વેલેન્ટાઈન ડે ગિફ્ટ
વેલેન્ટાઈન ડે ગિફ્ટ
અવની અને અચલ કોલેજના પ્રથમ વર્ષથી જ એકમેકના પ્રેમમાં ગળાડૂબ હતાં.બે વર્ષ પહેલાં લગ્ન કરી બંને એ પોતાના પ્રેમને સાર્થક કર્યો.
આ બે વર્ષમાં આમ તો બંને વચ્ચે કોઇ વિવાદ ન હતો.પણ છેલ્લા થોડા સમયથી અમુક મિત્રોની સંગતથી અચલને મહિનામાં ચાર પાંચ દિવસ મિત્રો સાથે નોનવેજ ફૂડ લેવાની આદત પડી ગઇ હતી.અવનીને નાનપણથી જ પોતાના સ્વાદ માટે કોઇ નિર્દોષ પશુ પંખીને કાપી ખાય તેની પર સખત ચીડ હતી. તો તે પોતાના પતિની આ આદત કેમ સહન કરી શકે? તેણે બે ચાર વાર આ બાબત અચલને કહી જોયું, પણ અચલ તેની એ વાત પર કોઈ ધ્યાન જ ના આપતો.આખરે અવનીએ મનમાં કંઇક નક્કી કરી અચલને એ બાબત કહેવાનું જ છોડી દીધું.
આમ જ થોડા દિવસો પસાર થયા ત્યાં પ્રેમનું પર્વ એવું વેલેન્ટાઈન વીક શરૂ થયું.અવની અને અચલને આ દિવસોનો કોઈ અલગ જ આનંદ રહેતો.કેમકે આ સપ્તાહનો પહેલો જ દિવસ રોઝ ડે તે બંનેનો મેરેજ ડે હતો.એ દિવસ બંનેએ ખૂબ આનંદથી પસાર કર્યો.પ્રપ્રોઝ ડેના દિવસે સવારમાં જ અવનીએ જે ઘણાં દિવસોથી મનમાં નક્કી કરેલ હતું તે અચલને કહ્યું,"અચલ પ્રેમના આ પર્વમાં આજ હું તને જે પ્રપ્રોઝ કરવા જઇ રહી છું તે બાબત તને કદાચ મંજૂરતો નહીં હોય તો પણ હું તને કહીશ.શું તું મને પ્રોમિસ આપી શકીશ કે તું હવેથી નોનવેજ ફૂડ લેવાનું બંધ કરીશ." અવનીની આ પ્રપ્રોઝ સાંભળી હંમેશા મુજબ તેનો કોઇ પણ પ્રતિભાવ આપ્યા વગર અચલ ઓફિસ જતો રહ્યો.
આ પર્વના બીજા બે દિવસ બંને માટે સામાન્ય દિવસોની જેમ વિતી ગયા.પરંતુ પ્રોમિસ ડેના સાંજે ઘરે આવતા જ અચલે અવનીને ચોકલેટની મિઠાસ અને સુંદર ટેડીબેરની ભેટ આપી અવનીને કહ્યું," અવની આજે હું તારી પ્રપ્રોઝ માન્ય રાખી તને પ્રોમિસ આપું છું કે હવેથી આજીવન હું ક્યારેય પણ નિર્દોષ પશુ પંખીને કાપી નહીં ખાઉં.આ તો હું તને પ્રોમિસ આપું છું વેલેન્ટાઈન્સ ડેની એક અનોખી ગિફ્ટતો હું તને તે દિવસ આપીશ." આ સાંભળી અવનીના ચહેરા પર હર્ષ વ્યાપી ગયો.અને તે વેલેન્ટાઈન્સ ડેની અનોખી ગિફ્ટની રાહ જોવા લાગી.
વેલેન્ટાઈન્સ ડેના દિવસે સવારમાં જ અચલ અવનીની આતુરતાનો અંત લાવવા માંગતો હોય તેમ તેણે અવનીને એની આંખો બંધ કરી બંને હાથ પોતાની સામે ધરવા કહ્યું.અવનીએ એમ કરતાં જ અચલે તેનાં હાથમાં એક એન્વેલેપ મૂકી આંખો ખોલવા કહ્યું.અવનીએ આંખો ખોલતાં જ પોતાના હાથમાંનું એન્વેલેપ જોતા એ હસી પડી.હસતાં હસતાં તેણે અચલને કહ્યું,"અરે આ તો એક સામાન્ય એન્વેલેપ છે તો એમાં તે મને અનોખી ગિફ્ટ શું આપી?."
અચલે પણ મોં પર હાસ્ય લાવી અવનીને કહ્યું, "પહેલાં તું એ ખોલ પછી તું મને કહેજે કે આ ગિફ્ટ કેવી છે તે." અને અવની પોતાની ગિફ્ટ જોવા હસતાં હસતાં એન્વેલેપ ખોલવા લાગી તેને હતું કે બહુ બહુ તો તેમાં અચલે લખેલો પ્રેમ પત્ર હશે.પણ એ ખોલતાં જ અવનીના આનંદની કોઇ સીમા ન રહી ખરેખર તેના વેલેન્ટાઈને તેને અનોખી ગિફ્ટ આપી હતી શહેરમાં ચાલતી વિગન ક્લબના બંનેના મેમ્બરશીપ કાડૅની.
આમ અવની અને અચલે પોતાના પ્રેમની જેમ આ પ્રેમનું પર્વ પણ સાર્થક કર્યું.અને લોકોને એ સંદેશો પણ આપ્યો કે હજારો રૂપિયાની ગિફ્ટથી જ પ્રેમની અભિવ્યક્તિ થઇ શકે એવું નથી.પરંતું એકબીજાને જે ગમતું હોય તે એકબીજા માટે કરવું તે પ્રેમની સાચી અભિવ્યક્તિ છે.
✍️:મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય 'મેઘુ' રાજકોટ

