તત્વોની બેઠકમાં ધમાચકડી
તત્વોની બેઠકમાં ધમાચકડી
સેન્ટ પીટ્સબર્ગમાં 'આવર્ત કોષ્ટક સભાગૃહમાં મેન્ડેલીવની અધ્યક્ષતામાં હાલનાં 118 તત્વોની કાર્યદક્ષતા અને નવા તત્વોનો સમાવેશ કરવો કે નહીં તેની સમીક્ષા કરવા બ્રહ્માંડના તત્વોની બેઠક બોલાવવામાં આવી છે.
પહેલી હરોળમાં માત્ર હાઈડ્રોજન અને હિલિયમ માટે જ બેઠક હતી એની સામે ચોથીથી સાતમી હરોળનાં સભ્યોએ વાંધો ઉઠાવ્યો કે અમારી હરોળમાં ખીચોખીચ સભ્યો છે, બેસવાની જગ્યા નથી અને એ બે જણ એકલા કેમ જલસા કરે છે ? મેન્ડેલીવે ઠંડે કલેજે જવાબ દીધો કે સમગ્ર બ્રહ્માંડમાં હાઈડ્રોજન સૌથી વિપુલ માત્રામાં મળે છે છતાં બિન-ઝેરી છે, બંને તત્વ નિર્લેપ ભાવે રંગ, ગંધ અને સ્વાદવિહીન જીવન વ્યતિત કરે છે. હિલિયમ પણ વિપુલ માત્રામાં મળે છે અને મોટા ભાગના તારા આ બંને તત્વોથી ભરપૂર છે અને એટલે જ તારા-સમૂહે બાકીની બેઠકો અનામત રાખી, ખાલી રાખવા ફરમાન કર્યું છે, કેમ કે હિલિયમ 'ઉમદા તત્વ સમૂહનું નેતૃત્વ કરે છે. કેટલાકે વળી દલીલ કરી કે બ્રહ્માંડમાં ભલે વિપુલ પ્રમાણ હોય પણ હિલિયમ પૃથ્વી ઉપર તો અલ્પ માત્રામાં જ છે. ઠરેલ એવા સોનુ જેને અંગ્રેજી નિશાળે બેસાડ્યા પછી ઓરિયમ કહે છે તે બોલ્યું કે ભલે જલ્દી ઉકળવા માંડે પણ હિલિયમ નિરુપદ્રવી છે, સહજતાથી ગમે ત્યાં ઓગળતો નથી એટલી આપણી બેન દીકરીઓ સુખેથી રહી શકે અને આપણને બલૂનમાં ઊંચે ઉડાડે છે.
છેલ્લે 118 નંબર ઉપર બેઠેલાં ભીમકાય ઓર્ગેનેસન (Oganesson) ત્રાડૂક્યા કે બ્રહ્માંડમાં વિપુલ માત્રામાં છે એનું અભિમાન કરવાની જરૂર નથી, હાઈડ્રોજન તો સૌથી હલકો તો છે જ પણ જ્વલનશીલ પણ છે. 92 નંબરની બેઠકથી યુરેનિયમે મોરચો સંભાળી ઓર્ગેનેસનને ચૂપ રહેવા કહ્યું કે તો સૌથી વજનદાર તત્વ છે પણ સરોગેટ માને પેટ જન્મ લીધો છે, કુદરતી વજનમાં ભારેમાં ભારે તો હું છું.
બીજી હરોળમાં પણ બહુ ગીર્દી નથી, પણ કાર્બનવાળી એક ખુરશીમાં બેસવા કોલસો અને હીરો બંને અંદરો-અંદર ઝઘડતાં હતાં. મેન્ડેલીવે સણસણતો સવાલ પૂછ્યો કે બંનેના હાથ તો ખાલી લાગે છે, બેમાંથી કોની પાસે ઓરીજીનલ પ્રવેશ-પત્ર છે ? હીરો કહે મારી પાસે છે, પણ મારા તેજ અને ચળકાટમાં તમને દેખાતું નથી. કોલસો કહે 'પરફોર્મન્સ પ્રેશરમાં' હું કાળો થઈ ગયો એટલે મારી પાસે છે છતાં તમને દેખાતું નથી. થોડી વારમાં બંને ગાયબ થઈ ગયા અને પોતે મઝાક કરતાં હતા એમ કહી બોલ્યા અરે ઓળખ્યા નહીં ? અમે તો કાર્બન છીએ અને અમારા વગર જીવન શક્ય નથી, અમે કેટલાય તત્વ જોડે સુમેળથી હળીમળી જાતજાતના પદ
ાર્થ બનાવીએ છીએ.
બીજી હરોળમાં તો એક એકને ટક્કર મારે એવા મહારથીઓ હતાં. પ્રાણવાયુ એવો ઓક્સીજન કહે હું હાઈડ્રોજન જોડે ભાગીદારીમાં પાણી બનાવું છું, અને જળ એ જ જીવન છે. નાઈટ્રોજન કહે પૃથ્વીના વાતાવરણનો ત્રણ ચતુર્થાંશથી વધુ હિસ્સો મારો છે, વનસ્પતિના મૂળમાં અંતે તો હું જ છું. ફ્લોરાઈડ અને અને એની પાછળ બેઠેલા અન્ય હરોળના તત્વો વાંદરાની જેમ હિપ હૂપ બોલી કૂદાકૂદ કરતા હતા, પણ બીજા તત્વો આનાથી ગભરાતા હતા કેમ કે ફ્લોરાઈડ. ક્લોરાઈડ, બ્રોમાઈડ અને એના ગોઠીયા તત્વો હાઈડ્રોજન સાથે મળી એસિડ બનાવી બધાને દઝાડવાનું કામ કરે છે. એટલામાં ચૂપચાપ બેઠેલા આર્જેન્ટમ જેને બધા લાડથી ચાંદી-બેન કહે તે બોલ્યા, અરે ભાઈઓ અને બહેનો, તમને કોઈને 'સબરસ' કહેવાતા મીઠા વગર તો ચાલતું નથી, આ મીઠું આલ્કલી એવા સોડિયમ, પોટેશિયમ વગેરે સાથે ક્લોરાઈડ અને એના કુટુંબીજનો જ બનાવે છે.
અંધારામાં ઝળકતાં રેડિયમની આગેવાની નીચે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ એકી અવાજે બોલી ઉઠ્યા કે અમે શાંતિના દૂત છીએ, અમેરિકાએ ભલે જાપાન ઉપર અણુ બૉમ્બ ફેંકવામાં અમને હાથો બનવ્યા, પણ અમે ન્યુક્લિઅર પાવર પ્લાન્ટમાં અમારું જીવન સમર્પિત કરીએ છીએ અને તમને 'ક્લિન પાવર' મળે છે.
જોતજોતામાં તો કેટલાય તત્વ પોતાની બેઠક ઉપરથી બરાડા પાડવા મંડ્યા, બેરિલિયમ કહે હું વજનના હિસાબે હલકો પણ સૌથી મજબૂત છું. હીરો, સોનુ, ચાંદી, પ્લેટિનમ કહે અમારા વગર તમારી સ્ત્રીઓનું સૌંદર્ય અધૂરું. ઓક્સિજન કહે મારા વિના તમારા ફેફસા એક મિનિટ પણ જીવિત નહીં રહે.
કોલાહલ વચ્ચે મેન્ડેલીવ બિચારો થાકેલા અવાજે બોલ્યો કે આપણે આજે બીજા નવા તત્વોનો સમાવેશ કરવો કે નહીં તેના માટે મળ્યા છીએ, પોતાના પરાક્રમ બતાવવા કે બીજાને હલકા પાડવા નહીં. હું પ્રસ્તાવ કરું છું કે હજુ અમુક હરોળમાં કેટલીક બેઠકો ખાલી છે અને જરૂર પડે તો આઠમી હરોળ ઊભી કરવા આપણી પાસે પર્યાપ્ત ભંડોળ છે તો તેનો ઉપયોગ નવા તત્વોને સમાવિષ્ટ કરી શકાય.
કાર્બન, હાયડ્રોજન, નાઈટ્રોજન, ઓક્સીજન, સલ્ફર અને ફોસ્ફરસ કે જે જીવન માટે અતિ આવશ્યક છે તેની એક કમિટી બનાવવામાં આવી અને તેમને સત્તા આવી કે પર્યાવરણ માટે મદદરૂપ થાય એવા યોગ્ય તત્વો કોઈ વૈજ્ઞાનિક પુરાવા સાથે આપે તો આવર્ત કોષ્ટકમાં સમાવેશ કરવાં પ્રસ્તાવ કરે અને આ સભા સર્વ સંમતિથી એવા તત્વોને રૂપ, રંગ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વજન, કદ, ઉંમરના ભેદભાવ વગર આ પવિત્ર આવર્ત કોષ્ટક ગૃહમાં પ્રવેશ આપશે.