STORYMIRROR

Meghal upadhyay

Tragedy

4  

Meghal upadhyay

Tragedy

પતંગ કપાઈ ગઈ

પતંગ કપાઈ ગઈ

2 mins
435

સોનાલીના સાસરે આવ્યા પછી, તે વર્ષે સાસરામાં સોનાલીની પહેલી ઉત્તરાયણ હતી. ઉત્તરાયણ સોનાલીનો મનપસંદ તહેવાર હતો. પિયરમાં હતી ત્યારે તે બધાંની પહેલા અગાસી પર પતંગ ઊડાડવા ચડી જતી‌. સાસરે પણ તે સવારમાં વહેલી નાહી ધોઈ તૈયાર થઈને અગાસી પર પતંગ ઊડાડવા જઈ રહી હતી, ત્યાં જ તેનાં સાસુએ કહ્યું, " લે અત્યારમાં તે કંઈ પતંગ ઊડાડવા જવાતું હશે ? પહેલાં ઘરનું કામ પતાવો."

આ સાંભળી સોનાલી ઘરનાં કામોમાં પરોવાઈ ગઈ. તે જ્યારે આંગણું વાળી રહી હતી, ત્યાં તેની નજર આકાશમાં ઊંચે ઊંચે ઊડતી સોનેરી પતંગ પર ગઈ. એ જોઈને તે વિચારવા લાગી કે તેનું સપનું હતું કે જેમ તેની પતંગ હંમેશા સૌથી ઊંચે ઊડતી, તેમ ભણી ગણીને પોતાને સરકારી નોકરીમાં સર્વોચ્ચ સ્થાન મેળવવું હતું. તે જેટલી પતંગ ઊડાડવામાં હોંશિયાર હતી તેટલી જ ભણવામાં પણ હોંશિયાર હતી. તે જ્યારે કોલેજનાં બીજા વર્ષમાં હતી ત્યારે પિતાને અચાનક જીવલેણ બિમારી આવી પડી,અને પિતાની ઈચ્છા સોનાલીનાં લગ્ન જોઈ જવાની હોવાથી તેને સંજોગોવશાત લગ્ન કરી લેવા પડ્યા.

 લગ્ન માટે તેને પરિવારજનોએ સમજાવેલી ત્યારે કહેલું," એ તો સાસરે જઈને પણ ભણી શકાય." આ રીતે તે માની પણ ગયેલી. તેનાં લગ્નને આઠ મહિના થવા આવ્યા હતાં પરંતુ એક વાર પણ તે આગળ અભ્યાસ માટે વિચારી નહોતી શકી.

સોનાલી ઊડતી પતંગ જોઈ વિચારી રહી હતી ત્યાં જ તેનાં પતિની બૂમ સંભળાઈ, " સોનાલી ફળિયામાંથી પતંગો જ જોયાં કરીશ કે કામ પણ કરીશ. ક્યારના બધાં તું ક્યારે ચા નાસ્તો તૈયાર કરે તેની રાહ જોઈ રહ્યા છે." સોનાલી તંન્દ્રામાંથી બહાર આવી જ્યાં ઘરમાં જઈ રહી હતી ત્યાં એ જ સોનેરી પતંગ કપાયને તેનાં આંગણામાં પડી. અને સોનાલી મનમાં‌ થોડી નિરાશા સાથે બોલી, " ઊંચે ઊડતી પતંગ કપાય ગઈ."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy