હું સમય છું
હું સમય છું
"શી ઇઝ સફરીંગ ફ્રોમ લ્યુકેમિયા. લાસ્ટ સ્ટેજ. કોઈ ઈલાજ શક્ય નથી. ઘરે લઈ જાઓ. બચેલી જિંદગી ખુશીથી જીવે એવો પ્રયત્ન કરો." રિપોર્ટ સપનના હાથમાં મૂકતા ડૉક્ટર ખૂરશી પરથી ઊભા થઈ ગયા.
સપન સ્તબ્ધ થઈ ગયો. છેલ્લા સ્ટેજ સુધી આટલી મોટી બીમારીના કોઈ લક્ષણો જણાયાં જ નહીં? કઈ થતું હોય તો સુહાનીએ તેને કીધું કેમ નહીં?
"ચાલ હવે ચકુનો સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે. ઘરે આવીને મને ન જોશે તો ઘર આખું માથા પર લેશે." તપાસવાના રૂમમાંથી બહાર આવીને સુહાનીએ પર્સ હાથમાં લઈ સપન તરફ જોયું.
ડૉક્ટરે સુહાનીને બીમારી વિશે જણાવ્યું હશે કે નહીં? ન કહ્યું હોય તો સારું. હવે મારા દ્વારા તેને કોઈ દુઃખ ન પહોંચવું જોઈએ એ નિશ્ચય કરી સપન સુહાનીને ગાડી તરફ દોરતો આગળ વધ્યો.
"આજથી બજારનું કામ તારે મને સોંપી દેવાનું, કામવાળીને થોડાં વધારે પૈસા આપીને ચકુને નવડાવવાનું કામ સોંપી દે, રસોઈવાળા બેન કાલથી આવશે." સપનની ગાડી એક પછી એક ગલીઓ ઓળંગે તેમ તેના શબ્દો નીકળ્યે જતાં હતાં.
"આટલો બેબાકળો કેમ બને છે? અઠવાડિયું તાવ આવ્યો એટલે થોડી અશક્તિ છે અને તને શું ખબર પડે બજારનું?" સુહાનીએ સળગતાં પર પાણી નાંખ્યું હોય એમ સપનનો અવાજ મોટો થઈ ગયો," બધી વાતમાં તારી મનમાની ન કર."
કાર ગેરેજમાં પાર્ક કરી ત્યાં સુધી બંને પર મૌને કબજો જમાવી રાખ્યો કારણકે ભીની ચારેય આંખો અલગ અલગ રસ્તો જોઈ રહી હતી.
સપન બીજે દિવસે સાંજે ફરી ડૉક્ટરને મળવા ગયો,"સાહેબ મારી સુહાની પાસે કેટલો સમય છે?"
"એક મહિનો,એક અઠવાડિયું કે કદાચ..."
તે તરત હોસ્પિટલની બહાર નીકળી ગયો. યાદ આવ્યું, છેલ્લે સુહાનીએ મનાલી જવાની ઇચ્છા જતાવી હતી. ઓફીસે જઈ પહેલા દિલ્હીની ટ્રેનની ટિકિટ બૂક કરી. આગળનું એજન્ટને સોંપી ઘરે આવ્યો ત્યારે સુહાની બેડરૂમમાં સૂતી હતી.
ચૂપચાપ ટેબલ પર મૂક્યું હતું તે જમીને બેડરૂમમાં પહોંચી ગયો. નિરાંતે સૂતેલી સુહાનીના શરીરે હાથ લગાવ્યો, થોડું ગરમ હતું.
ખિસ્સામાંથી ટિકિટ કાઢીને બહાર મૂકતો હતો ને," મન
ાલી જવાની ટિકિટ છે ને?" સુહાનીએ માંડ આંખો ખોલી પૂછ્યું.
સપન કંઈજ બોલ્યાં વગર તેનો હાથ પકડીને બેસી ગયો. એકાદ-બે ઝોકાં ખાધાં ત્યાં તો રાતનો જવાનો સમય થઈ ગયો.
"વર્ષોથી સવારની ચા સુહાનીએ પીવડાવી છે, ચાલ થોડા દિવસ હું.." વારેઘડીએ આવતાં એક જ વિચારને કારણે સપનને જાત પર ગુસ્સો આવ્યો. "જો હું ખુશ રહી શકું તો જ સુહાનીને ખુશ રાખી શકીશ ને!" આવેલા ચાના ઉભરાને ચમચીથી હલાવીને નિયંત્રિત કર્યો. ચાના કપ ભરી સુહાનીને ઉઠાડવા બેડરૂમમાં પહોંચ્યો.
"ગુડ મોર્નિંગ ડિયર."કહીને સુહાનીને જગાડવા સપને ગાલે ટપલી મારી. શ્વાન નિદ્રા ધરાવતી સુહાની પર કોઈ અસર ન થતાં ગભરાઈને તેને ઢંઢોળવા માંડ્યો. કોઈ જવાબ ન મળતાં દોડતા જઈ ડૉક્ટરને ફોન કર્યો.
"ગુડ મોર્નિંગ મિસ્ટર સપન, હું તમને જ ફોન કરવાનો હતો. મિસીસ સુહાનીને કેમ છે હવે?" ડૉક્ટરનો સામાન્ય અવાજ સાંભળી સપન ઉશ્કેરાયો.
"સર પ્લીઝ તમે જલ્દી આવો. સુહાની કોઈ રીસપોન્સ નથી આપતી."
"કૂલ ડાઉન મિસ્ટર સપન, પહેલાં તો હું સોરી કહું છું. મિસીસ સુહાની પટેલને લ્યુકેમિયા નથી, રીપોર્ટ બદલાઈ ગયો છે. મિસીસ સુહાની દેશમુખનો રીપોર્ટ લેવા આવનાર ભાઈ મોડા પડ્યા અને તમે ઇંતેજારીનાં કારણે વહેલા રિપોર્ટ લેવા આવ્યા. બંને રીપોર્ટ સાથે હતાં. ભૂલથી રીપોર્ટ બદલાઈ ગયાં. મિસીસ સુહાની પટેલને ફક્ત યુરીનમા ઇન્ફેક્શન છે જે અઠવાડિયાના દવાનાં કોર્સથી આવી જશે." ડૉક્ટરની વાત સાંભળી સપન ઘેલો બની સુહાનીને મળવા દોડ્યો.
"ઘેલાભાઈ જરા ધીમે. સોરી આજે પણ હું વહેલી ઉઠી ન શકી. બે દિવસથી શરીર દુખતું હોવાથી રાતે ઉંઘ આવતી ન હતી, કાલે બરાબર સૂતી. તારો સમય સાચવવામાં હું કાયમ ઉણી ઉતરું છું. આજે મને થોડું સારું લાગે છે. ઝટપટ નાહીને આવ, ગરમાગરમ બટાકાપૌવા બનાવું છું." સપનના હાથમાં ચાનો કપ પકડાવતા સુહાની રસોડા તરફ ભાગી.
"વાહ કિશન કનૈયા તે સમયફેર કરી મારો સમય સાચવી લીધો! ‘હું સમય છું’ યથાર્થ કરી બતાવ્યું ખરું!" સપન છબીને વંદી રોજના કામમાં જોતરાયો.