પંચ-તત્વ
પંચ-તત્વ


શકરાભાઈ જિંદગીભર મજૂરી કરીને બિચારા ગુજરી ગયા ને એમનો દેહ પંચ મહાભૂતમાં વિલિન થઈ ગયો. શાણીબેનને આ પંચ મહાભૂત શું તે ખબર નહીં એટલે હકુમાશીએ સમજાવ્યું કે પંચ મહાભૂત એટલે પંચ-તત્વ. આ જગત પાંચ તત્વ; પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિનું બનેલું છે.
શકરાભાઈએ જિંદગીભર મજૂરી કરી, ભૂખ્યે પેટ સૂતા, પણ છોકરાં છૈયાંને સારું ભણાવેલ. એમની દીકરી સરસ્વતી કોલેજમાં રસાયણ વિજ્ઞાન લઈ અનુસ્નાતક થયેલી. સરસ્વતીને ખબર હતી કે જગતમાં અત્યાર સુધીમાં 118 તત્વ ઓળખાયા છે. એના પ્રોફેસર કહેતાં કે અમે ભણતાં ત્યારે 104 તત્વ ઓળખાયા હતાં ને અમારા પ્રોફેસર ભણતાં ત્યારે 92 તત્વ ઓળખાયા હતાં. આમ પાંચ તત્વથી ઈતિહાસ શરૂ થયો ને આજ સુધીમાં 118 તત્વથી આપણે પરિચિત છીએ. ખબર નહીં હજુ ક્યારે કેટલાં નવા તત્વ આવશે ને બિચારા છોકરાં રસાયણ વિજ્ઞાન ભણશે તો કેટલાં તત્વ યાદ રાખવા પડશે.
સરસ્વતીની નાની બેન અંબાલિકા તો હજુ બારમું ધોરણ જ ભણતી હતી પણ જિજ્ઞાસુ બહુ તે બાપાનું બારમું પત્યું કે સીધી પુસ્તકાલયમાં બંને બેનના પ્રશ્નનો ઉકેલ શોધવા મંડી પડી કે નવા કેટલા તત્વ હજુ ભણવા પડશે ? સરસ્વતીએ એના નાના ભાઈ શંભુ સાથે મળી કંઈ કેટલાય પુસ્તક વાંચી નાખ્યા અને સરસ્વતી સાથે દલીલ કરી કે નવા તત્વમાં ઈલેક્ટ્રોનની ઝડપ, કક્ષા, સંખ્યા અને પ્રકાશના નિયમને ધ્યાનમાં લેતા વધુમાં વધુ 137 તત્વ હોઈ શકે. સરસ્વતી કહે શાબાશ, તમે તો શેરની માથે સવાશેર છો.
શંભુ કહે આટલાં બધાં તત્વ આપણા શરીરમાં કેમ ગોઠવાઈ શકતા હશે ? સરસ્વતી કહે માનવ શરીરમાં ભાગ્યે જ 25-30 તત્વ હાજર હોય છે. હકુમાશીએ સમજાવ્યું તેમ પાંચ તત્વ; પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ નહીં પણ આપણા શરીરમાં સૌથી વધારે (98%) પ્રમાણમાં પાંચ તત્વ તો પ્રાણવાયુ, કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન અને કેલ્શિયમ છે. તે પછી ફોસ્ફરસ(1.1%), પોટેશિયમ, સલ્ફર, ક્લોરીન, સોડિયમ, સિલિકોન અને મેન્ગેનીઝ છે. જૂજ માત્રામાં આયરન કે લોખંડ, ચાંદી, કોબાલ્ટ અને ઝિંક જેવી ધાતુ હોય છે. શંભુ કહે આમાં તો કેટલાક ઝેરી હોય છે. સરસ્વતી કહે બિલકુલ સાચી વાત છે, જૂજ માત્રામાં ઉપયોગી ને વધુ માત્રા ઝેર. ને આમ તો ખાંડ શરીર માટે જરૂરી પણ વધુ ખાઈશ તો જાડિયો પાડિયો થઈ જઈશ ને મધુપ્રમેહ થઈ જશે !
