જીતનો જશ્ન
જીતનો જશ્ન
સહુ કેદીઓ ધ્યાનચંદને તેની કોટડીમાં બેઠેલો જોઈ નવાઈ પામી ગયા. બીજી કોટડીમાં કેદ રામપાલે અચરજથી પૂછ્યું, “અરે ! ધ્યાનચંદ તું અહિયાં ? તું કાલ રાતે જેલમાંથી ફરાર થવાનો હતો ને ?”
આ સાંભળી બાજુની કોટડીમાંનો કેદી સુરેન્દ્ર બોલ્યો, “આ માટે તું પાછલા વીસ વર્ષોથી સુરંગ ખોદી રહ્યો હતો ! પછી શું થયું ?”
ધ્યાનચંદે શાંતિથી જવાબ વાળ્યો, “કાલ રાતે હું સુરંગ વાટે જેલમાંથી ભાગી જવામાં સફળ થયો હતો. પરંતુ...”
રામપાલે અચરજથી પૂછ્યું, “પરંતુ... પરંતુ શું ? તું જેલમાં પાછો કેવી રીતે આવ્યો ?”
*****
“બા, તમે આ બાળકોને શું સંભળાવી રહ્યા છો ?” પડોશના વિનાયકે સરોજબાને પૂછ્યું. વિનાયકનો દસ વર્ષનો દીકરો રાજુ ત્યાં બેઠેલા બાળકોને જોઈ રહ્યો. ગોળ કુંડાળા કરી એકબીજાથી સલામત અંતરે બેઠલા બાળકોને જોઈ તેને મજા પડી.”
“બેટા વિનાયક, તું તો જાણે જ છે કે હાલ કોરોનાએ વિશ્વભરમાં કેવો ત્રાહિમામ પોકાર્યો છે. આ મહામારી રોજ હજારોના જીવ લઈ રહી છે. સઘળું જનજીવન ખોરવાઈ ગયું છે. અખબારો, ન્યુઝ ચેનલ અને સોશ્યલ મિડિયામાં બધે એક જ વાત ચાલે છે. કોરોના, કોરોના અને બસ કોરોના. આ બધાને કારણે બાળકો માનસિક રીતે પડી ભાંગ્યા છે. બાળકોને આમ વ્યથિત જોઈ મનમાં થયું ચાલ તેમને એક નાનકડી વાર્તા કહી તેમનું હૈયું હળવું કરું. વળી વાર્તાના બોધથી આ વિકટ પરિસ્થિતિ સામે કેમ કરીને લડવું તે પણ સમજાવું.”
“પપ્પા, મારે પણ વાર્તા સાંભળવાની છે.” રાજુએ જિદ કરતા કહ્યું.
સરોજબાએ વહાલથી કહ્યું, “બેટા, ચિંતા ન કર, હું તને પણ વાર્તા કહીશ.”
રાજુ એક ખાલી કુંડાળામાં જઈને ગોઠવાઈ ગયો.
સરોજબાએ વાર્તા કહેવાની શરૂ કરી, “ધ્યાનચંદ નામના એક વ્યક્તિની ખૂનના આરોપસર ધરપકડ થઈ.”
મુન્ની વચ્ચે જ બોલી, “બા, ધ્યાનચંદ જેલમાં પાછો કેવી રીતે આવ્યો. ત્યાં વાર્તા અટકી હતી.”
“હા બા, આ તો તમે વાર્તા શરૂઆતથી કહેવાની ચાલુ કરી દીધી.” વીજુ બોલ્યો.
“બાળકો, રાજુ હમણાજ આવ્યો છે. જો હું અડધેથી વાર્તા કહીશ તો એ તેને નહીં સમજાય.”
બાળકો ઉસ્તુકતાથી બોલ્યા, “બા, અમને ધ્યાનચંદ જેલમાં પાછો કેવી રીતે આવ્યો તે જાણવાની તાલાવેલી છે.”
“બાળકો, રાજુની ખુશી માટે તમે થોડીવાર ધીરજ રાખી નહીં શકો ? વળી વાર્તા ખૂબ જ નાની છે. હું ઝડપથી એ કહી સંભળાવું છું.”
