ચોરનો ભાઈ ઘંટી ચોર
ચોરનો ભાઈ ઘંટી ચોર


સેલ્ફી લેતા મહારાજા સિંહ ચિંતામાં પડી ગયા. કેશવાળી આખી ધોળી ગઈ છે. મૃત્યુ નજીક દેખાયું અને ચિંતા વ્યાપી ગઈ કે હવે રાજ કોને સોંપવું ? મહારાણી સિંહણ ચિંતાતુર રાજાને જોઈ પૂછવા લાગ્યા કે કેમ હમણાં શિકાર કરવા જતા નથી ? ભૂખ્યા અને દુઃખી પતિને રાણીએ ઓનલાઈન ઓર્ડર આપી આગ્રહ પૂર્વક જમાડ્યા અને ચિંતાનું કારણ પૂછ્યું. મહારાજાએ વારસ શોધવા અંગે વાત કરી. મહારાણી બોલ્યાં, એમાં શું મોટી વાત છે, આપણે લોકશાહી ઢબે દીપડો અથવા ચિત્તો, પ્રાણીલોક જે પસંદ કરે તેને રાજ્ય સોંપી દઈએ.
રાજાએ બંનેને બોલાવ્યાં અને કહ્યું તમને છ મહિનાનો સમય આપું છું, તમે પ્રાણીલોકમાં પ્રચાર કરી તમારી રાજ્ય ચલાવવાની અનીતિ વિષે પ્રચાર કરો અને તમારાં બે માંથી જેને વધું પ્રાણી પસંદ કરે તેને મારો વારસ જાહેર કરીશ.
વાઘને જયારે આ વાતની ખબર પડી તો સિંહ સામે ઘુરકિયાં કરી પોતે પણ અપક્ષ ઉમેદવાર છે એવી જાહેરાત કરી દીધી.
દીપડાએ અ-મદારીનો વેશ ધારણ કર્યો અને વાંદરાને જંબુરીયો બનાવ્યો. નોળિયાને લાંચ આપી બે-ચાર સાપ પકડ્યા ને એક ગોવાળને ધમકાવી એના વાડામાંથી છાણ પડાવી લીધું. ભૂંડને કહી છાણમાં ગંદકી કરાવી. થોડાં દિવસમાં તો છાણમાં ઝેરીલા વીંછી જન્મ્યાં. એક તુંબડાંના ખેતરમાં ધાડ પાડી મોરલી બનાવવાં સરસ મઝાનું તુંબડુ લઈ લીધું. મોરલી વગાડતા તો આવડતું નહોતું, એટલે નાગીન ટ્યુન વાળો મોબાઈલ છુપાવી રાખ્યો, અને આગળ દેખાવ કરવા તુંબડુ. પ્રચારનો સામાન લઈ જંગલમાં ઠેર ઠેર નીકળી પડ્યા. જ્યાં પણ થોડાં પશુ પંખી જુવે ત્યાં નાગિનની ટ્યુન ચાલુ કરી નાગ, વીંછી ને જંબુરીયાનો ખેલ બતાવી બધાને મનોરંજન કરાવી ખાતરી આપી કે હું જો રાજા થઈશ તો શિકાર ઉપર પ્રતિબંધ અને બધાના ઓનલાઈન ખાતામાં શિકાર જમા થઈ જશે. પોતે અહિંસાના પૂજારી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે હું પોતે પણ શિકાર કરીશ નહીં કે કોઈને શિકાર કરવા પણ નહીં દઉં.
ચિત્તાએ ક-ભવાઈનો વેશ ધારણ કર્યો. ભૂંગળ વગાડી, રાજા હરિશ્ચંદ્રનો ખેલ બતાવવાનું ચાલુ કર્યું અને કહ્યું કે પોતે જ રાજા હરિશ્ચન્દ્ર છે અને સત્યના પૂજારી છે. સત્યને આધારે જગત ટકેલું છે અને ચિત્તા-રાજમાં કો
ઈને ભૂખ જ નહીં લાગે તેવું હું મારાં કુળદેવ પાસે વચન માંગીશ. હું રાજા બનીશ પછી કોઈને ભૂખ જ નહીં લાગે. સર્વત્ર ચિત્તા-રાજ હશે. સુખ શાંતિ હશે. કોઈને પરિશ્રમ નહીં કરવો પડે.
અપક્ષ ઉમેદવાર વાઘ આ બંનેથી સવાયા નીકળ્યાં. તેમને પશુ પંખીઓને પોતાના ઓફીસીઅલ ટ્વીટર એકાઉન્ટથી જાહેર કર્યું કે તેમણે "કાળી મુશલી ધોળી મુશલી" યુનિવર્સીટીમાંથી દાક્તરીની પરીક્ષા પાસ કરી છે. દરેક પશુ પંખીને હું દવા આપું એટલે તે કાયમ જુવાન રહેશે. હું તમારાં માટે મૃત્યુંજય યજ્ઞ કરીશ અને તમારામાંથી કોઈ ક્યારેય મરશે નહીં.
વચનોની ભરમારમાં અટવાયેલાં પશુ પંખી બેચેન હતાં. કળિયુગ લગભગ પૂરો થવામાં હતો એટલે ઉમેદવારને બદલે મતદાર એવા પશુ પંખીએ કોને મત આપવો તેના માટે સલાહકારની નિમણુંક કરવાનું નક્કી કર્યું. એક પક્ષમાંથી બીજા પક્ષના એવા હજારો પક્ષના સલાહકાર રહી ચૂકેલા ગુટલીબાજ નંદકિશોર અશાંત ઉપર કળશ ઢોળાયો.
નંદકિશોર અશાંતને ખબર હતી કે ચોરના ભાઈ ઘંટી ચોર, ગમે તે ઉમેદવાર રાજાના વારસદાર તરીકે આવે, ત્રણે ઉમેદવારનો ધંધો જ શિકારનો છે, એટલે કોઈ પશુ પંખી બચવાનું નથી. મતદારો પાસેથી તગડી ફી વસુલ કરી લીધી. પોતાના મળતિયાના સહકારથી વારાફરતી વાઘ, દીપડા અને ચિત્તાનો સંપર્ક કર્યો અને ત્રણેને અલગ અલગ વચન આપ્યું કે તમે ચૂંટણી જીતશો એના માટે સલાહકાર તરીકે હું મારા ગ્રાહક પશુ પંખીને મનાવીશ. ત્રણે ઉમેદવારોએ નંદકિશોર અશાંતને સારી એવી રકમની લાંચ આપી. ચૂંટણીના દિવસે સવારે નંદકિશોર અશાંતે પોતે પોતાનો સરસામાન લઈ જંગલ છોડી, પશુ પંખીઓએ વસાવેલ "માનવ અભ્યારણ" તરફ પ્રયાણ કર્યું. અહીં કોઈ પશુ પંખી પ્રવેશ કરી શકતા નહોતા. નંદકિશોર અશાંત માનવ વસવાટમાં શાંતિથી અને બાદશાહી ઠાઠથી રહેવા મંડ્યો. જંગલમાં સિંહના વારસદાર નક્કી કરવા માટે ચૂંટણી થઈ કે નહીં તે વિષે સિંહ, વાઘ, ચિત્તા કે દીપડાના ટ્વીટર એકાઉન્ટ ઉપર કોઈ ટ્વિટ કે માહિતી જાહેર કરવામાં આવી નથી પણ કળિયુગ પૂરો થવા અંગે નવીન્દ્રનું ટ્વીટ વહેતુ થયું છે. કળિયુગ પછી સતયુગ આવ્યો કે ઘોર કળિયુગ આવ્યો તે વિષે કોઈ ચોખવટ કરવામાં નથી આવી.