માગણી વગરની લાગણી
માગણી વગરની લાગણી
અર્ચના અને અંકિતની સગાઇને તે દિવસે એક મહિનો થતો હતો. એક જ શહેરમાં બન્ને રહેતાં હોવાથી તે આખો દિવસ બન્નેએ સાથે રહી ઉજવવો તેમ નક્કી કર્યું. ઉજવણી માટે તેઓ શહેરથી દસેક કિલોમીટર દૂર આવેલ પ્રકૃતિધામ જવા રવાના થયાં. આખો દિવસ બન્નેએ ખૂબ આનંદપૂર્વક વિતાવ્યો. હવે તો સાંજ પણ ઢળી ચૂકી હતી. આકાશમાં આછાં આછાં તારલાઓ ટમટમવા લાગ્યા હતાં, આખરે બન્ને પ્રેમીપંખીડાને પણ નાછૂટકે પોતાનાં માળામાં પાછું જવું પડે તેમ જ હતું. લગ્નને તો હજુ છ મહિનાની વાર હતી. આનંદની ક્ષણો વાગોળતા વાગોળતા તેઓ શહેર તરફ આવી રહ્યાં હતાં.
ત્યાં જ અંકિત અને અર્ચનાના આ આનંદને કોઇની નજર લાગી હોય તેમ, અંકિતના બાઇક સાથે કોઇ પથ્થર અથડાયો અને તેણે બૅલેન્સ ગુમાવ્યું. અંકિતને તો હાથ-પગમાં જ ઈજાઓ થયેલી,પણ અર્ચનાને વધુ ઇજા થયેલી એ બાઇકમાં એક સાઇડ બેસેલી હોવાથી બાઇકનું બધું વજન તેના પર આવી ગયેલું. તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી.
દસ દિવસ અર્ચના હૉસ્પિટલમાં હતી. અંકિત આ દરમિયાન સતત તેની સાથે જ રહેતો. તે દિવસ અર્ચનાને હૉસ્પિટલમાંથી રજા આપવાનાં હતાં, અને તેનાં બધાં રિપોર્ટસ પણ તે જ દિવસ આવવાનાં હતાં. અંકિત અર્ચનાને હૉસ્પિટલમાંથી રજા આપવાનાં હોવાથી રોજ કરતાં પણ વહેલો આવી ગયો. થોડીવાર થઇ ત્યાં ડૉક્ટર પણ રાઉન્ડમાં આવ્યા, તેમણે અર્ચનાનાં રિપોર્ટની ફાઇલ અંકિતને આપી. રિપોર્ટસ જોતાં જ અંકિત તે ફાઇલ અર્ચનાનાં પપ્પાને આપી ત્યાંથી જતો રહ્યો. ફાઇલમાં જ્યારે અર્ચનાએ અને તેના પરિવારે રિપોર્ટસ વાંચ્યા ત્યારે તેઓ સ્તબ્ધ થઇ ગયાં. કારણકે રિપોર્ટસમાં મેડિકલ ભાષામાં એવું લખાયેલું હતું કે, અર્ચનાને પછડાટ લાગવાથી તેને પેટની અંદર એટલી ઇજા થયેલી છે કે એનાં કારણે તેનું ગર્ભાશયમાં ખૂબ નુકસાન થયેલ છે. આ કારણે અર્ચના ભવિષ્યમાં ક્યારેય મા નહીં બની શકે.આ રિપોર્ટસ વાંચતા જ અચાનક તેના ચાલ્યા જવાથી, અર્ચના અને તેનાં પરિવારજનોએ વિચારી લીધું કે હવે અંકિત ક્યારેય પણ ફરી નહીં આવે.
ખરેખર થયું પણ તેવું જ અંકિતને ગયા આજે દસ દિવસ થયા હતાં. આટલા દિવસોમાં ના તો તે આવેલો કે ના તો તેનો ફોન.
અર્ચના વિચારી રહી હતી કે, "શું પુરૂષને ફ્ક્ત સ્ત્રીનું રૂપ જ તેની તરફ આકર્ષિત કરે છે ? લાગણીની કોઇ કિંમત નથી હોતી ?"
અર્ચના આમ વિચારી રહી હતી ત્યાં જ તેણે અંકિતના બાઇકનો અવાજ સાંભળ્યો,અને તે તંદ્રામાંથી બહાર આવી. તેણે જોયું તો અંકિત કોઇ અન્ય વ્યક્તિ સાથે ઘરમાં આવી રહ્યો હતો. ઘરમાં આવતાં જ તેણે અર્ચનાને કહ્યું, "આ ભાઇ છે તે વકીલ છે. આમની સામે જ તું મને આ કાગળ પર સહી કરી આપ. અને એક કાગળ તેની સામે ધર્યો." અર્ચનાએ એ કાગળ હાથમાં લઇને જોયો તો તે કાગળ તેનાં અને અંકિતનાં મેરેજ રજિસ્ટ્રેશનનો કાગળ હતો. તેણે આશ્ચર્યથી અંકિત સામે જોયું. અર્ચનાને આમ આશ્ચર્યચકિત થતી જોઇ અંકિતે કહ્યું, "આપણાં લગ્ન વિધિવત ભલે છ મહિના પછી હોય, પણ આપણાં કોર્ટમેરેજ તો આજે જ થઇ ગયા. તને એમ હતું ને કે તે દિવસે હું રિપોર્ટસ જોઇને જતો રહેલ માટે હું કોઇ દિવસ ફરી નહીં આવું. સાચું તો એ હતું કે રિપોર્ટસ જોઇને એ જ ઘડીથી હું આપણાં લગ્નનાં રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં લાગી ગયો હતો. મારે તને સરપ્રાઈઝ આપવી હોવાથી આટલાં દિવસ મેં તને ફોન પણ નહોતો કર્યો. મેં તને પ્રેમ કર્યો છે. તારાંમાં એક ખામી આવી ગઇ તો શું થયું? હું કાયમ સો ટકા જ રહીશ એવું પણ તો ક્યાંય નથી લખ્યું?" આ સાંભળતાં જ અર્ચના અંકિતની બાંહોમાં ખોવાઇ ગઇ.

