પાકકલા
પાકકલા
તે દિવસ સોસાયટીમાં મહિલા મંડળની શરબત બનાવવાની સ્પર્ધા હતી. દેવિકાએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધેલ. તે થોડા સમય પહેલાં જ પતિની નોકરીને કારણે શહેરમાં રહેવાં આવેલ. તેથી આવી હરિફાઈમાં પહેલીવાર ભાગ લઈ રહી હતી.
દેવિકા તો બધી સામગ્રી લઈ સ્પર્ધાનાં સ્થળ પર પહોંચી. ત્યાં જઈને જોયું તો લગભગ ત્રીસેક બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધેલ. દેવિકાએ જોયું તો બધી બહેનો શરબત બનાવવા મોંઘા મોંઘા ફળ અને અન્ય મોંઘી વસ્તુઓ લાવેલ હતી. જ્યારે દેવિકા તો શરબતને બીજા પીણા બનાવવા,આપણે રોંજિદા વપરાશમાં રસોડામાં જે સામગ્રી વાપરીએ, તે જ લાવેલ. પહેલાં તો દેવિકાને મનમાં વિચાર્યું કે, "આ બધી બહેનો પાસે તો સરસ સરસ ફળને એ બધું છે. તેથી એમનાં શરબત જ સરસ બને ને ? તો પણ ચાલો હું લાવી છું એ બધી સામગ્રીમાંથી શરબત બનાવું."
આમ વિચારી દેવિકાએ વરિયાળી અને ખડી સાકરનું શરબત, લીંબુ, આદું અને ગોળનું શરબત, આમલી અને ગોળમાં જીરું મીઠું નાખી આંબલવાણું, કોકમનું શરબત બનાવ્યા. વરિયાળી, બદામ-પિસ્તા, મરી, મગજતરીના બી,ખસખસ, ખડી સાકર બધાંનો ભૂકો કરી ઠંડા દૂધમાં નાખી ઠંડાઈ બનાવી. ફૂદીના, લીંબુ, સંચળ, શેકેલા જીરાને વાટી પાણીમાં પલળવા મૂકી દઈ જલજીરા પાણી બનાવ્યું. આ બધું તેણે સ્પર્ધા માટે આપેલા સમયમાં બનાવી ટેબલ પર મૂકી આપ્યું. દેવિકાએ જોયું તો બધાંનાં ટેબલ અવનવા ફળ અને વિવિધરંગી શરબતનાં ગ્લાસ દ્વારા સજાવેલા હતાં. તેનું ટેબલ સાવ સાદું લાગતું હતું. દેવિકાએ પોતે બનાવેલ પીણાનાં ગ્લાસ અને તેની આજુબાજુમાં એમાં વાપરેલ બધી સામગ્રી મૂકેલ હતી.
નિર્ણાયકો બધાંનાં બનાવેલાં શરબત,પીણાની ખૂબ જ બારીકાઈથી ચકાસણી કરતાં હતાં. થોડીવાર પછી સ્પર્ધાનું પરિણામ જાહેર થવાનું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક મહિલાને પરિણામની ઉત્કંઠા હતી. એક દેવિકાને જ પરિણામ આવવાની કોઈ રાહ નહોતી. બીજા બધાંનાં શરબતને જોઈ એણે મનમાં વિચારી જ લીધેલ કે, આમાં મારા શરબતની તો નિર્ણાયકોએ નોંધ પણ નહીં કરી હોય."
પરિણામનાં સમયે દેવિકા સહુથી પાછળ બેઠી હતી. ત્રીજો, બીજો નંબર જાહેર કરવામાં આવ્યો. હવે બધાંને પહેલાં નંબર પર કોણ વિજેતા બને છે તે જાણવાની તાલાવેલી હતી. આ આતુરતાનો અંત લાવતાં નિર્ણાયકોએ પ્રથમ નંબર મેળવનાર મહિલાનું નામ જાહેર કર્યું. પ્રથમ નંબર મેળવનાર મહિલાનું નામ સાંભળતા જ બધાં આશ્ચર્યમાં પડી ગયા. આ જોઈ નિર્ણાયકો અન્ય સ્પર્ધક મહિલાઓને કહ્યું, " જુઓ દરેક સ્પર્ધક મહિલા એ બધાં શરબત બનાવવામાં ખૂબ મહેનત કરેલ. બધાંનાં શરબત સ્વાદિષ્ટ પણ હતાં, પરંતુ બધાં એ ક્યાંકને ક્યાંક ખાદ્ય રંગ, કૃત્રિમ મીઠાશ, મોંઘા ફળોનો ઉપયોગ કરેલ. જ્યારે દેવિકાએ બધાં શરબત અને પીણા આપણાં રસોડામાંથી ત્વરિત મળી આવતી સામગ્રીમાંથી જ બનાવેલ. તેણે ક્યાંય પણ કોઈ કૃત્રિમ વસ્તુ કે મોંઘા ફળનો ઉપયોગ નથી કરેલ. તો પણ તેણે બનાવેલા બધાં શરબત અને પીણા સ્વાદની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ સાબિત થયા. આ રીતે દેવિકાએ પૂરવાર કર્યું કે અચાનક કોઈ મહેમાન આવે તો, આપણે રસોડામાં વપરાતી રોજિંદી સામગ્રી દ્વારા સ્વાદિષ્ટ શરબત બનાવી શકીએ છીએ. તે માટે કોઈ કૃત્રિમ રંગ, મીઠાશ કે મોંઘા ફળોની જરૂર પડતી નથી. આ બધી બાબતો ધ્યાનમાં રાખી અમે દેવિકાની પ્રથમ વિજેતા માટે પસંદગી કરેલી.
દેવિકાએ પ્રથમ વિજેતાનું સ્થાન મેળવી, સાબિત કરી આપ્યું કે સફળતા મેળવવા માટે બાહ્ય આડંબર નહીં પરંતુ માણસની અંદર કોઈ કલા હોવી જોઈએ.
