ઝરમર-રમઝટ
ઝરમર-રમઝટ
ઇશ્વર વરસાદ રુપે દેશ પર વરસ્યો અને દેશવાસીઓ- કોઇ પ્રવાસમાં, કોઇ કોઇના શ્વાસમાં, કોઇ કોઇને પામવાના વિશ્વાસમાં ભીંજાતા તરબોળ હતાં.
એ જ વરસાદનું ટીપું સૂરજના પ્રખર તાપથી બળતા સરજતસિંહના શરીર પર પડતાં એણે રોમાંચ અનુભવ્યો..પણ ફક્ત એક જ ક્ષણ માટે. બીજી ક્ષણે આશ્ચર્ય! એ તો તણાઈ ગયો પૂરમાં...યાદોના પૂરમાં. એમાં ઘસડાતાં હતાં દૂર પંજાબના ગામડામાં રહેલ નાનું શું એનું ઘર, વૃધ્ધ મા, બિમાર પિતા, નિર્દોષ નાની બહેન, રાહ જોઈ બેઠેલી એની પ્રિયતમા અને એની સાથે આવા જ ઝરમર વરસાદમાં ગાળેલી મહેકતી ક્ષણો.
એ ક્ષણોને મૂઠીમાં પકડવા એ હવાતિયાં મારતો હતો પણ એતો જાણે દૂર દૂર સરકતા ગયા કારણ જે સરહદ પર લાન્સ નાયક સરજતસિંહ ફરજ બજાવી રહયો હતો ત્યાં ઝરમર વરસાદની સાથે જ દુશ્મનોની બંદૂકની ગોળીઓની રમઝટ પણ શરૂ થઈ ગઈ હતી. એમાંથી કઈ ગોળીનું સર્જન સરજતસિંહના નામે હશે એ તો સર્જનહાર ને જ ખબર....!