જીત - એક સત્યકથા
જીત - એક સત્યકથા


તો. . . . . આ પ્રતિષ્ઠિત એવોર્ડના હક્કદાર છે. . . શ્રી શેફાલી. . . . એમને આ સ્વીકારવા વિનંતી. . . ગૌરવ ભરી ચાલે સ્ટેજ તરફ જતી શેફાલી ને અનેક આંખો જોઇ રહી હતી. એમાં બે મોતીયા ભરી આંખો ધૂંધળું ધૂંધળું. . . જાણે દૂરનું કંઇ જોતી હતી. . . . એને દેખાતી હતી ત્રણ -ચાર વરસની નિમાણે ચહેરે પોતાના પડખામાં ભરાયેલ એક બાળકી. હા, એ સુનંદા હતી. શેફાલીની મા. . . . . .
નાનપણમાં જ પોતાની જનેતાને ગુમાવી ચૂકનાર સુનંદાનું ભણતર તો પાંચ ચોપડીમાં જ પૂરું થઇ ગયું. ઘરકામ કરતાં મોટી થઇ ને દેખાવડી હોવાથી સોળ વરસે માંગુ આવતાં બાપે પરણાવી દીધી, પાછળ જ પોતે પણ બીજા લગ્ન કરી દીકરીના નામનું જાણે પરવારી જ ગયો. વસ્તારી સાસરીયાની, ગામમાં કરિયાણાની મોટી દુકાન હતી તે પૈસેટકે સુખી હતાં. બે વર્ષ બધું ઠીકઠાક ચાલ્યું, હા પિયરથી કંઇ આવતું નહીં તે એને મહેણાં તો સાંભળવા પડતાં. ત્રીજે વર્ષે એણે દીકરી ને જન્મ આપ્યો ને જાણે મોટું પાપ કર્યુ ! સુવાવડ દરમ્યાન જ એને સમજાઇ ગયું કે દીકરી આ ઘરમાં અળખામણી છે. એની જેઠાણીને બે દિકરા હતાં એ હતી પણ મોટા ઘરની એટલે રાજ કરતી. જેઠાણીના બે છોકરા પાણી માંગે ત્યાં દૂધ મળતું. એમને સારી વસ્તુ ખાતાં ને નવા નવા રમકડાંથી રમતા જોઈ નાની શેફાલી પણ મન કરતી પણ ઘરનાં બધાથી હડધૂત થઈ નિમાણે મોઢે એક ખૂણામાં બેસી રહેતી. . અરે! શેફાલી માંદી પડે તો એને માટે દવા પણ ન લવાતી. સુનંદા લાચાર બની ચૂપ રહેતી. જોતજોતામાં શેફાલી ચાર વર્ષ ની થઇ. એની જ ઉંમરના જેઠાણી ના દિકરાને આજે ધામધૂમથી શાળામાં મૂકવામાં આવ્યો. એ સાંજે સુનંદાએ ડરતા ડરતા શેફાલીને શાળામાં મૂકવાની વાત ઉચ્ચારી ને પતિ સહિત બધાએ એને ધમકાવી જ મૂકી કે "દીકરી ની જાત પાછળ ખર્ચ ન કરવાનો હોય એણે ભણીને શું કામ? ઘરનું કામ શીખવાડો" સુનંદા ના હૃદય માં જાણે એક મોટો ધ્રાસકો પડ્યો! દીકરી ને પોતાના જેવી અભણ,લાચાર રાખવાની!!! એની જિંદગી તો ન જ બગડવા દઉં. . ને એનામાં જાણે એક ઝનૂન પ્રગટ્યું.
બીજે દિવસે મળસ્કે ઘરનાં બધા સૂતાં હતાં ત્યારે પોતાના ને દીકરીનાં થોડા કપડાં, પિયરથી આણામાં લાવેલ બેગમાં નાંખી, પાસે રહેલ થોડા પૈસા ને દાગીના લઇ એણે સૂતી દીકરીને ખભે નાંખી ઘર છોડી દીધું. રેલ્વે સ્ટેશન પહોંચી ટીકીટ લઇ પહેલી જ ટ્રેઇન માં ચઢી ગઇ. ટ્રેઇન મુંબઈ જાય છે જાણી એને પોતાના મામા યાદ આવ્યાં. મા સાથે નાનપણમાં એમનું ઘર જોએલું. . . એણે બેગ ફંફોસી એમાં એક નોટબુકમાં લખેલું મામા નું સરનામું મળી આવ્યું. મુંબઈ ઉતરી શોધતા શોધતા એ મામાને ઘરે પહોંચી ગઇ. આજથી ચાલીસ-પિસ્તાલીસ વર્ષ પહેલાનો એ સમય હતો. દૂરનાં પરામાં સાધારણ ચાલીમાં રહેતા નિસંતાન મામા -મામી એ એને આશરો આપ્યો. પણ નિર્વાહ માટે કંઈ કામ તો કરવું પડે. ભણતર તો હતું નહીં. એ જમાનામાં બ્યૂટી પાર્લર નવા નવા નીકળેલા. એક પડોશણ એ કામ કોઇ ક્લાસમાં શીખેલી તે એણે દયા ખાઇ સુનંદા ને શીખવ્યું. ઘરમાંથી જ એણે કામ શરૂ કર્યુ ને ચાલી પડ્યું. . . . દીકરીને એણે મ્યુનિસિપાલિટી ની સ્કૂલમાં ભણવા મૂકી. કામ જામતાં એણે રસ્તા પર પડતી નાની જગ્યા ભાડે લીધી ને ત્યાં નાનું પાર્લર શરુ કર્યુ. જિંદગી થાળે પડી રહી હતી. મામા ક્યારેક લગ્ન ની વાત કાઢતાં પણ એનું તો એક જ ધ્યેય હતું -શેફાલીને ખૂબ ભણાવી -સફળ થતી જોવી!!
