નવી સફર
નવી સફર
"અરે ! હવે આ ઉંમરે તને આ બધું શું સૂજે છે ? હવે કંઇ સાંઇઠ વર્ષે એમ ક્યાંય જવાતું હશે ? જાય તો પણ કંઇ 'પાકા ઘડે થોડાં કાંઠા ચડવાનાં ? આવું બધું તને કોણ કહેવા આવે છે ? તું સવારમાં જતી રહે તો સવારનાં બધાં કામકાજનું શું થાય એ વિચાર્યું છે ? " દેવીબેનના પતિ તેમને આ બધું કહી રહ્યા હતાં.
પહેલાં તો દેવીબેને તેમનાં પતિની વાત શાંતિથી સાંભળી. સાંભળ્યા બાદ તેઓ બોલ્યા, "આટલાં વર્ષોથી હું જ્યારથી પરણીને આવી છું ત્યારથી બસ હું તમને ગમે તેમ જ જીવી છું. મને પણ આખા દિવસમાંથી થોડો સમય ફક્ત મારા માટે જોઈતો હતો જે આટલાં વર્ષોમાં હું ક્યારેય નથી મેળવી શકી. હવે દીકરાઓ, તેમની વહુઓ બધાં પોતપોતાનું સવારનું કામ પોતાની રીતે કરી શકે છે. વહુઓ પણ નોકરીએ જતાં પહેલાં સવારે થોડું ઘણું કામ તમારા ચા-નાસ્તો બધું કરીને જશે. હું ક્યાંય જવા માટે તમારી મંજૂરી નથી માંગી રહી પરંતુ ફક્ત તમને હું શું કરવા જઈ રહી છું તેની જાણ કરું છું. મારે પણ નવા વર્ષની શરૂઆતમાં કંઈક નવું શિખવું છે નવું કરવું છે. લગ્નનાં ચાર દાયકા પછી તો હું મારી રીતે એટલો નિર્ણય લેવાનો હક્ક તો ધરાવું છું."
આટલું કહીને દેવીબેન સૂવા માટે જતાં રહ્યાં. બીજા દિવસે નવું વર્ષ શરૂ થવાનું હતું. બીજા દિવસે તેઓ ઉઠીને તૈયાર થઈ ગયા. ત્યાં જ તેમનાં ઘર પાસે ડ્રાઈવિંગ સ્કૂલની કાર આવીને ઊભી રહી અને દેવીબેને જીવનનાં છ દાયકા પછી એક નવી સફરની શરૂઆત કરી.
