ઈન્દ્રધનુષી બાળકી
ઈન્દ્રધનુષી બાળકી
રૂપા જેવું નામ, તેવી રૂપાળી, ઘાટીલી અને સુંદર, નાજુક નમણી ૧૦ વર્ષની, ધોરણ પાંચમાં અભ્યાસ કરતી, ખૂબ જ હોશિયાર, દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ આગળ, અને બોલવામાં પણ ચબરાક, જે મળે તે એના વખાણ કરે, એના માતા-પિતાની ખૂબ જ લાડલી.
શાળા, ગામ બધી જગ્યાએ તેને માન મળતું, ઈન્દ્રધનુષી રંગોની જેમ તે પણ ઈન્દ્રધનુષી બાળકી હતી. જેમ તે શાળાની કે ગામની કોઈપણ પ્રવૃત્તિમાં નિખરી આવે, તેમ દરેક હરીફાઈમાં ભાગ લઈ નિષ્ઠાથી કામ કરતી, બધામાં જ તેનો નંબર આવે, આખું ગામ એને ઓળખતુંને "રૂપાળી રૂપા "કહેતું.
રૂપા આમ નાની પણ એની આંખોમાં ઈન્દ્રધનુષ્ય જેવાં સાત રંગી સપનાં રમતાં, તેને એ આંબી જવાની ઈચ્છા ધરાવતી હતી. તે દેશ, ગામ માટે કંઈક કરવાની ભાવના ધરાવતી હતી, એક દિવસ શાળામાંથી મુંબઈ દર્શનનાં પ્રવાસે લઈ જવામાં આવ્યાં, રૂપા પણ પ્રવાસે હોંશે હોંશે જોડાઈ. ગામની બહારની દુનિયા ખાસ જોઈ ન હતી, આથી માબાપે ખાસ કરીને મોકલી, રૂપા આમ પણ બધા જ શિક્ષકોની વહાલી હતી, તેને પ્રવાસની નેતા બનાવી. રૂપા આંખોમાં અવનવા સપના ભરીને, કુતુહલથી, મુંબઈની દુનિયા જોવા નીકળી, મુંબઈની ઝાકમઝોળ દુનિયા જોઈને અંજાઈ ગઈ ! આખો દિવસ અસંખ્ય પ્રશ્નો પૂછી પૂછીને, તેની જાણકારીને, વિસ્મયને, સંતોષતી રહી.
રૂપા આજે અલગ દુનિયાને જોઈને ખૂબ ખુશ હતી, બધાં મુંબઈના એક બગીચામાં બેઠાં, ત્યાં તેમને પાંવભાજીનો નાસ્તો આપ્યો, રૂપા બધાને ફરી ફરીને રસ્તો આપી રહી હતી, અચાનક એની નજર એક ઢીંગલી પર પડી. રમકડાની ખૂબ જ સુંદર ઢીંગલી જોઈ તે તેના તરફ આકર્ષાય, તેને લેવા દોડી, દોડતી દોડતી પાસે પહોંચી,તેને ઊંચકી લીધી, આમતેમ ફેરવી જોવા લાગી, નિર્દોષ આંખોથી.... ત્યાં અચાનક ઢીંગલીમાંથી બોમ્બ ફાટયો... તેની સાથે જ ઈન્દ્રધનુષ જેવાં રંગોથી રંગાયેલું જીવન, ટમટમતા તારલા જેવી ઈચ્છાઓ, આશાઓ, બધું જ આતંકવાદીઓનાં મનસૂબામાં હોમાઈ ગયું, એક ઝળહળતો તારલો બુઝાઈ ગયો.
