Prashant Subhashchandra Salunke

Thriller

4.3  

Prashant Subhashchandra Salunke

Thriller

ઈમાન

ઈમાન

5 mins
120


આજે કુખ્યાત ચોર શેરસિંહની ધરપકડ કરવામાં આવી હતી. ગુનો હતો તેના જ સાથી જેકોબની હત્યા કરવાનો ! ઈન્સ્પેકટર માથુર પોલીસ સ્ટેશનમાં શેરસિંહનું બયાન લઈ રહ્યા હતાં.

“સાહેબ, જેકોબ સાથે મળીને હું નાનીમોટી ચોરીઓ કરતો. આજદિન સુધી ચોરીના હિસ્સાની વહેંચણીને લઈને અમારી વચ્ચે ક્યારેય કોઈ તકરાર થઈ નહોતી. આખરે અમારામાં પણ ઈમાન હોય છે. પરંતુ એ દિવસે...”

“શું થયું હતું એ દિવસે?”

“સાહેબ, શરૂઆત જેકોબે કરી હતી. ચોરી દરમ્યાન એક હીરાનો હાર અમારે હાથ લાગ્યો હતો. તેની ચમકથી અમારા બંનેની આંખો અંજાઈ ગઈ હતી. મેં જેકોબને વિનંતી કરતા કહ્યું હતું કે આ હાર હું મારી પ્રેમિકાને આપવા માંગું છું તેથી હાર મને આપી દે. જેકોબે મારી માંગણીને ફગાવતા કહ્યું કે એના કરતા હું મારી પત્ની રૂબિયાને જ આ હાર ભેટમાં ન આપું ! મારી ના પાડવા છતાંયે એ કમબખ્તે હારની તસવીરો તેની પત્ની રૂબિયાને વોટ્સએપ કરી હતી. રૂબિયા એટલી ખુશ થઈ કે અડ્ડા સુધી પહોંચતામાં તો તેણે જેકોબના મોબાઈલમાં ‘આઈ લવ યુ’ના મેસેજનો ખડકલો કરી દીધો હતો. મને આ વાત બહુ ખૂંચી હતી. હું મારી પ્રેમિકાને ખુશ કરવા માંગતો હતો. જો જેકોબ રૂબિયાને હાર આપી દે તો... એ વિચારી હું ઈર્ષાભાવથી સળગી ઉઠ્યો હતો.”

“આગળ બોલતો રહે...”

“સાહેબ, આમ જોવા જતા સહુથી પહેલા મેં મારી પ્રેમિકાને હાર આપવાની વાત કહી હતી ! અરે! અગાઉ જેકોબે કેટલીયે બેશકિંમતી વસ્તુઓ અમસ્તી છોડી દીધી હતી અને આજે અમથોજ મામુલી હીરાના હારને લઈને મારી સાથે ઝઘડી રહ્યો હતો. મારી પ્રેમિકા પણ વોટ્સએપ પર હારના ફોટા જોઈ ખૂબ ખુશ થઈ હતી. હવે તેને હું કેવી રીતે નારાજ કરી શકું? હું કોઈપણ વિખવાદ વગર શાંતિપૂર્વક આ વાતનું સમાધાન કરવા માંગતો હતો. આખરે અમારૂ પણ કોઈ ઈમાન હોય છે.”

અમે ચોરીના માલની વહેંચણી કરવા ટેબલ પર ગોઠવાયા ત્યારે મેં ચોરીનો સઘળો માલ જેકોબ સામે ધરતા કહ્યું, “બધું લઈ લે પણ તું મને હીરાનો આ હાર આપી દે. હું મારી પ્રેમિકાને તે આપીને ખુશ કરીશ.” ઓચિંતા મારા હાથમાંથી નોટનું એક બંડલ છટકીને નીચે ભોંય પર પડ્યું. હું તેને ઉપાડવા નમ્યો જ હતો ત્યાં ‘ધાંય’ના અવાજ સાથે મારી બરાબર પાછળ આવેલ ફ્લાવરવાઝના ટુકડેટુકડા થઈ ગયા. મેં જોયું તો જેકોબના હાથમાં પિસ્તોલ હતી ! હીરાની ચમકે મારા દોસ્તને આંધળો કરી દીધો હતો. જેકોબ બીજી ગોળી ચલાવે એ પહેલાં જ મેં પલટવાર કરતા મારી રિવોલ્વરની ટ્રીગર દબાવી દીધી. “ધાંય”ના અવાજ સાથે જેકોબની ખોપરી વીંધાઈ ગઈ. લોહીની છોળ ઉડી અને તેનો દેહ ટેબલ પર પડેલા હીરાના હાર પર ઢળી પડ્યો. હીરાનો હાર લેવા હું જેકોબની પાસે આવ્યો જ હતો ત્યાં કોઈએ મારા માથા પર ભારે વસ્તુનો પ્રહાર કર્યો ! મારી આંખ સામે અંધારું છવાઈ ગયું અને હું ભોંય પર ઢળી પડ્યો. ખબર નહીં કેટલા સમય સુધી હું એમ જ બેહોશ પડ્યો રહ્યો હોઈશ. પોલીસની જીપના સાયરનનો અવાજ સાંભળીને મારી આંખ ખુલી ગઈ. જોયું તો સામે જેકોબની લાશ પડી હતી. એ મૂરખે ચલાવેલી ગોળીના અવાજથી જ કોઈક અડ્ડામાં આવી પહોંચ્યું હતું અને હીરાના હારની લાલચે મારા પર હુમલો કર્યો હતો. અચાનક મને હીરાનો હાર યાદ આવતા હું સફાળો ઊભો થઈને ટેબલ પાસે ગયો પરંતુ ત્યાં કશુંજ નહોતું ! હીરાના હાર સાથે સઘળો ચોરીનો માલ લઈને કોઈ છુમંતર થઈ ગયું હતું ! હું ત્યાંથી રફુચક્કર થવાનું વિચારતો જ હતો ત્યાં પોલીસે આવીને મારી ધરપકડ કરી લીધી. એક વાત કહું સાહેબ? મારા હાથે જેકોબની હત્યા થઈ એ વાત કરતાં તેણે કરેલી ગદ્દારીનું મને વધારે દુઃખ છે. અમે લોકો હંમેશા ઈમાનથી રહીએ છીએ. ચોર છીએ પણ ઈમાનદારી અને વફાદારીને ચુસ્તપણે વળગેલા રહીએ છીએ. જેકોબે તે નિયમ તોડ્યો પરિણામે અમારે બેઉને ભોગવવાનું થયું. મને જેલ થઈ અને તેણે પોતાનો જીવ ખોયો. સાહેબ, એ ત્રીજા ઉઠાવગીરને તમે ગમે તે રીતે શોધી કાઢો. આખરે અમારા જેવા અઠંગ ચોરને લુંટીને એ ભાગ્યો છે.”

“શેરસિંહ, આખો કેસ એક પુરાવાની ઓળખના અભાવે અટકેલો છે જો તું અમારી શંકાનું નિવારણ કરીશ તો આખો મામલો સ્પષ્ટ થશે.” ઈન્સ્પેકટર માથુરે ખિસ્સામાંથી કાનનો એક ઝૂમખો કાઢતા કહ્યું, “આ ઝૂમખાને તું ઓળખે છે?”

“અરે! આ ઝૂમખો તો...”

“બરાબર... મારી શંકા સાચી પડી... શેરસિંહ, હવે મારી તપાસના આધારે હું એ દિવસે અડ્ડામાં શું બન્યું હતું તે તને કહી સંભળાવું છું. સાંભળ, જેકોબના શબના હાથમાંથી જે રિવોલ્વર પોલીસને મળી આવી હતી તેના બધા ચેમ્બરમાં ગોળીઓ હતી !”

“શું !”

“હા, એ દિવસે જેકોબે તારા પર ગોળી ચલાવી જ નહોતી. ગોળી કોઈક ત્રીજી જ વ્યક્તિએ ચલાવી હતી. તેનો પુરાવો છે તમારા અડ્ડાના પગથિયાં પાસેથી મળી આવેલો આ ઝૂમખો. વળી જેકોબના મોબાઈલની તપાસ કરતા એક ચોંકવનારી વિગત અમારા ધ્યાનમાં આવી છે.”

“એ કઈ???”

“શેરસિંહ, તે દિવસે જેકોબ તેની પત્ની રૂબિયા જોડે નહીં પરંતુ તેની પ્રેમિકા જોડે વોટ્સએપ પર વાર્તાલાપ કરી રહ્યો હતો. હીરાના હારની તસવીરો પણ તેણે પોતાની પ્રેમિકાને જ મોકલી હતી.”

“પ્રેમિકા ને !”

“હા, અને તે પ્રેમિકા એટલે તારી પત્ની વૈશાલી કે જેનો આ ઝૂમખો છે ! વાસ્તવમાં જેકોબ તને જ હીરાનો હાર આપવાનો હતો. તેણે વોટ્સએપના એક મેસેજમાં વૈશાલીને સ્પષ્ટ લખ્યું પણ હતું કે, ‘ડાર્લિંગ, શેરસિંહના હાથે તારા માટે આ ભેટ મોકલી રહ્યો છું.’ પરંતુ જયારે તેં તારી પ્રેમિકાને હાર આપવાની વાત કરી ત્યારે આખી બાજી બગડી ગઈ. જેકોબે મેસેજ દ્વારા તું હાર તારી પ્રેમિકાને આપવાનો છે એ વાત વૈશાલીને કહી દીધી હતી. આ સાંભળી વૈશાલી રોષે ભરાઈને અડ્ડા પર આવવા નીકળી હતી. અહીં આવીને જયારે તારા મોઢે પ્રેમિકાને હાર આપવાની વાત સાંભળી ત્યારે વૈશાલીનું મગજ છટક્યું અને તેણે તારા પર ગોળી ચલાવી દીધી. બિચારા જેકોબે તો ગોળીનો અવાજ સાંભળીને જ ખિસ્સામાંથી રિવોલ્વર બહાર કાઢી હતી અને તું એમ સમજ્યો કે તેણે તારા પર ગોળી ચલાવી હતી ! ત્યાંથી મળી આવેલા ફિંગરપ્રિન્ટ પોકારી પોકારીને કહી રહ્યા છે કે તે વૈશાલી જ હતી કે જેણે મોકો જોઈ તારા માથા પર લોખંડનો સળીયો ફટકાર્યો હતો અને ચોરીનો સઘળો માલ ઉઠાવી ભાગી ગઈ હતી. પરંતુ ક્યાં સુધી તે પોલીસથી આમ નાસતી ફરશે?”

“મતલબ મારા પર ગોળી જેકોબે નહીં પરંતુ મારી પત્ની વૈશાલીએ ચલાવી હતી !”

“હા શેરસિંહ.”

ઓરડામાં થોડીવાર ખામોશી છવાઈ ગઈ. આખરે ઈ. માથુરે મૌન તોડ્યું

“શેરસિંહ, જે માણસ દોસ્તની પત્ની પર નજર રાખે એ દોસ્તીના નામે કલંક છે. આવા વિશ્વાસઘાતીઓને તેમના કુકર્મોની સજા થવી જ જોઈએ. તું ચિંતા ન કર તને ઓછામાં ઓછી સજા થાય તે વાતની હું તકેદારી રાખીશ. બાય ધી વે જેને લીધે આ બધું લફરું થયું એ તારી પ્રેમિકાનું નામ તો તેં જણાવ્યું જ નહીં !”

“રૂબિયા...”

“કોણ રૂબિયા ? જેકોબની પત્ની ?”

“હા.”

ઈ. માથુરની આંખમાં લોહી ધસી આવ્યું, “હવલદાર, આને જેલના સળીયાની પાછળ ધકેલી દો અને એવો તગડો કેસ બનાવો કે આજીવન જેલમાં સડતો રહે. ખરેખર આ હરામીઓનું હોતું જ નથી કોઈ ઈમાન.”


Rate this content
Log in

Similar gujarati story from Thriller