ઝેર વગરના વેર
ઝેર વગરના વેર


હું 12-13 વરસનો થયો ત્યાં સુધી મારા ગામમાં વીજળી નહોતી. પૈસાપાત્ર ઘરનાં છોકરા ફાનસથી વાંચે ને અમે દીવેથી વાંચીએ. વાંચતા વાંચતા સૂઈ જઈએ બા બૂમ પાડે તો ઝબકીને જાગી જઈએ પણ સૂઈ ગયા એમ માનીએ નહીં. બાએ યુક્તિ ગોતી કાઢી, દીવો પોતે દૂર લઇ ને બૂમ પાડે ને અમે ઊંઘતા ઝડપાય જઈએ. 1969 મા નાનડિયા ગામમાં વીજળી માટેનો પ્રોજેક્ટ શરુ થયો ત્યારે અમે કુતુહલવશ રોજ બાંટવા તરફ નજર મારી નવા ઉભા થતાં થાંભલા જોતા રહીયે. રોજ 2-3 થાંભલા ઉભા થાય ને અમે ગણતરી મૂકીએ કે ગામમાં વીજળી ક્યારે આવશે. જેમ જેમ થાંભલા ગામ સુધી પહોંચતા જાય ને અમારી ખુશીનો પાર ના રહે. સરકારે અમને આ કામની જવાબદારી સોંપી હોય એટલી નિષ્ઠ1થી રોજ સાંજના છેલ્લો થાંભલો ક્યાં પહોંચ્યો એ જોઈને ઘરે જઈએ. રાતે ઊંઘમાં ને સ્વપ્નમાં થાંભલા જ દેખાય.
2-3 દિવસ થાંભલાની લાઈન આગળ નહોતી ચાલતી તો અમને સરકાર કરતા પણ વધુ ટેન્શન થઈ ગયું. એવામાં ગામનાં બહુ વાચાળ સંતોકમા સમાચાર લાવ્યા કે લાઈટના થાંભલાના કોન્ટ્રાક્ટર સરદારજી ને ખાડો ખોદતાં લાશ મળી. લાશ શબ્દ પહેલી વાર સાંભળ્યો તો ને એનો અર્થ ખબર નહોતી. લાશનો અર્થ ખબર નહોતી પણ સરદારજી પોલીસ સ્ટેશન ગયા ને કામ બંધ રખાવ્યું એનો અમને બહુ વસવસો હતો એટલે જાણવા કોશિશ કરી કે લાશ એટલે મરેલું માણસ ને થોડા દિવસ પછી ખબર પડી કે એ લાશ જેની હતી તે નાનડિયા ગામનો જ હતો ને એનું નામ વેરશી જેલીઓ હતું. વેરશીને જન્મટીપની સજા થઈ હતી ને 15-20 વરસ જેલમાં રહીને આવ્યો એટલે એને જેલીઓ કહેતા હતા. ધીમે ધીમે ખબર પડી કે વેરશીને એના સગા દીકરા અને ભત્રીજાએ વાડીમાં મારીને દાટી દીધો તો. બીજા વરસે હું બહારગામ ભણવા જતો રહ્યો, વરસો વીતી ગયા ને કુતુહલ વધતું ગયું કે કોઈ સગા બાપને કે કાકાને કેમ મારી નાખતો હશે. કુતુહલ તોડવા મારા બાને પૂછ્યું ને બાએ જે વાત કરી એનાથી મારા હાજા તો ગગડી ગયા પણ એ પણ ખબર પડી કે ઝેર વગરનાં પણ વેર હોય શકે.
બાની વાતનો સાર કંઇક એવો છે. ગામમાં પટેલનું એક કુટુંબ રહે. ભાઈ-ભાઇમાં કઈંક વાંધો પડી ગયો તે 4-5 ભાઈ બીજા ભાઈના કોઈ સભ્ય જોડે બોલે નહીં, કોઈ પ્રસંગે આવે જાય નહીં કે કોઈ અંદરોઅંદર વહેવાર નહીં. એક ભાઈને બીજા ભાઈ કે એના ઘરનાં સભ્ય સામા મળે તો સામું પણ જુએ નહીં જાણે એકબીજાને ઓળખતા જ ના હોય. મોટાં સભ્ય સામે મળે તો જાણે દુશ્મન મળ્યો હોય એમ જુવે. બધા ભાઈઓના ખેતર બાજુ બાજુમાં. એક તણખલાં માટે અંદરોઅંદર બાઝી મરે. એવામાં એક સમી સાંજે વાડીમાંથી તીણી ચીસ સંભળાણી, બચાવો બચાવોની બૂમથી ખેતર ગુંજી ઉઠ્યું. ભગા બાપાને ખબર પડી ગઈ કે આ ચીસ પોતાના ભાઈની દીકરીનો છે. ભાઈ જોડે બોલવાનો વહેવાર નહીં પણ તેનું અંદરનું હૃદય કકળી ઉઠ્યું. ભાઈના ખેતરમાં જવામાં પણ જોખમ ને આતો કોઈને બચાવવા જવાનું છે. હુમલો કરનાર બચાવનારને પણ મારી શકે. પણ ભગાબાપા દોડીને ચીસ તરફની દીશામાં દોડ્યા. જુવે છે તો 12-13 વરસની દીકરી ધ્રુજતી ધ્રુજતી રડે છે. જોતા જ અંદાજ આવી ગયો કે કૈંક અજુગતું બની ગયું છે. દીકરીને પૂછ્યું પણ બિચારી કંઈ બોલી શકી નહીં.
ભગાબાપાને એમ કે કોઈ નરાધમે દીકરીની લાજ લુંટી લાગે છે. દીકરીને સાંત્વન આપી બહુ પૂછ્યું પણ છોકરી બિચારી કઈં બોલી શકે નહીં પણ બાજુના ખેતરમાં ઉભેલા છાસટિયાના ઘેરા બાજુ હાથથી ઈશારો બતાવે એના ઉપરથી અનુમાન કર્યું કે નરાધમ ત્યાં સંતાયો છે. પોતે દીકરીને સાંત્વન આપતો ઘરના બીજા સભ્યોને બોલાવે છે ને છાસટિયાના ઘેરામાં તપાસ કરે છે તો ત્યાં તો દીકરીને પોતાનો કાકો દેખાયો. વેરશીકાકા ઉપર કોઈને શક પણ ના ગઈ. દીકરી વારંવાર એના તરફ આંગળી ચીંધે એટલે બધાએ કાકાને પકડ્યો. કાકાને પકડી ને વાડીમાં લાવી પૂછપરછ કરે પણ કાકો તો રીઢો ગુનેગાર હતો. કાકો કહે મેં પણ કોઈકને હુમલો કરતા જોયા એટલે બીકથી દોડીને સંતાય ગયો તો. બધાને એમ કે કાકાએ દીકરીની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો લાગે છે. પણ કાકાએ તો એનાથી પણ ખતરનાક કામને અંજામ આપ્યો તો. દીકરીએ હાથથી નિશાની કરી બતાવ્યું કે વેરશીકાકાએ એના ભાઈ ને કૂવામાં નાખી દીધો છે. કૂવામાં જુવે તો છોકરાની લાશ પાણી માં તરે છે. પોલીસ તપાસમાં ખબર પડી કે છોકરાની કાનની સોનાની બુટી ગાયબ છે. ચકોર પોલીસને તરત દિમાગમાં લાઈટ થઈ ગઈ કે આવાં બીજા ઉકેલ વગરના ગુના આ માણસે કર્યા હોય તો ના નહીં. પોલીસે ચૌદમું રતન બતાવ્યું એટલે કાકો પોપટની જેમ ગુનાની હાર બતાવવા મંડ્યો તે 7-8 ખૂન કરી લૂંટ કર્યાની સબૂત આપી. દીકરીની ચીસ, ભગાબાપાની ઝેર વગરની દોટ ને પોલીસની બુદ્ધિ કેટલા બધા ખૂનના ગુનેગારને પકડાવે છે! વેર ભૂલીને ભગાબાપાએ દીકરીને બચાવી એનાથી વિશેષ એક નરાધમને પકડાવી બીજા કેટલા બાળકને વેરશીના અધમથી ને મોતના મુખમાંથી બચાવી લીધા. વેર હોય પણ મનમાં ઝેર ના હોય એવી પહેલી વાર ખબર પડી.
વેરશીને જનમટીપ થઈને માણાવદરની જેલમાં પૂર્યો, ત્યાં ના સચવાયો તે જૂનાગઢ જેલમાં મોકલવો પડ્યો. આઝાદી પહેલા નાનડીયા માણાવદર તાબાનું ગામ. માણાવદર જૂનાગઢ નવાબની સલામી ભરે એટલે ભારત 1947 ઓગષ્ટમાં આઝાદ થયું પણ માણાવદર ફેબ્રુઆરી 1948 સુધી પાકિસ્તાનનો ભાગ રહી જનમત અને સરદાર પટેલની સૂઝબૂઝથી ભારતનો ભાગ બન્યું 1948 ફેબ્રુઆરીમાં. માણાવદર દરબાર ક્રિકેટના બહુ શોખીન. દરબારના ઘરના 24 કલાક ક્રિકેટમાં રચ્યા પચ્યા રહે. પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં 4 ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 મહમદ બંધુનો જન્મ આ પંથકમાં થયેલ. આટલા બધા ભાઈ એક સાથે ક્રિકેટમા રમ્યા એ તો વિશ્વ વિક્રમ છે પણ મુસ્તાક મહંમદ તો સૌથી નાની ઉંમરે ટેસ્ટમાં રમવાનો પણ વિક્રમ ધરાવે છે. ક્રિકેટર હનીફ, સાદીક અને વઝીર મહમદ એના ભાઈ. જૂનાગઢ જેલમાંથી છૂટ્યા પછી થોડા દિવસમાં વેરશીનું ઢીમ એના દીકરા અને ભત્રીજાએ ઢાળી દીધું. બીજા મહિને નાનડિયા ગામમાં વીજળીનું કામ પૂરું થયું ને પહેલી વાર વીજળીના ગોળા કેવા દેખાશે તે જોવા અમે બપોરથી સાંજ સુધી પાદર ઉભા રહ્યા. વેરશીનું જવું ને વીજળીનું આવવું યોગાનુયોગ હોય એમ બને.