ઈન્ટરવલ
ઈન્ટરવલ
મંગળવારે આકાશના પપ્પાએ નોકરી પર છુટ્ટી રાખી હતી. અને એ દિવસે સવારે એણે એના પપ્પાને બાંધણી ખાતે આવેલ વાજબી ભાવની દુકાને લઈ જવાનું નક્કી કર્યું. પહેલાં તેણે નાહી લીધું. એ પછી એક કેળું આરોગી લીધું.
ચા- નાસ્તો તો તેણે સવારે કરી જ લીધો હતો. એને એટલી જાણ હતી કે પોતાના પપ્પાના અંગૂઠાની છાપ આવે છે. અને એ ભરોસે તેણે તેના પપ્પાને પોતાની સાથે બાંધણી લઈ જવાનું નક્કી કર્યું.
એના પપ્પાએ પેન્ટ-શર્ટ પહેરી લીધા. એ પછી તેઓ "હું આગળ ઊભો છું, તું આવ…." કહેતાક ને ઘરની બહાર નીકળ્યા.
એ પછી તરત જ તેણે આણંદ ખાતે રહેતા હિરલભાભીને ફોન જોડ્યો. એમને જણાવવાની આવશ્યકતા હતી કે વાજબી ભાવની અનાજની દુકાને પહોંચ કાઢી આપવાનું શરૂ થઈ ગયું હતું. અને એટલે વહેલી તકે માસી; આણંદથી અહીં એટલે કે આકાશ જ્યાં રહે છે ત્યાં આવી જાય.
વાત પૂરી થઈ એટલે આકાશે સ્કૂટી બહાર કાઢી. અગમચેતી રાખીને તેણે પેટ્રોલની બોટલ પણ સાથે લઈ લીધી. ગામમાં પહોંચ્યો એટલે એના પપ્પા રાહ જોઈને ઊભા રહયા હતા. એ બેસી ગયા. થોડે આગળ ગયા બાદ એમણે આકાશને બીજે રસ્તેથી જવા કહ્યું. આકાશને ખ્યાલ આવી ગયો. પણ એ કરે પણ શું! તેણે પિતાજીએ સૂચવેલા રસ્તે સ્કૂટી વાળી . તળપદા નિવાસ આગળ આવીને તેણે સ્કૂટી ઊભી રાખી. એના પિતાજી ઊતર્યા અને એક ઘરમાં પ્રવેશ્યા. દસેક મિનિટ બાદ તેઓ બહાર આવ્યા.
એ પછી એમણે પોતાના ચહેરા પર માસ્ક ચઢાવી દીધું. આકાશે સ્કૂટી સ્ટાર્ટ કરી અને આગળ વધ્યો. "હવારથી જ ચાલુ કરી દીધું .ગુલામ બન્યા અને પોતાની પર અંકુશ ન રાખ્યો એટલે કંઈ ઉકાળી ન શક્યા " આકાશે પોતાના પપ્પા વિશે મનોમન વિચાર્યું.
પોતે કેવુ કાર્ય પાર પાડવા જઈ રહ્યાં છે એ વિશે સ્હેજ પણ વિચાર ન કર્યો અને સવારથી જ ચાલુ કરી દીધું આ મામલે આકાશ વિચારવા લાગ્યો. પણ આકાશ સમજી ગયેલો કે હવે પાકા ઘડે કાંઠા ન ચઢે. અને એટલે એ ઝાઝી માથાકૂટ કરતો નહોતો.
એને એટલી બાબતનો ગર્વ હતો કે પોતે એ દલદલમાં ફસાયો નહોતો. એ જાણતો હતો કે એ દલદલમાં ફસાયેલાની હાલત કેટલી બદતર હોય છે.
ખેર એ પછી તે મુખ્ય રોડ પર આવ્યો ત્યારે તેના પપ્પાએ ફરી વખત સ્કૂટી ઊભી રાખવા જણાવ્યું.
"કેમ ?" આકાશે સવાલ કર્યો ત્યારે તેના પિતાજીએ બીડી પીવાનું કારણ આગળ ધર્યુ. બીડી પીવાઈ ગઈ એટલે એ આગળ વધ્યો. ધીમે ધીમે નશો ચઢવા લાગ્યો એટલે તેઓ પોતે જીવનમાં જે બાબતો સાકાર ન કરી શક્યા એની વાત પોતાના પુત્ર સમક્ષ કરવા લાગ્યા. આકાશ સાંભળતો રહ્યો. આખરે એ એમનો તો અંશ હતો.
પિતાજીની નિષ્ફળતા સામે દાતિયા કરવાનો કોઈ અર્થ સરતો નહોતો. તેણે પિતાજીને કહ્યું, " પપ્પા, સાવ નાસીપાસ થવા જેવું નથી. આપણી પાસે અમુક રકમ તો છે જ. " આ સાંભળીને એના પિતાજીને સારું લાગ્યું. પણ એમણે ધીમે રહીને એ પણ કહી દીધું કે એટલાયે ન થાય ! આકાશ થોડો હતાશ થયો કેમ કે પપ્પાની વાત બિલકુલ સાચી હતી. જોકે કશુંક તો કરી જ શકાશે એવું એનો અંતરાત્મા તેને કહી રહ્યો હતો. તે સ્વયં આ માટે નીચોવાઈ જવા માટે તૈયાર હતો.
થોડે આગળ જતાં સ્કૂટી રિસાઈ. અને જ્યારે વાહન મુશ્કેલીમાં મૂકે ત્યારે કેવી હાલત થાય એ તો વાહન વાપરતા તમામ લોકો જાણે જ છે. પેટ્રોલની બોટલમાંનુ બધું પેટ્રોલ તેણે ટેન્કમાં રેડી લીધું તોયે એની સ્કૂટી થોડે આગળ જઈને બંધ થઈ જતી હતી. એણે એના પપ્પાને ચાલતા ચાલતા દુકાને પહોંચવા જણાવ્યું.
એ પછી એણે વિચાર કર્યો: આવું કેમ થયું? જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે માણસનું મન પણ એ દિશામાં વિચારતું થાય છે. તેણે આસપાસ નજર દોડાવી. રોડની એક બાજુ કેટલીક મહિલાઓ ખાડા ખોદવાના કાર્યમાં જોતરાયેલી હતી. એમની સાથે એક- બે પુરુષો પણ દેખરેખ માટે ઊભા રહ્યાં હતાં. તેને તરત જ સરકારની નરેગા યોજનાનો વિચાર આવ્યો પણ એને તો સ્કૂટી બંધ થઈ જવાનું કારણ શોધવાનું હતું. તેણે તેની અંદર રહેલા આકાશને હાક મારી, " આકાશ, ઓ આકાશ…..વિચાર…...આવું કેમ થયું ? "
અને ગણતરીની સેકંડોમાં તેને અંદરથી જવાબ સાંપડ્યો: તું છેલ્લા કેટલાક દિવસથી કોરું જ પેટ્રોલ નાંખીને ગાડી હંકાર્યે રાખે છે ને ! બસ એ જ કારણથી અત્યારે તું સલવાયો છે.
એ પછી તે સ્કૂટીને ઢસડીને દુકાન સુધી લઈ ગયો. ઈશ જો કાલવારી પર્વત સુધી પોતાનો ક્રોસ ઊચકીને લઈ જતા હોય તો હું સ્કૂટી રુપી ક્રોસ કે ક્રૂસ ન ઊંચકી શકું ! એણે પોતાની જાતને જ પડકાર ફેક્યો. એ સાથે જ તે એક પંક્તિ ગણગણી રહ્યો: હજારો મીલ લંબે રાસ્તે તુજ કો બુલાતે..…...આહા હાહાહાઆ…. આ..આહાહા….
તેણે જોયું કે દુકાને ખાસી એવી ભીડ હતી. તેણે એક- બે વ્યક્તિને પૂછી જોયું કે ક્યાંથી ઓઈલ મળી રહેશે. એ પછી તે મહેલાવ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર પહોંચ્યો. અને ચાલીસ રૂપિયાનું પેટ્રોલ અને દસ રૂપિયાનું ઓઈલ લેતો આવ્યો.પેટ્રોલપંપ વાળાએ તેને એક ખાલી બોટલની વ્યવસ્થા કરી આપી અને એમાં જ પેટ્રોલ અને ઓઈલ ભરી આપ્યા. આકાશે જોયું કે આવી વ્યવસ્થા કરી આપનાર એ છોકરાના કપાળે એક તિલક હતું. તે મનોમન બોલવા લાગ્યો, " 'વચનામૃત'ની ખરેખર અસર થઈ છે આ છોકરા ઉપર"
તેણે તેની સ્કૂટી તો બાંધણી ખાતે આવેલ પેલી દુકાને જ મૂકી રાખી હતી.
