Vrajlal Sapovadia

Comedy Drama Children

4.5  

Vrajlal Sapovadia

Comedy Drama Children

સોશ્યિલ મીડિયાનો પશુ પંખી ઉપર પ્રભાવ

સોશ્યિલ મીડિયાનો પશુ પંખી ઉપર પ્રભાવ

4 mins
370


વરસોથી આર્કિટેક્ટ તરીકે ખ્યાતનામ સુઘરીબેન મોબાઈલમાં વ્યસ્ત હોવાથી સુંદર માળાઓ બનાવી શકતી નથી. જોકે સુઘરીબેન તો ફક્ત સ્થળ પસંદગી અને માળો બનવવામાં સલાહ સૂચનો અને આદેશ જ કરતા હતાં, ચણતર અને કડિયાકામ તો સુઘરાભાઈ જ કરતા હતા. સુઘરાભાઈ ખાનગી બેંકોના આકર્ષક અને વિના વ્યાજનાં ધિરાણ લઈ પ્લાસ્ટિકના ઘરમાં રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. સુઘરીનાં બચ્ચા રોજ સિનેમામાં હીરો હીરોઈનના ભવ્ય મહેલ જોઈને જેવા તેવા માળામાં રહેવાનું પસંદ કરતાં નથી. ભણેલાં ગણેલા બચ્ચા તો કોરોના કાળમાં ઓનલાઇન વર્ચુઅલ ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. 

કોયલબેનના માળામાં હવે કાગડાભાઈએ ઈંડા મુકવાનું ચાલુ કર્યું છે. એક કાગડાએ તો કાઉં કાઉં કરવાને બદલે 'તેરે સામને વાલી ખિડકીમેં' ગીત ગાઈને કોયલબેન સામે આંખ મારી. કોયલબેન જુડો શીખેલા હતાં એટલે કાગડાભાઈને બે ચાર મુક્કા મારી બે-પાંખ કરી નાખ્યા.

એક ઉંદરભાઈને વળી મૂછો વધારવાનો શોખ જાગ્યો. સિંહભાઈ આ જોઈ ગયા, ઉંદરને અભિનંદન આપવાને બદલે, અભિનંદન કટ મૂછો રાખવા બદલ કોઈ ચેતવણી કે નોટિસ ના આપી, પણ સીધા જ આખે આખો ઉંદર આરોગી ગયા.

ઘોડાઓએ તો બહુ કમાલ કરી. પાંચ ગોરા બગલા ઘોડાની પીઠ ઉપર બેઠાં હતાં ત્યાં એક વધુ બગલો બેસવા ગયો તો પૂંછડી મારી ઉડાડ્યો અને કહ્યું કે તમારો ધોળિયાઓનો ક્વોટા પૂરો થઈ ગયો, હવે બીજી બે કાબર અને ત્રણ કાગડા બેસે એટલે અમારી નોકરી પૂરી. 

પેન્ડેમિક મર્યાદાઓ અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા મધમાખીઓએ ઓનલાઇન મધપૂડો બનાવવાનું ચાલુ કરી દીધું. કેટલીક મધમાખીઓને કરડવાનું ન મળતાં માનસિક રોગ થઈ ગયો. રોજ કરડવાનો શોખ પૂરો ન થતાં, કેટલીક મધમાખીઓએ આ ધંધાનો બહિષ્કાર કર્યો અને ટ્રાન્સપોર્ટેશનનો નવો ધંધો વિકસાવ્યો. રસ્તે વટેમાર્ગુ મળશે તો કરડીશું એવી ગણતરીથી પોતાના ખભા ઉપર નાના જીવ જંતુને બેસાડી એક ગામથી બીજે ગામ લઈ જવાનું ચાલુ કર્યું. માણસો હવે ચાલવાનું ભૂલી ગયા છે તે વાતની મધમાખીને ખબર નહોતી. જોકે ટૂંક સમયમાં જ મધમાખીઓએ આનો ઉપાય શોધી કાઢ્યો. મોબાઈલ ઉપર જ મધપૂડો બનાવવાનું ચાલુ કર્યું ને એમનો ધંધો જોરશોરથી ચાલવા લાગ્યો. મોબાઈલમાં વ્યસ્ત માણસોને મધમાખી કરડી એનો અહેસાસ પણ બંધ થઈ ગયો હોય, એક કરતા વધુ વાર કરડવું શક્ય બન્યું. 

ત્રાડો પાડી થાકી ગયેલા સિંહભાઈ હવે ત્રાડની રિંગટોનવાળો મોબાઈલ રાખવા મંડ્યા. કાચિંડા રંગ બદલવાં 'પેઇન્ટ' સોફ્ટવેર લાવ્યાં, પણ નેતાઓ જેટલા રંગ બદલવાના સોફ્ટવેરમાં ઓપ્શન ન હોવાથી, પોતે જ રાજકારણમાં ઝંપલાવ્યું. ચીડિયા બચાવો ને ચીડિયા વસાવો અભિયાનથી ચકલીઓ પોતે પિંજરે પુરાશે અને પિંખાશે એવા ડરથી ફઝી લોજીક વાળા સોફ્ટવેર લાવી, માણસ નજીક આવે તો ચકલીમાંથી ઘુવડ બનવાં લાગી. આ વાત જયારે ઘુવડે જાણી, તો ઘુવડના યુનિયને સોફ્ટવેર કંપની સામે એન્ટી ટ્રસ્ટ એક્ટ હેઠળ આંતર રાષ્ટ્રીય અદાલત અને વર્લ્ડ ટ્રેડ કાઉન્સિલમાં દાવો માંડ્યો.

મોબાઈલ ટાવર ઉપર નિરાંતે બેસતાં કેટલાય પંખી મરી ગયા તો કેટલાય રેડિએશનના પ્રતાપે રોગનો ભોગ બન્યાં. શિયાળ ભાઈએ મદદના બહાને કેટલાય પંખીનો ઘર બેઠા શિકાર કરી લીધો. મફતની શેરડી ખાઈને કેટલાય શિયાળ મધુપ્રમેહનો શિકાર બન્યાં હતાં. જીવદયા પ્રેમી ખેડૂતોએ ઝીરો કેલરી શેરડી વાવવાનું ચાલુ કર્યું. વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓ બહાર ધમાલ ના મચાવે એટલે, ઓનલાઇન શિકારના પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા.    

કોરોના પેન્ડેમિકના કારણે ગીધ માટે ખુબ મોટી તક ઊભી થઈ. ઉભરાતા મસાણમાં જેવા તેવા સળગેલા મડદાં ખાવાની મઝા પડી ગઈ. દૂર દૂર વસેલા ગીધ પરિવારના સભ્યોને વૉટ્સઅપ મેસેજ કરી મસાણે ઝડપથી બોલાવવું સહેલું થઈ ગયું. 

કમોસમી વરસાદ, ગમે ત્યારે આંબે મ્હોર આવવું હવે રોજનો નિયમ થઈ ગયો હોય; કોયલ, મોર, પોપટ જેવા મધુર કંઠી પક્ષી હવે પોતે ગાવાને બદલે ગળામાં કૃત્રિમ ગાવાનાં ઉપકરણ ઇમ્પ્લાન્ટ કરાવે છે. દેડકાભાઈનું હૃદય માણસ જેવું હોઈ, ચોરાઈ જવાના ડરથી સુરક્ષિત રહે તેવા ઉપાય સાથે સ્યોર લોક્સ કંપની ડિજિટલ લોક બનાવીને વેચે છે. દેડકાઓ હવે નદી તળાવ ઉપર જોવા નથી મળતાં, પણ સ્યોર લોક્સ કંપનીની ઓફિસે જોવા મળે છે. 

સાપ કે નાગ હવે નાગિનની ટ્યુનથી ડોલતા નથી. તેમને ખબર પડી ગઈ છે કે તેમના ઝેર અને કાંચળી બહુ કિંમતી છે એટલે આઈ ફોનનું લેટેસ્ટ મોડેલ આપે એવા મદારી પાસે જ ડોલે છે. માણસે કરડવાનું ચાલુ કરતા વીંછી હવે કોઈને કરડતા નથી. કૂતરાઓએ વફાદારી છોડી દીધી છે. અભણ ભેંસો દૂધ આપતી નથી કેમકે હવે ઑફલાઇન ધંધો સદંતર બંધ થઈ ગયો છે. સોયાબીનના ખેતરો, દૂધ અને ઘી ઉત્પાદન કરતી અને ઓનલાઈન ધંધો કરતી પરોપકારી સંસ્થાઓએ ભેંસનાં આંચળ ઉપર પેટન્ટ લઈ લીધી છે. 

જંગલમાં કે ઝાડ ઉપર હવે કોઈ શોરબકોર નથી. વાદળાંને હવે કોઈ ક્લાઉડ કહેતું નથી. જંગલનું બધું જ કામકાજ ક્લાઉડ બેઈઝ્ડ છે. નવું મિલેનિયમ બદલાશે ત્યારે "વાય થ્રી કે" સમસ્યા સર્જાય તેની ચિંતામાં બધા પડ્યા છે. તો કોઈ વળી પાવર સપ્લાય કે ઈન્ટરનેટ ખોરવાય તો શું થશે એની ચિંતામાં છે. પણ કોઈ પશુ પંખી હવે આંદોલનો કરતા નથી અને ઓનલાઇન મસ્તીમાં જીવે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy