ટહુકા-સ્થળી
ટહુકા-સ્થળી


જંગલમાં સર્વત્ર મોજ હતી. રંગબેરંગી સોડમદાર ફૂલની ભરમાર, કાચા ને પાકા ફળોથી ઉભરાતાં લીલાછમ વિશાળ વૃક્ષ. જાતજાતનાં કલરવ કરતાં પતંગિયા અને પક્ષી. ભર ઉનાળાની બપોરે પણ પર્ણોએ સૂરજના તાપને જમીન પર પહોંચવા નથી દીધો. જમીન ઉપર નીચે ઘાસ જાણે ગાદલા! ગોકળગાય ને અળસિયા માટે તો રસોડું અને આરામગૃહ! હવાની ઠંડી લહેરકીઓ વચ્ચે આભમાં રૂપેરી વાદળીઓ નીર ભરી ઊડતી જાય ત્યારે તો જાણે સ્વર્ગ અહીં જ ઉતાર્યું એવું ભાસે છે. બધાં એક બીજાની સાથે હળીમળીને આનંદથી રહેતાં હતાં. સાધનો ટાંચા હતાં પણ દિલ વિશાળ હતાં. શિકારના નિયમ હતાં ને સિંહ સહિત બધાં એ નિયમો પાળતા હતાં.
સુખ સંપત્તિ વધી ને પશુ પંખી વચ્ચે અંતર વધવા માંડ્યું. બધાં આખો દિવસ માળામાં, બખોલમાં કે દરમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવા મંડ્યા. કોયલ પણ ટહુકવું હોય તો ટ્વિટર પર ને સિંહની ગર્જના પણ ટ્વિટર પર મુકવા મંડ્યા. વૃક્ષ, વેલ, તરૂ, ઘાસ, સુરજ, ચંદ્ર, તારા, કુવા, ખાબોચિયા, તળાવ, નદી, દરિયો, દેડકા, ઉંદર તો ઠીક પણ ઉધઈ પણ ટ્વિટ કરીને જ લાકડું ખોતરતી. ક્યારે ક્યાં ને કેટલું વરસશે તે વાદળી ટ્વિટ પહેલા કરે ને વરસ્યા પછી ફરીથી ટ્વિટ કરે. વીજળી પણ ટ્વિટ કરે ને વાદળાનો ગડગડાટ પણ ટ્વિટ ઉપર જ.
સિંહણને બજરનું ને સિંહને હોકાનું બંધાણ હતું તે છોડાવવા દાક્તરે દવા તરીકે દારૂ આપ્યો ને દારૂનું બંધાણ થઈ ગયું. દારૂનું બંધાણ છોડાવવા હેરોઈન આપ્યું ને હેરોઈનની લત છોડાવવા ટ્વિટર આપ્યું. બહુ મથામણ કરી પણ ટ્વિટરનું વ્યસન કેમે ય કરી છૂટતું જ નથી. ટ્વિટર ઉપર ટ્વિટ કરવાથી આટલી અંધાધૂંધી સર્જાય તેવી તો કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. મેં યાદવાસ્થળી વિષે તો બાળપણમાં થોડુંઘણું સાંભળેલું.
યાદવાસ્થળી : યાદવો અંદરોઅંદર લડાઈ કરીને નાશ પામ્યા તે પ્રસંગ. મદ અને મદિરા એ બંને યાદવોનાં મુખ્ય દૂષણો હતાં. એ બંનેના નશાથી ભાન ભૂલેલા યાદવ વીરો પ્રભાસપાટણમાં અંદરોઅંદરના વિગ્રહનો ભોગ બની નાશ પામ્યા. શ્રીકૃષ્ણ વાસુદેવે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો હતો. એટલે તેઓ પ્રભાસ ગયા અને મદિરાથી ભાન ગુમાવી, સામસામા મુસલ-યુદ્ધ કરી લડી મર્યા. મહાભારતનું મૌસલપર્વ આ યાદવાસ્થળીનો પ્રસંગ આમ વર્ણવે છે : મહાભારતના યુદ્ધ બાદ 36મા વરસે યાદવોનું મૌસલયુદ્ધ થયું. સારણ અને બીજા યાદવ કુમારોએ વિશ્વામિત્ર, નારદ તથા અન્ય ઋષિઓની સાથે મજાક કરી, સાંબને ગર્ભવતી મહિલાનો વેશ પહેરાવી, ભાવિ બાળક વિશે ઋષિઓને પ્રશ્ન પૂછ્યો. ગુસ્સે થયેલા ઋષિઓએ શાપ આપ્યો કે તેને લોખંડનું સાંબેલું (મુસલ) અવતરશે. તેના વડે વૃષ્ણિઓનો નાશ થશે. બીજે દિવસે સાંબેલું અવતર્યું. તેનો ભૂકો કરી સમુદ્રમાં નાખી દેવામાં આવ્યો. તે મુજબ યાદવાસ્થળીનો પ્રસંગ બન્યો. ત્યારબાદ પ્રભાસપાટણ પાસે શ્રીકૃષ્ણ વાસુદેવનો દેહોત્સર્ગ થયો. એમની સૂચના મુજબ દ્વારકામાંના વૃદ્ધજનો તે નગર છોડીને વાનપ્રસ્થ થયા. અર્જુન તેને મળેલા સંદેશા મુજબ દ્વારકા આવી યાદવ સ્ત્રી-બાળકોને લઈ ગયો. યાદવોએ દ્વારકા ખાલી કર્યા બાદ એ આખી નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. આમ મથુરાથી સ્થળાંતર કરીને દ્વારકા ગયેલા યાદવો સૌરાષ્ટ્રના ઈતિહાસમાં નામશેષ થઈ ગયા. આ યાદવાસ્થળી ઈ. પૂ. દસમી સદીના પ્રારંભમાં થઈ હતી એવો વિદ્વાનોના એક વર્ગનો મત છે.
ને એમ કરતા વાદળીઓ વરસી પડી, ઝરણાં વહેતા થયા ને દેડકાં ગેલમાં આવી ગયાં. એક દેડકાએ અતિ આનંદમાં નિર્દોષ ભાવે ડ્રાંઉં ડ્રાંઉં ટ્વીટ કર્યું. એક વાઘે રાજા સિંહને ફરિયાદ કરી કે આ ઝનૂની દેડકો અમારાં જેવા માસુમ પ્રાણીને ડરાઉં ડરાઉં કરી ડરાવે છે. દેડકાની ધરપકડ કરવામાં આવી. દેડકાને જામીન માટે અરજી કરવી હતી પણ કોઈ વકીલ એમની ફાઈલ હાથમાં લેવા રાજી નથી. જંગલના કાયદા પ્રમાણે ન્યાયધીશે તેમને મફત કાનૂની સહાય આપવા રાજાને આદેશ કર્યો. રાજાએ શિયાળભાઈને દેડકાના વકીલ નીમ્યા. શિયાળભાઈએ જાડી દમદાર ફાઈલ તૈયાર કરવામાં મહિનાઓ કાઢી નાખ્યા.
શિયાળભાઈએ રજુઆત કરી કે અમારા અસીલે ડ્રાંઉં ડ્રાંઉં ટ્વિટ કર્યું છે ડરાઉં ડરાઉં નહીં. વાઘની ગેરસમજ થઈ છે. ન્યાયધીશે દેડકાને ડ્રાંઉં ડ્રાંઉં કરી બતાવવા કહ્યું. સુનાવણી ચાલુ થઈ ત્યાં સુધીમાં દેડકો ઘરડો થઈ ચુક્યો હતો એટલે બિચારો ડ્રાંઉં ડ્રાંઉં બોલી શક્યો નહીં ને એની જમીન અરજી રદ થઈ ગઈ. ઉપલી અદાલતમાં ન્યાયધીશે દેડકાને વધુ એક વાર તક આપી, પણ બિચારો ડ્રાંઉં બોલે ને ન્યાયધીશને ડરાઉં સંભળાય. દેડકાને ન્યાયધીશને ડરાવવા બદલ ફાંસીની સજા થઈ. દેડકા ટ્વિટર ઉપર ડ્રાંઉં ડ્રાંઉં કરે પછી જ વાદળ વરસતા તે હવે દેડકાંના મરણ પછી વરસતા જ બંધ થઈ ગયા.
એક કોયલ યુગલે પોતાનાં ઈંડા કાગડાના માળામાં મૂકી આંબા પટેલની કેરીની બાગમાં ધામા નાખ્યાં. કેરી શાખે વધુ પડતી પાકીને એસિડ સર્કરા ને પછી દારૂનો આથો આવી ગયેલો. કોયલને નશો ચડ્યો એમાં પોતે કાગડા જોડે કેવી છેતરપિંડી કરી એની આખી વાર્તા ટ્વિટ કરી નાખી. કાગડાને તો બહુ અક્કલ નહીં પણ ઘુવડે કોયલ ઉપર કોર્ટમાં છેતરપિંડીની
ફરિયાદ કરવા કાગડાને ઉત્તેજિત કર્યો. કાગડાએ કોયલ સામે ફરિયાદ કરી. આંબા પટેલ પણ એક પક્ષકાર બન્યાં કે કાગડા અને કોયલ બંને અમને વળતર આપે કેમકે માળો અમારા આંબાની ડાળી ઉપર બાંધેલો હતો.
અદાલતમાં કેસ ચાલુ હતો એમાં એક પાંચસો વરસ ઘરડા કાચબાએ વચ્ચે ઝંપલાવ્યું. એમની દલીલ હતી કે આંબાની ઉત્પત્તિ અમારા નહીં ખાધેલા ગોટલા ઉગવાથી થયેલી છે. આંબા ઉગવાના સમયે અમે અને ગોટલા બે જ જીવિત હતાં. અમે ગોટલા ખાઈ ગયા હોત તો આંબો શું શકોરું ઉગવાનો હતો. અદાલતી મામલો પેચીદો બની ગયો. કાગડાં, આંબા પટેલ, કોયલ, ઘુવડ ને કાચબાના મિત્રો અને સહયોગી અદાલત બહાર જમા થવા લાગ્યાં ને એમાં એક કાગડીએ તો ન્યાયધીશને ટક્કામાં ચાંચ મારી દીધી. ન્યાયધીશે આંબો જમીન-દોસ્ત કરવાનો આદેશ આપ્યો. આંબાના સમર્થનમાં બીજા વૃક્ષ પણ ઉપવાસ ઉપર ઉતર્યા. બીજા વરસે કેરી અને ફળોનો પાક નિષ્ફળ ગયો.
ચક્કી ચક્કો મોડર્ન થઈ ગયા હતાં એટલે ચોખાનો ને મગનો દાણો લાવી ખીચડીનું આંધણ મુકવાની લપમાં પડતાં નહોતા. ઓનલાઈન ખીચડીનો ઓર્ડર કરવાં બેઠા એમાં સામે ઓર્ડર લેનાર મેક્સિકન બાઈ હતી એણે પૂછ્યું આપ કોણ બોલો છો, ચક્કી કહે હું ચક્કી બોલું છું. મેક્સિકન બાઈ કહે પેમેન્ટ કરનારનું નામ લખાવો. ચક્કી બેન કહે ચક્કો. ચક્કા ચક્કીની જાતનો આ પહેલો ઓર્ડર હતો એટલે મેક્સિકન બાઈએ એના શેઠને સારા સમાચાર આપ્યા. શેઠ આફ્રિકન હતાં એટલે ટ્વિટ કરવામાં ચક્કાને બદલે છક્કો લખી નાખ્યું અને વાતનું વતેસર થઈ ગયું. જુદા જુદા જંગલમાંથી હજારો ચકકાઓએ મેક્સિકન બાઈ અને શેઠ ઉપર ફરિયાદો કરી. ચક્કો ઓનલાઈન ઓર્ડર કરેલી ગરમ ખીચડી ખાતા દાઝી ગાયેલો તે બોલવામાં જરા તકલીફ હતી. અદાલતે ફરિયાદ પક્ષને બોલાવી પૂછયું તમારા પિતાનું અને તમારું નામ બોલો. ચક્કો કહે ઉં છક્કો માલો બાપ છક્કો. જજ સમજ્યા કે આ તો મને છક્કો કહે છે. જજે ચક્કા સાથે આવેલા ચક્કા ચક્કીના ઝુંડને જેલમાં પૂરવાનો આદેશ આપી દીધો. અને બીજા વરસે તો માઓ-સ્થળી થઈ ને દુકાળ પડ્યો. માઓ-સ્થળી 1960માં ચીનમાં થયેલી. માઓ નામના સરમુખ્ત્યારે ધૂન અને ઝનૂનના નશામાં બધી ચક્લીઓનો નાશ કરવાનો આદેશ આપેલો. ચકલા વગર એટલા બધા તીડ ખેતરોમાં આવ્યા કે બધો પાક નિષ્ફળ ગયેલો. ભૂખમરાથી લાખો લોકો મારી ગયા. અહીં આ જંગલમાં પણ એવું જ થયું. ચકલા વગર એટલા બધા તીડ ખેતરોમાં આવ્યા કે બધો પાક નિષ્ફળ ગયો. કરોડો પક્ષી અને પ્રાણી નાશ પામ્યાં.
ટ્વિટરનો નશો સુરજ ચાંદ અને તારાઓને પણ એટલો જ જબરજસ્ત ચડી ગયેલો જેટલો જુવાન અને બુઢા પશુ પંખીને. સુરજ પણ સવારે સ્નાન કરે કે ના કરે, નાસ્તો કરે કે ના કરે, પૂજા પાઠ કરે કે ના કરે પણ થોડા ટ્વિટ તો કરે જ અને વાદળાંને ઉગવાનો સમયની જાણ કરીને જ ઉગતો. ટ્વિટર ઉપર ટ્વિટ આવતા બંધ થયા એમાં સુરજ દાદા ઉગવાનું ભૂલી ગયાં. વાદળા વરસવાનું ભૂલી ગયા. કોલસા તો પુષ્કળ હતા પણ સુરજ વગર અંધારું પારાવાર અને ઠંડીનું તો પૂછો જ મા. વીજળી બોર્ડના ઈજનેરોની જવાબદારી સાંભળતા ઉંદરો જ ઠુંઠવાઈ ગયા ને હવે શું કરવાનું છે એની યુનિયનની ટ્વિટ આવવાની રાહમાં વીજળીનું ઉત્પાદન ચાલુ ના કર્યું. વરસાદ, પાણી, અનાજ ની તંગી તો શ્રી લંકાને ટક્કર મારે એટલી હદે ઉભી થઈ. વાનરો રાવણને વિનંતી કરવા ગયા કે કૈંક મદદ કરે, પણ રાવણ તો ખુદ મુશ્કેલીમાં હતો. દશ માથાના ભારથી કંટાળેલો. કોપરેલ તેલના કિલોના 800 રૂપિયા ભાવ થઈ ગયેલો. તેલ વગર દસ માથામાં ટક્કો થઈ ગયેલો. કોઈ કન્યા મળતી નહોતી એટલે નવ માથાનું ઓપરેશન કરાવવા દવાખાનામાં દાખલ થયેલો. દાક્તરોએ દશે દશ માથા ધડથી અલગ કરી દીધા હતા. એક માથું જોડવાનો સમય થયો ત્યારે જ દાક્તર ગૂગલ અને ટ્વિટર બંધ થવાથી ઓપરેશનની વિધિ જાણી શક્યા નહીં. અને છેલ્લે ન થવાનું થયું.
સૂરજમલ નામનાં બકરાએ સૂરજના ભળતા નામે એકાઉન્ટ ખોલાવી સૂરજના આડા અવળી ટ્વિટ કરી કે હવેથી હું ગરમી કે પ્રકાશ કોઈને મફત નહીં આપું તો દરિયાલાલે દરિયાના નામે ટ્વિટ કરી કે કાલથી વાદળીઓ માટે પાણી ભરવાનું બંધ છે. વાદળનું ટ્વિટર એકાઉન્ટ કોઈએ હેક કરી કુવા તળાવ ને નદી પાસે ખંડણી માંગી. ચોમાસુ, ઉનાળો ને શિયાળો વેરવિખેર થઈ ગયા ને પ્રલય જેવી સ્થિતિ સર્જાય ગઈ. પાણી, અનાજ અને પ્રકાશની તંગી સર્જાઈ ગઈ. હજારો પ્રાણી, પશુ-પંખી ભૂખ્યા તરસ્યા મરી ગયા. જંગલમાં પણ ટહુકા-સ્થળીથી બધાનો નાશ થઈ ગયો.
વીજળીએ ટ્વિટર ખરીદવા હોડ લગાવી, પણ વાદળા વગર વીજળી નાદાર થઈ ગઈ ને ટ્વિટર આફતમાં આવી પડ્યું. જંગલમાં થોડીઘણી આશા બંધાય કે કદાચ જુના સારા દિવસો પાછા આવશે પણ બન્યું પેલી ડોસી જેવું જ. એક ડોસી મારી ગઈ એનાં બેસણામાં બધાં કહેતા હતા કે ડોસીમાંનો બાજરો ખૂટ્યો ને બિચારા માજી મરી ગયા. માજીનો દીકરો કહે બાજરો તો કોઠી ભરી હતી પણ બજર ખૂટી ગયેલ. જંગલમાં ટ્વિટરના વ્યસનથી વ્યસ્ત સર્વે ટ્વિટર વિયોગથી તરફડીયા મારતા મારતા મારી ગયા ને વગર પ્રલયે શ્રુષ્ટિનો નાશ થઈ ગયો. જંગલની ટ્વિટર કંપનીનું શું થયું તે તો હજુ સુધી જાણી શકાયું નથી.