Mariyam Dhupli

Abstract

4  

Mariyam Dhupli

Abstract

ઇતિહાસ

ઇતિહાસ

3 mins
293


" જઈએ ?" 

તેઓએ હળવેથી મને પૂછ્યું.

હું વિચારોમાં ઊંડો ખોવાયેલો હતો. શોક્ગ્રસ્ત હતો. મને ઘેરો ધક્કો લાગ્યો હતો. જે થયું હતું એ વિચારોના પરે હતું . અણધાર્યું અને કેવું અનિશ્ચિત !

મારી પડખે આવી તેઓ ઉભા થયા અને હું મારી લાગણીઓ ઉપર સંયમ રાખી ન શક્યો. મારી ભાવનાઓ અશ્રુઓનું સ્વરૂપ ધારણ કરતી વહી પડી. કદાચ તેઓ મારી પરિસ્થતિ સમજશે એ આશાએ મારુ મન એમની સામે હળવું કરવા મેં શબ્દોનો આશરો લીધો. તેઓ ધ્યાનથી મારી વાત સાંભળી રહ્યા. 

"ગાંધી બાપુને કોણે માર્યા હતા ? શા માટે ? ભારતનું વિભાજન ક્યારે થયું હતું ? શા માટે ? તાજમહેલ કોણે બાંધ્યું હતું ? અંગ્રેજો ભારત ક્યારે આવ્યા હતા ? ભારતને સ્વતંત્રતા ક્યારે મળી હતી ? ભારત પ્રજાસત્તાક કયા વર્ષની કઈ તારીખે બન્યું હતું ? ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે બની હતી ? શા માટે ? એના શું પરિણામો આવ્યા હતા ? ભારત ઉપર કઈ કઈ સત્તાઓએ રાજ કર્યું હતું? ભારતના જુદા જુએ રાજ્યોમાં ઉપસ્થિત જુદા જુદા પ્રદેશોમાં બાંધવામાં આવેલા હજારો શિલ્પ, સ્થાપત્ય અને ઐતિહાસિક ઇમારતોની રચનાની તારીખો , એ બાંધકામ પાછળના કારણો અને એને બઁધાવનાર મહાનુભવોના નામો. કઈ સંસ્કૃતિ ક્યારે અસ્તિત્વમાં આવી અને ક્યારે સમાપ્ત થઇ ? એ જુદી જુદી સંસ્કૃતિઓની ઝીણી ઝીણી વિગતો. પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું ? શા માટે થયું ? એની પાછળના રાજકીય કારણો અને વિસ્તૃત રાજનીતિ . ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ, એના કારણો, એના પાછળની લાંબી રાજકીય માહિતીઓ ...... "

મારી આંખોમાં ઉભરાઈ રહેલ પ્રશ્નોને તેઓ હેરતથી તાકી રહ્યા. એકજ શ્વાસે બહાર આવી રહેલી વિગતો ઉપર એક ઊંડા નિસાસા જોડે મારા તરફથી પૂર્ણવિરામ મુકાયું. મારી નજર આગળ ગોઠવાયેલા પલંગ તરફ હું આગળ વધ્યો . એના ઉપર હાજર શરીરને જોઈ મારી પીડા ચરમસીમાએ પહોંચી. એ શરીરને નિસહાય પણે નિહાળતા મારી અસહ્ય વેદના ફરી શબ્દોનું સ્વરૂપ લેવા માંડી .

"હું શાળામાં ભણતો હતો ત્યારે ઇતિહાસથી ઘણો ડરતો. ઇતિહાસનની પરીક્ષા હોય એ સાંજે મને તાવ આવી જતો." અસહ્ય વેદના વચ્ચે એક વિચિત્ર હાસ્ય મારા ચ્હેરા ઉપર છવાઈ ગયું. હું પાછળ ફર્યો. તેઓ ત્યાંજ ઉભા હતા. મારો દરેક શબ્દ પ્રમાણિકપણે ધ્યાન દઈ સાંભળી રહ્યા હતા .

"ઇતિહાસમાં હું હમેશા નાપાસ થતો. ફક્ત ઇતિહાસના વિષયના ગુણ નીચેજ લાલ લીટીઓ મળતી. હું એ વિષયથી ખુબજ નફરત કરતો." ધીમા ડગલે હું પલંગની વિરુદ્ધ દિશામાં એમની તરફ આગળ વધ્યો. એમની તદ્દન નજીક પહોંચી એમની આંખો જોડે સંપર્ક કરતા મારી વાતનો અંતિમ સાર રજૂ કર્યો.

"હું જીવનભર એમજ સમજતો રહ્યો કે સૌથી અઘરું કઈ હોય તો એ ઇતિહાસ ભણવું. પણ નહીં, હું ખોટો હતો. સૌથી અઘરું કઈ હોય તો એ ઇતિહાસ બની જવું." મારી પીડાને એ સમજી શકે છે એવા હાવભાવો જોડે તેઓએ પોતાની ભારે ગરદન હલાવી. ધીમે રહી મારો હાથ થામ્યો અને લક્ષ્યની દિશામાં મને દોરી ગયા .એજ સમયે પલંગ ઉપર હાજર મારા મૃત શરીરને વેન્ટિલેટરથી છૂટું કરી દેવામાં આવ્યું. મારા મૃત્યુના સમાચાર મારા પરિવારને પહોંચાડવાની તૈયારી થઇ રહી. હું મારા પ્રિયજનોનો હૃદયદ્રાવક આક્રન્દ સાંભળી શકું એ પહેલાજ યમરાજ મારી યુવાન આત્મા જોડે સ્વર્ગલોક પહોંચી ગયા.

અને ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં એક આંકડો વધુ ઉમેરાયો. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract