જાહેર સ્થળ
જાહેર સ્થળ
મધ્યરાત્રીએ પણ ધમધમતા, શહેર વિસ્તારથી દૂર ભારતના એક હાઇવે ઉપરના ધાબા પર ભારતની પ્રથમ મુલાકાતે આવેલ વિદેશી પ્રવાસી પતિ-પત્ની ભારતના રસ -સ્વાદથી અત્યંત ભાવવિભોર થઇ ઉઠ્યા. પતિની સંમોહક દ્રષ્ટિ પત્ની ઉપર હેતથી જડાઈ ગઈ. પતિની દ્રષ્ટિના પ્રત્યાઘાત સ્વરૂપે પત્નીનો ચહેરો પતિના હોઠની તદ્દન નજીક પ્હોંચ્યોજ કે ...ખતરાના સંકેત જેવો એક સચેત ખોંખારો સામે તરફથી ગુંજ્યો.
" સર, મેડમ, ધીસ ઇઝ નોટ અલાઉડ ઈન પબ્લિક પ્લેસ. ઇટ્સ ઇન્ડિયા. "
" ધેટ્સ વિઅર્ડ. બટ વાય ? "
વિદેશી પતિપત્નીની આંખો હેરતપૂર્વક પોતાના ડ્રાયવર કમ ગાઈડ ઉપર આવી મંડાઈ.
" બિકોઝ પીપલ હીઅર બીલીવ ધેટ લવ ઇઝ સેક્રેડ. લવ
ઇઝ ઈંટર્નલ. ઈટ શુડ રીમેન બીટવીન ટુ સોલ એન્ડ ટુ બોડીઝ. ધેર શુડ નોટ બી એની ઇન્ટરફિઅરન્સ ઓફ આઉટસાઇડ વર્લ્ડ ...."
ગાઈડનું વાક્ય પૂરું થાય એ પહેલાજ કેટલાક બન્દૂકધારી માણસો ધાબા ઉપર ધસી આવ્યા. હવામાં છુટેલી ગોળીઓથી આખો ધાબો થરથરી ઉઠ્યો. દોડાદોડી અને અફરાતફરી વચ્ચે વિદેશી પત્નીની ભયભીત ચીખ પણ ચારેતરફ પડઘાઈ રહી. પતિના સુરક્ષિત આલિંગન વચ્ચેથી બે વિસ્મિત આંખો પોતાના ગાઇડને અચંભાથી નિહાળી રહી.
નજર સામે બનેલી એ ઘટનાથી એનું માથું ડર અને શરમથી નીચે તરફ સંપૂર્ણ ઢળી ચૂક્યું હતું.
પ્રેમલગ્ન કરનારા યુવક અને યુવતીની લાશ લોહીના ખાબોચિયામાં એ જાહેર સ્થળે ઠંડી પડી રહી હતી.