બે-ત્રણ દિવસથી રોજ બપોરે એ કોઈ ફોરેનરને પોતાના પાર્લર ની આસપાસ આંટા મારતા જોતી. આજે જો આવ્યો તો જરૂર પડકારીશ એણે વિચાર્યું. બપોરે એને જોતાં જ એણે બૂમ પાડી. એને હતું કે બૂમ સાંભળી પેલો ભાગી જશે,પણ એ તો હાથ જોડતો નજીક આવ્યો. અને ભાંગીતૂટી હિંદીમાં કંઇ કહેવા માંડ્યો. એની આંખોમાં સચ્ચાઈ જોઈ સુનંદાએ બેસાડી એની વાત સાંભળી તો સમજાયું કે એ એક વરસ થી ભારતમાં યોગ શીખવા ને શાંતિ ની શોધમાં ફરી રહ્યો હતો. છેલ્લે મુંબઈ માં આવતા એના પૈસાની ચોરી થઈ ગઇ છે. પાછા ફરવા પૈસા ભેગા કરવા એને કામ કરવું છે. પોતાના દેશમાં એ કોઇ કોસ્મેટિક કંપનીમાં કામ કરતો. એને ફેસક્રીમ બનાવતા આવડે છે. સુનંદાને એ શીખવાડે . . એ વેંચતા પૈસા ભેગા થાય એમાં થી એ ખર્ચો કાઢે. . . . . . નવું શીખવાની ધગશમાં સુનંદાએ ઓફર સ્વીકારી. . . ક્રીમ તો ખૂબ વેંચાવા માંડ્યું. બીજા પાર્લર વાળા પણ ખરીદતાં થયાં. ચાર પાંચ મહીનામાં પેલો ભગવાન બનીને આવેલો અજનબી તો જતો રહ્યો. સુનંદાએ આ કામ જ આગળ વધાર્યું. પોતાનું ધર લીધું, કોસ્મેટિક બનાવવા નાની ફેક્ટરી નાંખી. શેફાલીને સારી રીતથી ભણાવી. ભણતાં ભણતાં એ એક છોકરાના પ્રેમ માં પડી ને દુબઇમાં સેટલ થઈ. જમાઇ ખૂબ સારો હતો. એ સુનંદાને હવે આરામ કરવા કહેતો. બે વરસ વીત્યાં ને શેફાલી ડીલીવરી માટે મુંબઈ આવી. સુનંદાને જીવન પરિપૂર્ણ થતું લાગ્યું, જે દિવસે શેફાલી એ પુત્રને જન્મ આપ્યો તે દિવસે જ એના પતિનું એક્સિડન્ટ થી અવસાન થયું. જિંદગી જાણે કસોટી કરતી હતી. આ આઘાતથી શેફાલી ડીપ્રેશનમાં જતી રહી. પોતાની દુનિયાને આમ ધ્વસ્ત થતી જોઈ સુનંદા એક વાર તો ડરી ગઇ. પોતાના જીવન ભરનાં તપ ને આમ એળે જવાદે તો સુનંદા શાની? એણે શેફાલી ને હિંમત આપી, એની ટ્રીટમેન્ટ કરાવી સ્વસ્થ કરી. ફેક્ટરી ધમધમતી કરી શેફાલીના હાથમાં સોંપી પોતે શેફાલીના પુત્ર અનુજની પરવરિશમાં લાગી ગઈ.
આજે, પંદર વરસ પછી. . . . એ ફેક્ટરી વટવૃક્ષમાં બદલાઇ ગઇ છે. શેફાલીએ કોસ્મેટિકનાં મોટા મેન્યૂફેક્ચર તરીકે નામ બનાવ્યું છે. આજે આ બીઝનેસ એવોર્ડ લેવા ગર્વ ભેર ડગલાં માંડી રહી છે. . . . . એક ગૌરવશાળી ને ખુશખુશાલ ચહેરે.
કંઇક બોલતાં શેફાલી અટકી, સ્ટેજ પરથી નીચે આવી 'મા' નો હાથ પકડી ઉપર લઇ ગઇ ને એના ચરણોમાં ઝૂકી,ત્યારે પેલી મોતીયા ભરી આંખોમાં થી બે મોતી સરી પડ્યાં. . જેમાં ઝીલમીલતી હતી એક લક્ષ્ય હાંસલ કરવાની ખુશી. . . . આખી દુનિયા જીતવાની ખુશી.