તે પેટ્રોલ પંપ પર પહોંચવા માટે એક રિક્ષામા બેઠો હતો. થોડું જ અંતર કાપ્યું હશે ને પેટ્રોલ પંપ આવી ગયો હતો. આકાશે પેલા રિક્ષા ડ્રાઈવરને દસની નોટ આપી. આકાશે એમ વિચાર્યું કે પેલો પાંચ રૂપિયા પાછા આપશે. પણ પેલાએ કહ્યું, " થઈ ગયા"
" આવી દાનત રહે ત્યાં સુધી ધૂળ ને ઢેફા ઉદ્ધાર થાય દેશનો ને મનુષ્યનો !" આકાશ મનોમન બળાપો કાઢવા લાગ્યો. પરત આવવા માટે પણ એણે રિક્ષાનો સહારો લીધો. આ વખતે પણ રિક્ષાવાળો લોભી નીકળ્યો.
રિક્ષામાથી ઉતર્યા બાદ તે કહેવા લાગ્યો, "થઈ ગયા"
એ પછી તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા, " ક્યાં જઈને ભોગવશે ?"
ખેર, જ્યારે તે દુકાને આવ્યો ત્યારે લાઈન તો એટલી ને એટલી જ હતી. ગરીબ વર્ગના લોકો પોતાનો વારો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હતા. આકાશ તેના પપ્પાને લઈને કમ્પ્યુટરમાં કામ કરતા છોકરા પાસે પહોંચ્યો. પિતાજીના બંને અંગૂઠા વારાફરતી મૂકાવડાવ્યા પણ બધું વ્યર્થ!
આખરે એમણે ઉદાસ ચહેરે ઘર તરફ આવવું પડ્યું. સ્કૂટી ચલાવતા ચલાવતા આકાશે પેલું ગીત ગાઈ લીધું: જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ……..
તે પોતાની જાત સાથે વાત કરતો રહયો: આ તો એક ઈન્ટરવલ છે. હજી ફિલ્મ ક્યાં પૂરી થઈ છે. એને નોળીયાની; જંગ જારી રાખીને નોળવેલ સુઘવા જવાની કથા યાદ આવી ગઈ. તેને બોક્સીંગની રમતના કેટલાક દ્રશ્યો યાદ આવી ગયા કે જેમાં જે ખેલાડી વારવાર પછડાય છે એ જ આખરે વિજેતા બને છે.
ખેર , જ્યારે તેઓ ઘેર પરત ફર્યા ત્યારે પિતાજીએ પુન: એ જ રસ્તે સ્કૂટી લઈ જવાનો આગ્રહ કર્યો જે રસ્તેથી સવારે પસાર થયા હતા. કદાચ 'માલ' તૈયાર નહી હોય એટલે આકાશના પપ્પાએ આકાશને કહ્યું, "તું તારે નીકળ…." આકાશ જતો જ હતો ત્યાં એક મહિલા ઘરની બહાર આવી. આકાશ સામે તેણે ઘડીભર માટે નજર ઠેરવી. એ પછી આકાશના પપ્પાને પૂછવા લાગી, " આ તમારો છોકરો ? "
આકાશના પપ્પાએ કહ્યું, " હા"
એ પછી આકાશ મનોમન બોલવા લાગ્યો, " માસી, 'બાપ એવા બેટા' બધા કિસ્સામાં સાચું ન પડે. મારી પાસેથી કશી આશા રાખતા હોય તો ન રાખશો. કેમ કે મેં ઓલરેડી એક કવિતા લખી કાઢી છે કે જેમાં નશાબાજની હાલત કેવી થાય છે તેની વાત છે."
એ પછી તે સ્કૂટી સંગ ઘેર આવી ગયો. ઘેર આવ્યો ત્યારે સમય 11:55 થઈ ગયો હતો. તેણે એક ભકિતગીત સેન્ડ કર્યુ અને એક સ્ટેટસ જોયું. રિપ્લાય ન આપ્યો.