અંબાલિકા કહે તો માનવ શરીરની જેમ જગતમાં પણ બધાં તત્વ આ પ્રમાણમાં છે ? સરસ્વતી કહે ના રે ના ! જગતમાં એટલે કે બ્રહ્માંડમાં સૌથી વધારે હાઈડ્રોજન અને તે પછી હિલિયમ છે. શંભુ કહે એટલે આવર્ત કોષ્ટકમાં એનો પહેલો અને બીજો નંબર છે ? અંબાલિકા કહે, ના રે ભાઈ, એ તો એનો અણુભાર એક અને બે છે એટલે આવર્ત કોષ્ટકમાં એનો પહેલો અને બીજો નંબર છે. ભારેખમ યુરેનિયમને છેક છેલ્લે 92માં સ્થાને બેસવું પડે છે. બહુ જાડા થવું સારું નહીં.
સરસ્વતી કહે મને મારી વાત પુરી કરવા દ્યો. બ્રહ્માંડમાં સૌથી વધારે પાંચ તત્વમાં હાઈડ્રોજન અને હિલિયમ છે, તે પછી પ્રાણવાયુ, કાર્બન અને નિયોન છે. બાકી તો તે પછીના તત્વ લોખંડ, નાઈટ્રોજન અને સિલિકોન આવે. સૂર્યમંડળમાં સૌથી વધારે પાંચ તત્વમાં હાઈડ્રોજન, હિલિયમ, પ્રાણવાયુ, કાર્બન અને નાઈટ્રોજન છે. તે પછી નિયોન, સિલિકોન, મેન્ગેનીઝ અને લોખંડ આવે.
અંબાલિકા કહે તું બ્રહ્માંડ અને સૂર્યમંડળની વાત તો કરે છે, માનવ શરીરની વાત પણ કરે છે, જરાં આપણી ધરતી માતાની તો વાત કર ! સરસ્વતી કહે તમે બોલવાનું બંધ કરો તો પૃથ્વીની વાત કરું ને ? પૃથ્વીમાં સૌથી વધારે પાંચ તત્વનું પ્રમાણ બ્રહ્માંડ અને સૂર્યમંડળ કરતા પણ અલગ અને માનવ શરીરથી પણ જુદું ! પૃથ્વીમાં સૌથી વધારે પાંચ તત્વમાં આયરન, પ્રાણવાયુ, સિલિકોન, મેન્ગેનીઝ, એલ્યુમિયમ અને કેલ્શિયમ છે. તે પછી સલ્ફર, સોડિયમ, મેન્ગેનીઝ, ટિટેનિયમ અને હાઈડ્રોજન આવે. પૃથ્વીના પેટાળમાં અને વાતાવરણમાં અલગ અલગ તત્વોનું પ્રમાણ અલગ અલગ હોય છે.
ટચુકડો શંભુ કહે ફોસ્ફરસનું પ્રમાણ બ્રહ્માંડ, સૂર્યમંડળ અને પૃથ્વીમાં બહુ જૂજ છે ને આપણા શરીરમાં 1% થી પણ વધુ ? સરસ્વતી મઝાકમાં કહે દેહ પંચ મહાભૂતમાં વિલિન થાય પછી રાતે ફોસ્ફરસ સળગે એટલે તો ભૂત થાય સ્મશાનમાં ! શરીરને જરૂરી ફોસ્ફરસ, કોબાલ્ટ જેવા તત્વો માણસ ખોરાક, હવા અને પાણીમાંથી જરૂર પ્રમાણે મેળવે તો તંદુરસ્ત રહે. વધુ મેળવે તો ઝેર ચડે ને મરી પણ જાય.
અંબાલિકા કહે કુદરતી રીતે 92-93 તત્વ જ મળે છે, બાકીના પચીસેક તત્વ જૂજ પ્રમાણમાં અને પ્રયોગશાળામાં બને છે. સરસ્વતી કહે સાચી વાત છે તારી અને એવા તત્વની માત્રા તો માર્યાદિત હોય છે, પણ એમની જિંદગી પણ ક્ષણિક હોય છે. પાંચ તત્વમાંથી ક્યાં વાત પહોંચી ગઈ એમ કહી બધાં વધુ અભ્યાસ માટે છૂટાં પડ્યા.