બાળકોના મોઢા પર નિરાશાના ભાવ ડોકાયા.
“બાળકો, રાજુ માટે હું તમને કેમ ફરીથી વાર્તા કહી સંભળાવું છું, એ તમે જાણો છો ?”
“કેમ ?”
“તેનું કારણ હું તમને વાર્તાને અંતે કહીશ.”
સહુ બાળકો ઉમંગથી બોલ્યા, “ઠીક છે બા.”
“રાજુ, તું બેસ હું હમણાં આવું છું.” આમ કહી વિનાયક જવા માંડ્યો.
“અરે ! વિનાયક તું ક્યાં ચાલ્યો ?”
“બા, એક કામ યાદ આવ્યું તે પતાવી અબઘડી પાછો આવું છું.”
“કામ મહત્વનું છે ?”
“ના. કંઈ ખાસ નથી પણ મેં વિચાર્યું કે...”
“ખાસ નથી તો બેસને બધા સાથે. બે ઘડી બાળકોને પણ સારું લાગશે.”
“પણ બા...”
“પણ બણનો ભાર મણ. છાનો માનો બધા સાથે વાર્તા સાંભળ.”
વિનાયક અદબવાળી ત્યાંજ ઊભો રહ્યો.
બાએ વાર્તા કહેવાની શરૂ કરી, “ધ્યાનચંદ નામના એક વ્યક્તિની ખૂનના આરોપસર ધરપકડ થઈ. ધ્યાનચંદ વારંવાર કહેતો રહ્યો કે તે નિર્દોષ છે તેણે કોઈનું ખૂન કર્યું નથી પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. આખરે કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી. ધ્યાનચંદ આ ચુકાદાથી ખૂબ નારાજ હતો. જેલની ચાર દીવાલોમાં તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. પરંતુ એ કરી પણ શું શકે ? ધીમે ધીમે તેની બીજા કેદીઓ સાથે મિત્રતા બંધાતી ગઈ. ફુરસદના સમયે તે તેમની સાથે હસીમજાક કરતો. દેશદુનિયાની વાતો સાંભળતો. આવી જ વાતોમાંથી તેને જેલમાંથી ફરાર થયેલા કેદીઓના અનોખા કિસ્સાઓ જાણવા મળ્યા. આ કિસ્સામાંથી એક યુક્તિ તેના મનમાં ઘર કરી ગઈ. જેલમાં જમવાના સમયે તેણે ખૂબ જ ચાલાકીથી એક ચમચી ચોરી લીધી. હવે તે રોજ પોતાની કોટડીમાં આવતો અને ચમચી વડે જેલની ફર્શને કોતરતો. આમ ચમચી વડે સુરંગ ખોદવાની કલ્પના રમુજી લાગે. પરંતુ ધ્યાનચંદ પાસે પુષ્કળ ધીરજ હતી. “ઉતાવળે આંબા ન પાકે” એ ઉક્તિ પર તેને ગાઢ વિશ્વાસ હતો. હવે એ દિવસરાત સુરંગ ખોદવાના કામમાં મગ્ન રહેવા લાગ્યો. કોઈ સાથે વાતચીત નહીં, કોઈ સાથે કોઈ સંવાદ નહીં. બસ સમય મળે ત્યારે સુરંગ ખોદવાની અને લાગ મળે ત્યારે માટીને ખિસ્સામાં ભરી બહાર મેદાનમાં જઈને ખંખેરી આવવાની. વીસ વર્ષ સુધી નિયમિતપણે કરાતું આ કામ રંગ લાવ્યું. કોટડીમાંથી બહાર નીકળવા પૂરતી સુરંગ ખોદવામાં તે સફળ થયો હતો. જે રાતે તે જેલમાંથી ફરાર થવાનો હતો તેના આગલા દિવસે તે સહુ કેદી મિત્રોને મળ્યો. સહુએ ધ્યાનચંદના ધીરજ અને ખંતના વખાણ કર્યા તથા તેને સારા ભવિષ્યની શુભેચ્છાઓ આપી. પરંતુ બીજા દિવસે જયારે સહુ કેદીઓએ ધ્યાનચંદને તેની કોટડીમાં જ બેઠેલો જોયો ત્યારે તેમને ખૂબ નવાઈ લાગી.
એક કેદી રા
મપાલે પૂછ્યું, “અરે ! ધ્યાનચંદ તું અહિયાં ? તું કાલ રાતે જેલમાંથી ભાગી જવાનો હતો ને ?”
ધ્યાનચંદે જવાબ આપ્યો, “હા, હું ભાગી છૂટવામાં સફળ થયો હતો.”
સુરેન્દ્રએ પૂછ્યું, “તો તું પાછો કેમ આવ્યો ?”
સહુ બાળકો અંત જાણવા આતુર થયા, “જલદી બોલોને બા. ધ્યાનચંદ પાછો કેમ આવ્યો ?”
“કહું છું બાબા. કહું છું.”
બાળકો ધ્યાનથી સાંભળવા લાગ્યા. સરોજબા જ્યાંથી અટક્યા હતા ત્યાંથી વાર્તા કહેવાની શરૂ કરી.
ધ્યાનચંદે કહ્યું કે, “સુરંગમાંથી બહાર નીકળી હું માંડ બે ડગલા જ ચાલ્યો હોઈશ ત્યાં મારા ધ્યાનમાં આવ્યું કે, તમારા વગર જીવવું હવે મારા માટે કપરું છે. તમે સહુ મિત્રો સાથે આજે આટલા વર્ષ સાથે વિતાવ્યા બાદ તમારા વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હું તમારા માટે પાછો આવ્યો દોસ્તો. તમારી સાથે રહેવા પાછો આવ્યો.”
“પરંતુ સુરંગનું શું ?”
“મેં સામે ચાલીને જેલરને તે બતાવી દીધી છે.”
“પણ કેમ ?”
“મને ફરીથી જેલમાંથી ફરાર થવાનો મૂર્ખતાપૂર્ણ વિચાર સૂઝે નહીં એટલા માટે.”
આ સાંભળી સહુ કેદીઓની આંખોમાં અશ્રુ આવી ગયા.
સરોજબાએ પૂછ્યું, “બાળકો, આ વાર્તા પરથી તમને શો બોધપાઠ મળ્યો ?”
મુન્નીએ ઊભા થઈને કહ્યું, “મિત્રથી મોટો બીજો કોઈ નાતો નથી.”
વીજુએ હાથ ઊંચો કર્યો.
સરોજબા બોલ્યા, “વીજુ તું બોલ.”
“દુનિયામાં બધા વગર ચાલે પરંતુ દોસ્તો વગર નહીં.”
“શાબાશ. પરંતુ આ વાર્તામાં એક ગહન બોધ છૂપાયેલો છે જે હું તમને સમજાવવા માંગું છું.”
“કયો બા ?”
“બાળકો, ધ્યાનચંદે એ જ ભૂલ કરી જે આજે આપણે કોરોનાની સ્થિતિમાં કરી રહ્યા છીએ. જે દોસ્તો વગર ધ્યાનચંદ બે ડગલા પણ ચાલી શક્યો નહીં. એ જ દોસ્તો સાથે જિંદગી જીવવાના લહાવાથી તે વીસ વર્ષ સુધી વંચિત રહ્યો ! મતલબ ધ્યાનચંદ એ નિરર્થક ખુશીની પાછળ દોડી રહ્યો હતો જે તેના માટે કોઈ મહત્વની નહોતી. આજે આપણે પણ આપણા મનમાં કોરોનાનો ડર એટલો બેસાડી દીધો છે કે વાસ્તવિક જીવનનો આનંદ ઊઠાવવાનું જ ભૂલી ગયા છીએ. બાળકો જયારે કોરોનાની સ્થિતિ સુધરશે ત્યારે સ્કૂલોમાં મળેલી આ જ રજાઓ તમને ખૂબ યાદ આવશે. તમારે ઘરમાંથી બહાર નીકળવાનું નથી એ સ્થિતિનો લાભ લઈ પરિવારજનો સાથે આનંદ કરો. કોરોનામાં લોકોનું દેહાંત થઈ રહ્યું છે એ દુઃખદ વાત છે. પરંતુ તેનો આઘાત રાખી હાલ આપણી સાથે જે જીવી રહ્યા છે તેઓને ભૂલી જવું કેટલું યોગ્ય છે ? આપણને દુઃખી જોઈ તેઓનો પણ જીવ બળે છે. પરંતુ આ વાત આપણે સમજતા જ નથી. યાદ રાખજો કોરોના આજે છે અને કાલ નથી. પરંતુ કાલે આપણામાંથી ઘણા બધા સાથે હશે. કોરોનાએ આપણને બતાવી આપ્યું છે કે જીવન ક્ષણભંગુર હોય છે. સવારે જોયેલા માણસની સાંજે મોતની ખબર સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં આપણે કોઈનું મનદુઃખ કરવાનું નથી. ભૂલમાંય કોઈની લાગણી દુભાવવાની નથી. શું ખબર જેની સાથે આપણે તોછડાઈથી બોલ્યા હોઈએ તે કદાચ આપણી સાથે કાલે ન પણ હોય ! પછી આજીવન તમારા કૃત્ય પર પસ્તાવો કરીને શો ફાયદો ? એટલે જ કહું છું કે હાલ જે આપણી સાથે છે તેમની સાથે હળીમળીને રહો. દુઃખ છે, પણ રડ્યા કરવાથી તે દૂર થવાનું છે ? ના. કોરોના પોઝીટીવ ના થાઓ તે માટે મનથી પોઝીટીવ રહેવું જરૂરી છે. હવે ખબર પડી ? મેં રાજુ માટે કેમ ફરીથી વાર્તા કહી સંભળાવી ? હું નહોતી ઈચ્છતી કે તેની લાગણી દુભાય.”
“બા, તમે બાળકોને ખૂબ સારી રીતે સમજાવ્યું.”
“વિનાયક, બાળકો તો જલદી સમજી જાય છે પરંતુ તમારા જેવા મોટેરાઓને સમજાવવાનું કામ કઠીન છે.”
“હું સમજ્યો નહીં.”
“થોડીવાર પહેલા તું ક્યાં જતો હતો ?”
“એ... એ...”
“નકામી રઝળપાટ કરી કોરોનાને ઘરમાં લઈ આવવા કરતા છાનોમાનો પરિવાર સાથે રહીને જીવનનો આનંદ લે ને.”
“પરંતુ બા કમાવીએ નહીં તો ખાઈશું શું ? વળી આ ડાહ્યો ડમરો થઈને બેઠો છે એ રાજુ ઘરે જતા જ કેટબરી, ચોકલેટ અને પીઝાની માંગણી કરશે. આ બધું લાવવા પૈસા તો જોઈને ? અને જો નહીં લાવું તો તમે જ કહેશો કે મેં તેની લાગણી દુભાવી.”
“જોયું બાળકો ? તમારા માતાપિતાને તમારા શોખ પુરા કરવા માટે નછુટકે ઘરની બહાર નીકળવું પડે છે. તમારા માટે શું જરૂરી છે ? તમારા માતાપિતા કે પછી કેટબરી, પીઝા ? શું કામ નાહકની જિદ કરી તમારા માતાપિતાને બહાર નીકળવા મજબૂર કરો છો. આમ કરી તમે તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છો. ખાવાપીવાની વસ્તુઓ તો પરિસ્થિતિ સુધરી જતા તમને મળી પણ જશે. પરંતુ કોરોનાએ ભરખી લીધેલા સગા કોઈકાળે પાછા નહીં મળે. કોરોના સામેની આપણી લડાઈ ચાલુ છે અને તે સમજદારી અને હળીમળીને આપણે લડવાની છે. સમજો અને બીજાઓને પણ સમજાવો. પરિસ્થિતિ ગંભીર છે આપણે તેને થાળે પાડવાની છે, નહીં કે વિકટ બનાવવાની.”
બાળકો બોલ્યા, “સોરી બા, આજ પછી અમે ક્યારેય ખોટી જિદ નહીં કરીએ.”
વિનાયકે કહ્યું, “બા, તમારી વાત સાચી છે. આપણે સહુ મળીને કોરોના નામના શત્રુને હરાવીશું અને સાથે મનાવીશું જીતનો જશ્ન”