી હતી ત્યાં જ તેનાં ઘરની ડોરબેલ વાગી.
તે ઝડપથી બારણું ખોલવા ગઈ તેને હતું કે કદાચ પતિ ઑફિસેથી આવી ગયા હશે. તેણે બારણું ખોલ્યું ત્યાં તો તેના પતિની ઑફિસમાં નોકરી કરતો પતિનો મિત્ર મલ્હાર હતો. તરૂએ તેને આવકારો આપ્યો.
મલ્હાર ઘરમાં આવતાં જ બોલ્યો, "ભાભી હું અજયની કાર મૂકવા આવ્યો છું. અર્જન્ટ મિટિંગ હોવાથી અજય દિલ્હી ગયો છે. ત્રણ દિવસ પછી આવશે. એ એટલો ઉતાવળમાં હતો કે તમને ફોન કરવાનો પણ તેને સમય નહોતો. જો તેને મિટિંગમાંથી સમય મળશે તો તે તમને ફોન કરશે."
તરૂ માટે આ કંઈ નવું નહોતું. અજય એને સુખ સાહ્યબી પૂરતી આપતો હતો પરંતુ સ્ત્રીનું સાચું સુખ પોતાનો પતિ એનો થોડો સમય પત્નીને આપે તે હોય છે. જે અજયે ક્યારેય પણ તરૂને નહોતો આપ્યો. ઘરે આવેલા મહેમાનને એમ જ ન વળાવાય, એ તરૂ ખૂબ સારી રીતે જાણતી હોવાથી તેણે મલ્હારને ચા-નાસ્તો કરીને જવા કહ્યું. બહાર ધીમો-ધીમો વરસાદ વરસતો હોવાથી વાતાવરણમાં ઠંડક વ્યાપી રહી હતી. આવાં વાતાવરણમાં ચાની ના પાડવી એટલે 'લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવું' એ કહેવત બરાબર હતું. એટલે મલ્હારે તરૂનું આમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું. એ ચા-નાસ્તો કરી રહ્યો ત્યાં વરસાદ થોડો વધુ વરસતો થયો એટલે તરૂએ તેને વરસાદમાં પલળતાં જવાની ના પાડી. તરૂએ કહ્યું, " વરસાદ થોડો થોભે પછી જાજો. તમે કાર મૂકવા આવ્યા છો એટલે તમારે અહીંથી રોડ સુધી રિક્ષા માટે પલળતું જ જવું પડશે. પવન પણ બહુ ઠંડો ચાલી રહ્યો છે. જો પલળશો તો બિમાર થઈ જશો." મલ્હારને તરૂની વાત બરાબર લાગી. થોડીવારમાં તો વરસાદ મુશળધાર વરસવા લાગ્યો. હવે તો મલ્હારનું ઘરે જવું સાવ અશક્ય હતું કારણ કે અજય જે વિસ્તારમાં રહેતો તે શહેરની બહારની બાજુનો વિસ્તાર હતો. આટલાં વરસાદમાં હવે તેને કોઈ વાહન મળે તેવી આશા જ નહોતી. આખરે તેને અજયનાં ઘરે રાત રોકાવી પડે તેમ જ હતું.
તે આખી રાત વરસાદ એવો મુશળધાર જ વરસતો રહ્યો. સવારે જ્યારે વરસાદ રહ્યો ત્યારે તરૂ મલ્હારને વળાવી તેનાં વરંડામાં ફૂલછોડ જોવાં ગઈ તો વરસેલા વરસાદથી ફૂલછોડમાં
જાણે જીવ આવ્યો હોય તેવું લાગ્યું. તરૂએ પણ નાહી પરવારી જયારે અરીસા સામે આવી ત્યારે તેનાં ચહેરા પર પણ એક ના સમજાય તેવી ચમક હતી. ફૂલછોડની જેમ એ રાતનો મૂશળધાર
વરસાદ એનાં માટે પણ આશીર્વાદ બન્યો હતો.
